જામનગરમાં યુનિયન બેંકના મેનેજરે એક શખ્સ સાથે મળીને લાખોની છેતરપિંડી આચરી છે. બેંકના મેનેજરે કાવતરું રચી, બોગસ પેઢી બનાવી રૂ. 69.65 લાખનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે બેંક મેનેજર અને તેના મળતિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગરમાં આવેલી યુનિયન બેન્કની JMC બ્રાન્ચમાં મેનેજર તરીકે ફરજ બજાવતા દશરથસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તથા તેના જ સાગરિત દર્શન હસમુખભાઇ મણીયારે કાવતરું રચ્યું હતું. જેમાં વર્ષ ૨૦૨૦ના ઓગસ્ટ માસના ગાળામાં યુનિયન બેન્કના મેનજર દશરથસિંહે પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરીને લોકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી આચરી હતી. દર્શન મણીયાર નામના તેના સાગરિત સાથે મળીને પેઢીના નામનું ખોટું ક્વાટેશન બનાવ્યું હતું. ત્યારબાદ આ ડોક્યુમેન્ટ અને ખોટા ક્વાટેશનને સાચા તરીકે ઉગયોગ કર્યો હતો. અને બેંકના ખાતેદારોના નામે 74,25,000ની લોન મંજૂર કરાવી પૈસા પડાવ્યા હોવાનો મેનેજર પર આરોપ લાગ્યો છે. આ સમગ્ર કૌભાંડમાં મેનેજર દશરથસિંહે તેના સાગરિત દર્શનને કમિશન આપ્યું હતું. જોકે સમગ્ર કૌભાંડ અંગે ખાતેદારોને જાણ થતા ઠગ મેનેજરે ખાતેદારોના સાડા ચાર લાખની રકમ પરત કરી હતી.. જો કે બાકીના 69,65,000 લાખ રૂપિયા પોતાના અંગત ફાયદા માટે વાપરી નાખ્યા હતા. આ કૌભાંડ છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે.
આ કૌભાંડ અંગે ભોગગ્રસ્ત ખાતેદાર જયેશભાઇ ઇન્દુલાલ મણીયારે બેંક મેનેજર અને તેના મળતિયા સામે સીટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.