+

VADODARA : છાણી-નવાયાર્ડમાં તીવ્ર હવા પ્રદૂષણથી રહીશો પરેશાન

VADODARA : વડોદરા (VADODARA) ના છાણીના નવાયાર્ડ વિસ્તારના રહીશો તીવ્ર હવા પ્રદુષણ (AIR POLLUTION) થી પરેશાન હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક અગ્રણીના મતે આ સમસ્યા છેલ્લા એક સપ્તાહ જેટલા…

VADODARA : વડોદરા (VADODARA) ના છાણીના નવાયાર્ડ વિસ્તારના રહીશો તીવ્ર હવા પ્રદુષણ (AIR POLLUTION) થી પરેશાન હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક અગ્રણીના મતે આ સમસ્યા છેલ્લા એક સપ્તાહ જેટલા સમયથી પરેશાનીનું કારણ બની છે. આ અંગે જીપીસીબી (GPCB) ના આધિકારીઓનો સંપર્ક થઇ શક્યો ન હતો. આખરે અગ્રણીએ આ અંગેનો મેસેજ મોકલીને યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે. અગ્રણીનો આરોપ છે કે, એકથી વધુ દુર્ગંધ મારતા ગેસના કારણે આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આ ગેસ છોડનારી કંપનીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવાની માંગ તેમણે કરી છે.

શ્વાસ લેવામાં મુશ્કેલી સાથે આંખોમાં બળતરા

વડોદરાના છાણી નવાયાર્ડ વિસ્તારમાં હવા પ્રદુષણ તીવ્ર બનતા સ્થાનિકો માટે મુશ્કેલી સર્જાઇ છે. આ સ્થિતી છેલ્લા એક સપ્તાહથી ચાલી રહી છે. ત્યારે આજે પાલિકાના વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત સમસ્યા ઉજાગર કરવા માટે આગળ આવ્યા છે. પાલિકાના વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત જણાવે છે કે, પાછલા 5 – 7 દિવસથી વડોદરા શહેરમાં ખુબ પ્રદુષણની માત્રા હોય છે. શ્વાસ લેવામાં મુશ્કેલી થાય, આંખોમાં બળતરા થાય તેવા એકથી વધુ ગેસની દુર્ગંધ આવી રહી છે. 7 તારીખે જીપીસીબીમાં ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાં લેન્ડલાઇન પર કોઇએ ફોન કર્યા ન હતા. રિજ્યોનલ ઓફિસર મહિડાએ ટેલિફોનીક કોઇ ઉત્તર આપ્યો ન હતો. આખરે તેમને લેખીતમાં સંદેશો છોડવામાં આવ્યો છે.

ઇન્ડસ્ટ્રીઝ બેફામ બનતા પ્રદૂષણની માત્રા વધી

વધુમાં અમીબેન રાવત જણાવે છે કે, છાણી નવાયાર્ડ વિસ્તારમાં આજે શ્વાસ લેવાની તકલીફ પડે છે, ગેસના કારણે આંખોમાં બળતરા થાય છે. આજે જીપીસીબીમાં ફરિયાદ નોંધાવી છે. અને જીપીસીબીના રિજ્યોનલ ઓફિસરનો સંપર્ક થઇ શક્યો નથી. વડોદરા શહેરના નાગરિકોને ઉનાળાની શરૂઆતમાં આ પ્રકારના પ્રદુષણનો સામનો કરવો પડી રહ્યો છે. દિવસેને દિવસે પ્રદુષણની માત્રા વધતી જાય છે. હવા પ્રદુષણ ઘટાડવા માટે સરકાર વાતો કરે છે સ્વચ્છ હવાના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે. તો બીજી તરફ પરિસ્થીતી વિકટ બનતી જાય છે. ઇન્ડસ્ટ્રીઝ બેફામ બનતા રાત્રીના સમયે પ્રદુષણની માત્રા મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. આ સ્થિતીમાં તાત્કાલિક પ્રદુષણ કંટ્રોલ બોર્ડ જાગે અને આ પ્રદુષણ ફેલાવતી કંપનીઓ સામે કડકાઇ દાખવે તેવી અમારી માંગ છે.

કાર્યવાહી કરવામાં આવી હોય તેવું ઉદાહરણ નથી

અત્રે નોંધનીય છે કે, શહેરના અનેક વિસ્તારોમાં અગાઉ પણ તીવ્ર હવા પ્રદુષણની બુમો ઉઠવા પામી છે. ત્યારે આ સામે જીપીસીબી તંત્ર દ્વારા કોઇ સામે નક્કર કાર્યવાહી કરવામાં આવી હોય તેવું ઉદાહરણ સામે આવ્યું નથી. આ સંજોગોમાં કંપનીઓ દ્વારા તેમની મનમાની ચલાવવામાં આવે છે, જે નાગરીકો માટે મુશ્કેલીનું કારણ બને છે.

આ પણ વાંચો —VADODARA : “ભણેશ્રી” કોર્પોરેટરે 8 મી શૈક્ષણિક ડિગ્રી મેળવી

Whatsapp share
facebook twitter