+

VADODARA : PCB ની ટીમે પ્રોહીબીશનની બે રેડમાં રૂ. 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો

વડોદરા (VADODARA) માં રવિવારે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB) ની ટીમે એક જ દિવસમાં પ્રોહિબીશનની બે રેડમાં રૂ. 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરતા ચકચાર મચી જવા પામી છે. એક…

વડોદરા (VADODARA) માં રવિવારે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB) ની ટીમે એક જ દિવસમાં પ્રોહિબીશનની બે રેડમાં રૂ. 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરતા ચકચાર મચી જવા પામી છે. એક રેડમાં પોલીસે વુડાના મકાનમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જ્યારે અન્ય રેડમાં પીસીબીની ટીમે મોટી માત્રમાં લઇ જવાતું દારૂ ભરેલું ટ્રેલર ઝડપી પાડ્યું છે.

ક્વાટર્સમાં જ દારૂનો જથ્થો સ્ટોરેજ કર્યો

પીસીબી દ્વારા કરવામાં પહેલી રેડ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ટીમને બાતમી મળી હતી કે, દિન દયાલ વુડા ક્વાટર્સમાં રહેતો ગુરૂપ્રસાદ ઉર્ફે મુન્ને હરીપ્રસાદ કનોજીયા દારૂનો ધંધો કરે છે. તેણે ક્વાટર્સમાં જ દારૂનો જથ્થો સ્ટોરેજ કર્યો છે. જેના આધારે ટીમે લક્ષ્મીપુરા વિસ્તારમાં રેડ કરી હતી. અને ગુરૂપ્રસાદને રંગેહાથ પકડી પાડ્યો હતો. આરોપી ગુરૂપ્રસાદ ઉર્ફે મુન્ને હરિપ્રસાદ કનોજીયા (રહે. દિન દયાલ વુડા ક્વાટર્સ, લક્ષ્મીપુરા) વિરૂદ્ધ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં પ્રોહિબીશન અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

આરોપી સામે વિવિધ પોલીસ મથકમાં 10 જેટલા કેસ નોંધાઇ ચુક્યા છે

ઉપરોક્ત કાર્યવાહીમાં પીસીબીની ટીમે ભારતીય બનાવટના વિદેશી દારૂની 1179 બોટલ કિં. 1.95 લાખ, મોબાઇલ, રોકડા, મળી કુલ. રૂ. 2.07 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે જ ફતેગંજના કમાટીપુરાના રીયાઝ શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપી ગુરૂપ્રસાદ સામે વિવિધ પોલીસ મથકમાં 10 જેટલા કેસ અગાઉ નોંધાઇ ચુક્યા છે.

પીસીબીની ટીમે જાંબુઆ બ્રિજ પર નાકાબંધી ગોઠવી

અન્ય રેડ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ટીમને બાતમી મળી હતી કે, લુધીયાણાથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલી ટ્રક રવાના થઇ છે. જે ટ્રક આજે વહેલી સવારે વડોદરા બાયપાસ રોડ થઇ એક્સપ્રેસ હાઇવે થઇ અમદાવાદ તરફ જશે. જેના આધારે પીસીબીની ટીમે જાંબુઆ બ્રિજ પર નાકાબંધી ગોઠવી હતી. અને બાતમીથી મળતું ટ્રેલર-ટ્રક રોકી તપાસ કરતા મોટી માત્રામાં ઇંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. પીસીબીની કાર્યવાહીમાં લવજીતસિગ ગુરમેજસિંગ ઢીલ્લો (રહે. મુજકલા, ખુર્દકલાન, યુપી) ની ધરપકડ કરવામાં આવી હતી.

કપુરાઇ પોલીસ મથકમાં પ્રોહિબીશનનો ગુનો નોંધવામાં આવ્યો

પીસીબીની ટીમે ટ્રેલર-ટ્રકમાં તપાસ કરતા વિવિધ બ્રાન્ડનો રૂ. 87.16 લાખનો દારૂ મળી આવ્યો હતો. સમગ્ર કાર્યવાહીમાં પીસીબીની ટીમે રૂ. 1.02 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ મનજીતસિંગ (રહે. લુધીયાણા) અને દારૂનો જથ્થો મંગાવનાર શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત મામલે કપુરાઇ પોલીસ મથકમાં પ્રોહિબીશનનો ગુનો નોંધવામાં આવ્યો છે.

પીસીબીની ટીમે 6 મહિનામાં પ્રોહિબીશનની કાર્યવાહી અંતર્ગત રૂ. 4.38 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

પીસીબીની ટીમ દ્વારા વિતેલા 6 મહિનામાં અલગ અલગ જગ્યાઓએ પ્રોહિબીશનની રેડ કરીને 24 જેટલા આરોપીઓને પકડી પાડ્યા છે. તેમજ 43 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ કેસોમાં કુલ. 1.69 લાખ નંગ બોટલ કિં. 3.43 કરોડ મળીને કુલ રૂ. 4.38 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

 

આ પણ વાંચો — VADODARA : પોલીસે જ પોલીસને કહ્યું “તારી શું સત્તા છે” !

Whatsapp share
facebook twitter