+

વંચિત વર્ગના લોકો સુધી શિક્ષણ પહોંચાડીને BAOU બાબાસાહેબનું નામ સાર્થક કરી રહી છેઃ ભૂપેન્દ્ર પટેલ

આજે એટલે કે 27મી ફેબ્રુઆરી અને રવિવારના રોજ ગુજરાત સરકાર દ્વારા ઈ.સ. 1994માં સ્થાપિત રાજ્યની એક માત્ર ઓપન યુનિવર્સિટી, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી-અમદાવાદનો સાતમો પદવીદાન સમારંભ યોજાયો હતો. ગુજરાતના રાજ્યપાલ તથા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં આયોજિત આ પદવીદાન સમારંભમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ
આજે એટલે કે 27મી ફેબ્રુઆરી અને રવિવારના રોજ ગુજરાત સરકાર દ્વારા ઈ.સ. 1994માં સ્થાપિત રાજ્યની એક માત્ર ઓપન યુનિવર્સિટી, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી-અમદાવાદનો સાતમો પદવીદાન સમારંભ યોજાયો હતો. ગુજરાતના રાજ્યપાલ તથા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં આયોજિત આ પદવીદાન સમારંભમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી તથા ઉચ્ચ અને તકનીકી શિક્ષણ મંત્રી (રાજ્યકક્ષા) ડૉ. કુબેર ડિંડોર સહિત 9 યુનિવર્સિટીઝના કુલપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.


કુલ 15,461 ડિગ્રીઓ એનાયત કરવામાં આવી
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આ સાતમા પદવીદાન સમારંભમાં 20 પીએચડી, 3172 અનુસ્નાતક, 6789 સ્નાતક, 181 અનુસ્તાનક ડિપ્લોમા, 5299ને ડિપ્લોમા અને સર્ટિફિકેટ એમ કુલ 15,461 ડિગ્રીઓ રાજ્યભરના વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવી છે. આ સિવાય 37 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 35 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ જ્યારે 35 વિદ્યાર્થીઓને રેન્ક સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. અમી ઉપાધ્યાય દ્વારા યુનિવર્સિટીની છેલ્લાં વર્ષોની ગતિવિધિ અને પ્રગતિ વિશેની માાહિતિ આપવામાં હતી. તેમણે જણાવ્યું કે આ એક સાવ અલગ પ્રકારની અને અનોખી યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટીની ભૂમિ બહુ જ ફળદ્રુપ છે, કોઈ પણ વિચાર ઊગી જાય છે. નવા રાષ્ટ્રની રચના કરે એવી ચેતનાનો એવા વિચારોનું અહીં સ્વાગત છે.  


‘BAOU ભટકેલા, અટકેલા, અભાવગ્રસ્ત, નિરાશ યુવાનોમાં આશા જગાડે છે’
પદવીદાન સમારંભના અધ્યક્ષપદેથી સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું કે, BAOU ભટકેલા, અટકેલા, અભાવગ્રસ્ત, નિરાશ યુવાનોમાં આશા જગાડે છે. તેમના શિક્ષણના અધૂરા સપનાને પૂરા કરે છે. વંચિતોને મુખ્યધારામાં જોડવાનું કામ કરે છે. ભૌતિક રીતે અલ્ટ્રા મોડર્ન સમયમાં ઇમારતો મોટી પણ હૃદય નાનાં અને વિચાર સંકુચિત થતાં જાય છે, ત્યારે એવું શિક્ષણ હોવું જોઈએ જે આ આપણને જાતિવાદ કે ભેદભાવો, દ્વેષની દીવાલોને તોડી પાડે. આપણા સૌમાં એકતા-બંધુતાનો ભાવ પેદા થાય અને  પરિવારની જેમ આખો દેશ ચાલે. યુવાનોમાં નશા-ડ્રગ્સનું વધતું પ્રમાણ ચિંતાજનક છે. યુવાનોને પોતાની ભાષા, વેશભૂષા, ઇતિહાસ, બલિદાનગાથાઓને ચાહતા કરવાના છે. ભારતનો ઉદ્દેશ હંમેશાં વિશ્વ કલ્યાણ રહ્યો છે. ભારત જેટલું વધારે સશક્ત બનશે, એટલું શાંતિ વધારે સ્થપાશે.  શિક્ષણ અને સ્વાસ્થ્ય બાબતે આપણે વધારે વિચારવાની જરૂર છે. ગ્લોબલ વૉર્મિંગ જેવી અનેક આધુનિક સમસ્યાનો ઉકેલ કુદરતી ખેતીમાં છે. એના તરફ આપણે પાછા વળવું જરૂરી છે.


‘જે વિદ્યાર્થીઓ ડિગ્રી પ્રાપ્ત કરી રહ્યા છે, તેમને રાષ્ટ્રહિત સદા હૈયામાં રાખવા વિનંતી’
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે દીક્ષાંત સમારંભ એ આપણી પ્રાચીન પરંપરા રહી છે. પહેલાં આશ્રમ અને ગુરુકુળ હતા, એની જગ્યાએ આજે યુનિવર્સિટીઓ છે. છેવાડેના લોકો ઉપરાંત ટ્રાન્સજેન્ડર્સ, જેલના બંદીવાન ભાઈ-પહેનો સહિત વંચિત વર્ગના લોકો સુધી શિક્ષણ પહોંચાડીને આ યુનિવર્સિટી બાબાસાહેબનું નામ સાર્થક કરી રહી છે. દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે, ત્યારે જે વિદ્યાર્થીઓ ડિગ્રી પ્રાપ્ત કરી રહ્યા છે, તેમને રાષ્ટ્રહિત સદા હૈયામાં રાખવા વિનંતી છે. શિક્ષા-દીક્ષાથી સજ્જ યુવાનો જ દેશનું નિર્માણ કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાતના સીએમ બન્યા ત્યારે 2001માં 11 યુનિવર્સિટીઓ હતી, આજે તેમના વિઝન અને પ્રેરણા થકી 83 યુનિવર્સિટીઓ થકી ગુજરાત આજે એજ્યુકેશન હબ બન્યું છે, તેનું ગૌરવ છે. યુનિકોર્ન સ્ટાર્ટઅપમાં ભારત વિશ્વસ્તરે બીજા ક્રમે છે. 


‘યુનિવર્સિટીમાં પ્રવેશતાં જ બાબાસાહેબની દિવ્ય ચેતનાની અનુભૂતિ થાય છે’
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આ યુનિવર્સિટીમાં પ્રવેશતાં જ બાબાસાહેબની દિવ્ય ચેતનાની અનુભૂતિ થતી હોય છે. સમગ્ર રાજ્યને આવરી લેતી આ એકમાત્ર યુનિવર્સિટી છ પ્રાદેશિક કેન્દ્રો અને 250થી વધારે અભ્યાસકેન્દ્રો થકી છેવાડેના લોકો સુધી શિક્ષણ પહોંચાડવાના સાર્થક પ્રયાસો કરતી રહી છે. સર્વસમાવેશી શિક્ષણનું કામ શ્રેષ્ઠ રીતે કરી રહી છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે મળેલી ઉચ્ચ શિક્ષણની ચિંતન શિબિરમાં તૈયાર કરાયેલા રોડમેપને અનુસરવામાં આ યુનિવર્સિટી ઘણી અગ્રેસર છે, એ અભિનંદનીય છે. પદવીદાન સમારંભની સાથે સાથે યુનિવર્સિટીના ‘જ્યોતિર્મય’ પરિસરમાં નવનિર્મિત ‘અગસ્ત્ય અતિથિગૃહ’ તથા ‘મૈત્રેય મૂલ્યાંકન ભવન’નું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું.
Whatsapp share
facebook twitter