+

Isckon Bridge Accident : તથ્ય પટેલે સર્જેલા ભયાવહ અકસ્માતે BMW વિસ્મય કેસ યાદ કરાવ્યો, બંને આરોપીના પિતા ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

અમદાવાદ નહીં પરંતુ ગુજરાતના ઈતિહાસ (History of Gujarat) માં એક કારે 9 નિર્દોષના જીવ લીધા હોવાની ભયાવહ ઘટનાએ લોકોને હચમચાવી મૂક્યા છે. ધ્રૃતરાષ્ટ્ર જેવો પ્રેમ આજે પણ કાયમ છે. એસ.જી.…

અમદાવાદ નહીં પરંતુ ગુજરાતના ઈતિહાસ (History of Gujarat) માં એક કારે 9 નિર્દોષના જીવ લીધા હોવાની ભયાવહ ઘટનાએ લોકોને હચમચાવી મૂક્યા છે. ધ્રૃતરાષ્ટ્ર જેવો પ્રેમ આજે પણ કાયમ છે. એસ.જી. હાઈવે ઈસ્કોન બ્રિજ પર થયેલા ભયાવહ અકસ્માતે (Isckon Bridge Accident) વર્ષ 2013ના વિસ્મય શાહ BMW Hit and Run Case કેસની યાદો તાજી કરી નાંખી છે. વિસ્મય (Vismay Shah) હાલમાં જેલવાસ ભોગવી રહ્યો છે. 9-9 લોકોના જીવ લેનારા તથ્ય પટેલને અમદાવાદ પોલીસ (Ahmedabad Police) જેલના સળિયા પાછળ ધકેલવા પ્રયત્નશીલ બની છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) એ કડકમાં કડક કાર્યવાહી કરવાની તેમજ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની પણ ખાતરી આપી દીધી છે. વર્ષ 2013ના BMW Accident Case અને વર્ષ 2023ના JAGUAR Accident Case કેસમાં સામેલ આરોપીઓ વચ્ચેની સામ્યતા અને તેમના ગુનાહિત ઈતિહાસ પર એક નજર નાંખીએ…

તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશનો ઈતિહાસ

અમદાવાદના એસ.જી. હાઈવે પર ગોતા ગોકુલ હોટલ પાસે હરે શાંતિ બંગલોમાં રહેતો પ્રજ્ઞેશ પટેલ ઉર્ફે પ્રજ્ઞેશ ગોતા (Pragnesh Patel @ Pragnesh Gota) ના નામથી ઓળખાય છે. વિવાદિત જમીનના પ્રકરણમાં ફાવટ ધરાવતો પ્રજ્ઞેશ પટેલ અનેક લોકોને છેતરી ચૂક્યો છે. શહેરના એક મોટાગજાના બિલ્ડર સાથે વર્ષ 2012માં એક જમીનના સોદામાં કરોડો રૂપિયાની છેતરપિંડી પ્રજ્ઞેશે આચરી હતી. જેનો કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ખાતે નોંધાયો હતો. અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશન, સરખેજ, વેજલપુર અને સોલા પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞેશ પટેલ સામે એક ડઝન જેટલા કેસ નોંધાઈ ચૂકયા છે. મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ચોપડે પ્રજ્ઞેશ આરોપી છે. ચારેક વર્ષ અગાઉ દારૂના નશામાં લોડેડ પિસ્તોલ લઈને સાગરીતો સાથે કારમાં નીકળેલા પ્રજ્ઞેશ સામે રૂપિયાની લેતીદેતીમાં ફાયરિંગ કરવાનો પણ આરોપ લાગી ચૂક્યો છે. વર્ષ 2020માં રાજકોટની એક યુવતી પર સામૂહિક બળાત્કાર કરવાના કેસમાં પ્રજ્ઞેશ પટેલ આરોપી છે. પ્રજ્ઞેશ પટેલ અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી ચૂક્યો છે. જેનો ભોગ વકીલ પણ બન્યા છે.

વિસ્મયના પિતા અમિત શાહનો ઈતિહાસ

ફેબ્રુઆરી-2013માં જજીસ બંગલો લાડ સોસાયટી રોડ પર વિસ્મય શાહે BMW થકી અકસ્માત સર્જ્યો હતો. જેમાં બાઈક પર સવાર બે યુવાનો મોતને ભેટ્યા હતા. ચકચારી બનેલા BMW Hit and Run Case માં વિસ્મયને બચાવવા માટે તેના પિતા અમિત શાહે એડીચોટીનું જોર લગાવ્યું હતું. આંખના ડૉક્ટર તરીકેની ઓળખ ધરાવતા અમિત શાહ (Amit Shah Ophthalmologist) સામે મુંબઈમાં શેરબજારને લગતો છેતરપિંડીનો કેસ નોંધાયો હોવાથી તે અરસામાં ધરપકડ પણ થઈ હતી. આંખના ડૉક્ટર તરીકે ઓળખાતા અમિત શાહ શેરબજારના ખેલાડી છે. અગાઉ નારણપુરા ખાતે રહેતા અમિત શાહ હાલ છેલ્લાં બાર-પંદર વર્ષથી શહેરના પોશ ગણાતા નહેરૂનગર સર્કલ પાસે માંગલ્યમ સોસાયટીમાં કરોડોના બંગલામાં રહે છે.

બંનેના પિતા સામે કાર્યવાહી થઈ

BMW Hit and Run Case માં પુત્ર વિસ્મયને બચાવવા માટે અમિત શાહે ખોટા નિવેદન આપ્યા તેમજ આરોપીને છુપાવી રાખ્યો હોવાનો કેસ નોંધાયો હતો. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન (Vastrapur Police Station) ના તત્કાલિન પીઆઈ મનોજ શર્મા (PI Manoj Sharma) એ વિસ્મયના પિતા સામે માર્ચ-2013માં ફરિયાદ આપી હતી. IPC 212, 176 અને 177 હેઠળ નોંધાયેલા કેસમાં અમિત શાહ આખરે પોલીસ સમક્ષ હાજર થયા હતા. જ્યારે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે કાર્યવાહી કરવાની HM હર્ષ સંઘવીએ જાહેરાત કર્યા બાદ ગુનેગાર પ્રજ્ઞેશ ગોતાને પોલીસે અટકમાં લીધો છે. પ્રજ્ઞેશ સામે આરોપ છે કે, તેણે અકસ્માતના સ્થળે લોકો અને પોલીસ સાથે બોલાચાલ કરી સરકારી કામમાં અડચણ પેદા કરી છે.

આ પણ વાંચો : ઇસ્કોન બ્રિજ અક્સમાત કેસઃ તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત પાંચ લોકોની અટકાયત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter