+

BJP નેતાની વાપીમાં ગોળી મારી થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, 19 લાખમાં અપાઈ હતી સોપારી

તાજેતરમાં વલસાડ (Valsad) જિલ્લાના વાપીમાં ભાજપના નેતાની થયેલી હત્યાનો (Vapi BJP Leader) ભેદ પોલીસે ઉકેલી પાંચ શખ્સોની ધરપકડ કરી છે. ભાજપ નેતા પરિવાર સાથે મંદિરે દર્શન કરવા માટે ગયા, તે…

તાજેતરમાં વલસાડ (Valsad) જિલ્લાના વાપીમાં ભાજપના નેતાની થયેલી હત્યાનો (Vapi BJP Leader) ભેદ પોલીસે ઉકેલી પાંચ શખ્સોની ધરપકડ કરી છે. ભાજપ નેતા પરિવાર સાથે મંદિરે દર્શન કરવા માટે ગયા, તે સમયે પોઈન્ટ બ્લેન્ક રેન્જ (Point Blank Range) થી ફાયરિંગ કરીને શૈલેષ પટેલની હત્યા (Shailesh Patel Murder) કરી દેવામાં આવી હતી. વલસાડ જિલ્લા પોલીસ (Valsad Police) ની 7 ટીમે દિવસોની મહેનત બાદ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી કાવતરાખોરો સહિતના લોકોને ઝડપી લીધા છે. વાપીમાં થયેલી ભાજપના નેતાની હત્યા અંગત અદાવતમાં થઈ હોવાનું સામે આવ્યું છે. સાથે જ ભાજપ નેતાની હત્યા કરવા માટે શાર્પ શૂટરોને 19 લાખ રૂપિયાની સોપારી આપવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ફરાર થયેલા ત્રણ શાર્પ શૂટરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

શું હતો મામલો ?

કોચરવા ગામના વતની અને વાપી તાલુકાના ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ ગત 8 મેના રોજ પરિવાર સાથે વાપીના રાતા ખાડી ગામમાં આવેલા શિવ મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. મંદિરએ પહોંચતા પરિવાર મંદિરની અંદર દર્શન કરવા ગયો ત્યારે શૈલેષ પટેલ ગાડીમાં બેઠા બેઠા મોબાઈલ ફોન જોઈ રહ્યાં હતા. આ સમયે બાઈક પર આવેલા શખ્સોએ શૈલેષ પટેલની નજીક પહોંચી માથામાં બે ગોળી ધરબી દઈ ફરાર થઈ ગયા હતા. ફાયરિંગનો અવાજ સાંભળીને પરિવાર તેમજ આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ બનાવમાં શૈલેષ પટેલ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે શૈલેષ પટેલને મૃત જાહેર કર્યા હતા. આ મામલે શૈલેષ પટેલના પરિવારે અંગત અદાવતમાં હુમલો કરીને હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપ નેતા શૈલેષ પટેલની દિન દહાડે હત્યા થતાં પોલીસે ફરિયાદ નોંધીને તપાસ આરંભી હતી.

કેવી રીતે આરોપીઓ પકડાયા ?

શૈલેષ પટેલની હત્યા બાદ વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, 7 PI PSI અને 25 જેટલાં પોલીસ જવાનો હત્યારાઓને શોધવા કામે લાગી ગયા હતા. વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલા (Valsad SP Rajdeepsinh Zala) એ જણાવ્યું હતું કે, મૃતકના પરિવારજનોએ કરેલા આક્ષેપ અને પોલીસ ચોપડે રહેલા કેસોના આધારે તપાસ કેન્દ્રીત કરાઈ હતી. સાથે સાથે હત્યા સ્થળથી લઈને ત્રણ રાજ્યોના 1250 કિલોમીટર સુધીના રૂટના CCTV ફૂટેજ મેળવીને હત્યારાઓ સુધી પહોંચવા પોલીસે મથામણ આરંભી હતી. શકમંદ શખ્સોના મોબાઈલ ફોનની હિસ્ટ્રી-લોકેશન સહિતની માહિતી મેળવવામાં આવી અને શકમંદોની પૂછપરછ પણ કરવામાં આવી. હત્યા કેસના રાઝ ખૂલી ના જાય તે માટે આરોપીઓએ CCTV કેમેરામાં આવવાનું અને મોબાઈલ ફોન પર સામાન્ય કોલથી વાત કરવાનું ટાળ્યું હતું. આમ છતાં કેટલાંક ઠોસ પૂરાવાઓએ આરોપીઓની પોલ ખોલી નાંખી હતી. અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓ શરદ ઉર્ફે સદીયો પટેલ, વિપુલ ઈશ્વર પટેલ, મિતેશ ઈશ્વર પટેલ, અજય ગામીત (તમામ રહે. વાપી) અને સત્યેન્દ્ર ઉર્ફે સોનુસિંગ (હાલ રહે. વાપી મૂળ રહે. ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરવામાં આવી છે.

બાઈકની ખરીદીના પૂરાવા લાગ્યા હાથ

શૈલેશ પટેલની હત્યા કરવા માટે વિપુલ પટેલ સમગ્ર કાવતરૂ રચ્યું હતું અને તેના પરિવારજનો સહિતના લોકોએ સાથ આપ્યો. હત્યા કેસમાં મુખ્ય કાવતરાખોર વિપુલ ઉપરાંત તેનો ભાઈ મિતેશ, કાકા શરદ ઉર્ફે સદીયો અને મિત્ર અજય ગામીત સામેલ છે. અજય ગામીતે તેના એક પરિચિત સત્યેન્દ્ર ઉર્ફે સોનુની મદદ મેળવી હતી. સત્યેન્દ્ર મૂળ ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાનો વતની છે અને બે વર્ષથી વાપીમાં સ્થાયી થયો છે. સત્યેન્દ્રએ 19 લાખ રૂપિયામાં ત્રણ શાર્પ શૂટરોની ગોઠવણ કરી આપી હતી. શૈલેષ પટેલની હત્યા કરવા ડિસેમ્બર-2022માં શાર્પ શૂટર આવ્યા હતા અને તેમને 20 દિવસ સુધી 10 જાન્યુઆરી 2023 સુધી દમણ (Daman) ખાતે રાખવામાં આવ્યા હતા. વિપુલ પટેલે શાર્પ શૂટરના નામનું બનાવટી આધાર કાર્ડ બનાવી દમણ ખાતેથી રોકડામાં એક બાઈક ખરીદવામાં આવ્યું હતું. નંબર પ્લેટ વિનાના બાઈકની મદદથી શાર્પ શૂટરોએ શૈલેષ પટેલની દિવસો સુધી રેકી કરી હતી, પરંતુ હત્યા કરવાનો મોકો નહીં મળતા તેઓ દમણ ખાતે બાઈક પાર્ક કરી પરત ફર્યા હતા. શાર્પ શૂટર ગત 3 મેના રોજ પાછા ફર્યા હતા અને પંડોર ગામની સીમમાં આવેલી વાડીમાં રોકાયા હતા અને દમણથી બાઈક મેળવી લઈ ઘટનાને અંજામ આપ્યો હતો.

કેમ કરાવાઈ હત્યા ?

વર્ષ 2013માં મૃતક શૈલેષ પટેલના ઘર પાસે શરદ ઉર્ફે સદીયો અને તેના ભાઈ ઈશ્વર પટેલ તથા ઈશ્વરના બે પુત્રો પિનલ-વિપુલ સાથે મારામારી થઈ હતી. બંને પરિવારના ઝઘડામાં થયેલી મારામારીમાં ઈશ્વર પટેલને ગંભીર ઈજાઓ થતાં તે શરૂઆતમાં કોમામાં સરી પડ્યા હતા અને બાદમાં પેરાલીસીસ થઈ ગયો. જ્યારે શરદ ઉર્ફે સદીયાને ઈજાઓ થતા પગમાં ખોડ આવી ગઈ. પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદો અનુસાર વર્ષ 2014માં શૈલેષ પટેલ પર અદાવત રાખી જીવલેણ હુમલો કરાતા ડુંગરા પોલીસ સ્ટેશન (Dungra Police Station) માં FIR નોંધાઈ હતી. ત્યારબાદ વર્ષ 2017માં ફરીથી શૈલેષ પટેલ પર વિરોધીઓએ હુમલો કરતા પારડી પોલીસ સ્ટેશન (Pardi Police Station) ના ચોપડે FIR નોંધાઈ હતી.

આ પણ વાંચો : વર્ષ 1986માં MAHIPATSINH JADEJA RIBDA ના પંપ પર હુમલો કરી ધાડ પાડનારી નટ ટોળકીનો સાગરીત ઝડપાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter