VADODARA : વડોદરા તાલુકા પોલીસ મથક (VADODARA TALUKA POLICE STATION) પાછળ આવેલા પોલીસ ક્વાટર્સમાં ગણેશોત્સવ ટાણે શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી. શ્રીજીના વિસર્જન સમયે ડીજેના તાલે ગરબા ઘૂમતા પરિવારોથી એક અધિકારી ભારે આક્રોષિત થયા હતા. બાદમાં ડીજે બંધ કરાવીને પોલીસ પરિવારોને હાથમાં રાયફલ ઉંચકાવી દોડાવ્યા હોવાની ઘટના ટોક ઓફ ધી ટાઉન બની છે. આ મામલે ચર્ચાતા ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતા તેમણે તપાસની સુચના આપી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. પરંતુ આજના સમયમાં અંગ્રેજોના જમાનામાં આપતી સજા ની વાત બહાર આવતા પોલીસ તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
અંગણામાં ડીજે ના તાલે પોલીસ જવાનો અને તેમના પરિવારોએ ગરબે ઘૂમ્યા
વડોદરાના ભાયલી ખાતે નવું તાલુકા પોલીસ મથક કાર્યરત છે. જાન્યુઆરી માસમાં જ તેનું લોકાર્પણ કાર્ય થયું હતું. સાથે જ પોલીસ કર્મીઓના પરિવારો રહી શકે તેવા 40 ફ્લેટ્સ નજીકમાં આવેલા છે. આ જગ્યાએ તાજેતરમાં 5 દિવસના ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. વિસર્જનના દિવસે પોલીસ લાઇનના મકાનોના અંગણામાં ડીજે ના તાલે પોલીસ જવાનો અને તેમના પરિવારોએ ગરબે ઘૂમ્યા હતા. પરંતુ આ વાત અધિકારીને નાપસંદ આવી હતી. અને તેમને આક્રોષ સાતમા આસમાને પહોંચી ગયો હતો.
ઉચ્ચ અધિકારીનું ધ્યાન દોરતા જ તપાસનો કોરડો વિંઝાયો
ત્યાર બાદ તેઓ તુરંત સ્થળે આવી પહોંચ્યા હતા. અને ડિજે સંચાલક જોડે ગેરવર્તણુંક કરીને તેને કાઢી મુકવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસ કર્મીઓ જોડે જે થયું તે અંગ્રેજોના જમાનાને યાદ કરાવે તેવું હતું. 25 જેટલા પુરૂષ-મહિલા કર્મીઓને હાથમાં રાયફલ ઉંચકાવીને પોલીસ લાઇનમાં દોડાવવામાં આવ્યા હતા. પોતાના સ્વજનને આ રીતે અંગ્રેજોના જમાના જેવી સજા ભોવગતા જોઇને પરિજનો લાચાર બન્યા હતા. પોલીસ ખાતામાં કોઇ પણ ગુનાની આ પ્રકારની સજાની જોઇવાઇ ના હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જો કે, ખોટી સજાનો ભોગ બનનારે ઉચ્ચ અધિકારીનું ધ્યાન દોરતા જ તપાસનો કોરડો વિંઝાયો હોવાનું સુત્રોએ ઉમેર્યું છે. હવે આ મામલે દબાવી દેવામાં આવે છે કે પછી આવું કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે, તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો — VADODARA : હાઇ-વેનું પાણી શહેરમાં પ્રવેશવાનું શરૂ, અધિકારીઓ પર નિષ્ક્રિય રહેવાનો આરોપ