Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આશ્રમમાં મુકી આવવાની ધમકી આપી 24 વર્ષીય પુત્રવધૂ પર 74 વર્ષીય સસરાએ ગુજાર્યું દુષ્કર્મ

10:05 PM Apr 23, 2023 | Vipul Pandya

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ સસરા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં 24 વર્ષીય યુવતીની એકલતાનો લાભ લઈને ધમકીઓ આપી સસરાએ બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજારતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
ઘટનાની વિગતવાર વાત કરીએ તો નારણપુરા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય સોનલ (નામ બદલેલ છે) ઘરકામ કરે છે અને તેનો પતિ શાહીબાગ ખાતે કેન્ટીનમાં નોકરી કરે છે. જ્યારે સાસુ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. ભોગ બનનાર પરિણીતાને નાનપણમાં જ માતા પિતાએ તરછોડી દેતા તે મહેસાણા ખાતે આવેલ વિશ્વગ્રામ સંસ્થામાં 11 વર્ષ સુધી રહી અને વર્ષ 2012માં અમદાવાદ ખાતે આવેલ મહિપતરામ રૂપરામ આશ્રમ ખાતે આવી હતી. વર્ષ 2018માં આશ્રમ દ્વારા સોનલના પહેલા લગ્ન ઊંઝા ખાતે રહેતા યુવક સાથે કરાવવામાં આવ્યા હતા જોકે ઘર કંકાસ થતો હોય અને યુવતીને શારીરિક બીમારી હોવાથી 2019માં તેના પહેલા પતિએ છૂટાછેડા  આપી દેતા વર્ષ 2020માં મહિપતરામ આશ્રમ દ્વારા સોનલના બીજા લગ્ન નારણપુરા ખાતે રહેતા યુવક સાથે કરાવવામાં આવ્યા હતા. 
લગ્ન બાદ સોનલ સાસરિયામાં પતિ, સાસુ, સસરા  સાથે રહેતી હતી.લગ્નના થોડાક સમય બાદ ઘરમાં સાસુ સસરા દ્વારા નાની મોટી બાબતે કંકાસ કરીને હેરાન કરવામાં આવતી હતી. લગ્ન બાદથી જ સસરા દ્વારા તેના ઉપર ખરાબ દાનત રાખીને તે જ્યારે ઘરે એકલી હોય ત્યારે શારીરિક અડપલા કરવામાં આવતા હતા. જે બાબતની જાણ તેણે પતિને કરી પણ કરી હતી.
વર્ષ 2020માં સપ્ટેમ્બર મહિનામાં યુવતીને ગર્ભ રહ્યો રહેતા સાસુ-સસરા દ્વારા સમૂહ લગ્નમાં સમાજના રીતરિવાજ મુજબ લગ્ન કરાવ્યા હતા. જે બાદ વર્ષ 2021ના મે મહિનામાં એક દિવસ સોનલનો પતિ તથા સાસુ નોકરી પર ગયા હતા અને સોનલ તેના સસરા અને વડસાસુ સાથે ઘરે હાજર હતી, ત્યારે રસોડામાં કામ કરતા સમયે સસરાએ રસોડામાં આવીને યુવતીને ખભા પર હાથ મૂકીને, તું બહુ જ કામ કરે છે અને થાકી ગઈ હોય હોલમાં આવીને મારી પાસે બેસ તેવું કહેતા સોનલ સસરા પાસે હોલમાં બેસવા ગઈ હતી, ત્યારે સસરાએ પુત્રવધુને “તું ખૂબ જ સુંદર લાગે છે તેમ કહીને બીભત્સ વાતો કરવાની શરૂ કરી હતી. જેથી સોનલને ન ગમતા તે પોતાના બેડરૂમમાં જઈ સુઈ રહી હતી. તે સમયે સસરા તેના બેડરૂમમાં આવ્યા હતા, અને ઇમોશનલ કરી તેને શારીરિક અડપલા કરવાના શરૂ કર્યા હતા. સોનલે સ્વબચાવ કરવા માટે સસરાને એક લાફો માર્યો હતો. જોકે હેવાન સસરાએ તેનું મો દબાવી “તું મને શરીર સંબંધ નહીં બાંધવા દે, તો તને કાયમ માટે આશ્રમમાં મૂકી આવીશું” તેવી ધમકી આપી જબરદસ્તી મરજી વિરુદ્ધ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
બપોરના સમયે સાસુ નોકરી પરથી આવતા તેણે આ મામલે સાસુને જાણ કરી હતી, પરંતુ તેઓએ પણ વધુની વાત ન સાંભળીને તેની સાથે મારઝુડ કરી આ બાબતની કોઈને જાણ કરીશ તો તને આશ્રમમાં મૂકી આવીશું તે પ્રકારની ધમકી આપતા યુવતીએ કોઈને જાણ કરી ન હતી. સોનલે આ વાતની જાણ પતિને કરતા તેણે પણ વિશ્વાસ કર્યો ન હતો અને જેથી તેણે આ વાત બીજાને કહેવાનું ટાળ્યું હતું. થોડાક મહિનાઓ બાદ યુવતીના દિયર દેરાણી પણ ઘરે આવતા તેણે તેઓને પણ આ બાબતે જાણ કરી હતી, જો કે તેઓએ પણ વિશ્વાસ ન કરી ઉપરથી પરિણીતાને ધમકીઓ આપી હતી. અંતે કંટાળીને સોનલે નારણપુરા પોલીસ સ્ટેશનમાં સસરા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.