+

ઉમરપાડા તાલુકાના બિલવણ ગામની સ્વનિર્ભર નારીશક્તિની કમાલ 

અહેવાલ—ઉદય જાદવ, સુરત પ્રાકૃતિક ખેતીમાં આવશ્યક દવાઓનું ઉત્પાદન અને વેચાણથી સ્વનિર્ભર નારીશક્તિનું ઉદાહરણ પૂરૂ પાડતી ઉમરપાડા તાલુકાના બિલવણ ગામની બહેનો. સખીમંડળની મહિલાઓ પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી દવાઓ બનાવીને પરિવારને આર્થિક…
અહેવાલ—ઉદય જાદવ, સુરત
પ્રાકૃતિક ખેતીમાં આવશ્યક દવાઓનું ઉત્પાદન અને વેચાણથી સ્વનિર્ભર નારીશક્તિનું ઉદાહરણ પૂરૂ પાડતી ઉમરપાડા તાલુકાના બિલવણ ગામની બહેનો.
સખીમંડળની મહિલાઓ પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી દવાઓ બનાવીને પરિવારને આર્થિક આધાર આપી રહી છે.
રૂ.૨.૯૫ લાખના અગ્નિઅસ્ત્રનું વેચાણ કરીને ખર્ચ બાદ કરતા રૂ.૧.૭૮ લાખની આવક મેળવી.
વૈષ્ણવી સખીમંડળની આદિવાસી બહેનોએ પ્રાકૃતિક કીટનાશક દવાઓ બનાવીને રૂા.૧.૬૦ લાખનું બચત ભંડોળ ઉભુ કર્યું.
રાજ્યની સન્નારીઓ સખીમંડળના માધ્યમથી આર્થિક પ્રવૃત્તિ કરીને આત્મનિર્ભર બની રહી છે. સૌને સ્વાસ્થ્યપ્રદ આહાર મળી રહે તે માટે રાજય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. વાત કરવી છે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના બિલવણ ગામની સ્વનિર્ભર નારીશક્તિની, જેમણે પ્રાકૃતિક ખેતીની આહલેક જગાવી છે. છેવાડાના અંતરિયાળ ગામડામાં રહેતી આદિવાસી બહેનો પ્રાકૃત્તિક ખેતીમાં જરૂરી એવી જીવામૃત, ઘનજીવામૃત તથા અગ્નિઅસ્ત્ર દવાઓનું ઉત્પાદન અને વેચાણ કરીને અન્ય મહિલાઓને પ્રેરણા આપી રહી છે. તેમણે રૂ.૨.૯૫ લાખના  અગ્નિઅસ્ત્રનું વેચાણ કરીને રૂ.૧.૧૭ લાખનો ખર્ચ બાદ કરતા રૂ.૧.૭૮ લાખની આવક મેળવી છે. આદિવાસી બહેનોએ પ્રાકૃતિક કીટનાશક દવાઓ બનાવીને રૂા.૧.૬૦ લાખનું બચત ભંડોળ પણ ઉભુ કર્યું છે.
10 બહેનોએ સખી મંડળની શરુઆત કરી
બિલવણ ગામના વૈષ્ણવી સખીમંડળના પ્રમુખ સુમિત્રાબેન રમેશભાઈ વસાવા કહે છે કે, અમે ૧૦ બહેનોએ સાથે મળીને તા.૨૦/૧૦/૨૦૨૦ના રોજ સખીમંડળની શરૂઆત કરી હતી. ગેલ કંપનીના સી.એસ.આર. હેઠળના કેર પ્રોજેકટ થકી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત, ઘનજીવામૃત તથા અગ્નિઅસ્ત્ર બનાવવા માટેની તાલીમ આપવામાં આવી. અમારૂ ગામ પશુપાલનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલું હોવાથી તેમજ ઘરે ઘર ગાયો હોવાથી અમોને પ્રાકૃતિક ખેતી માટે દવાઓ બનાવવામાં સરળતા થઈ છે.
  સરકાર તરફથી રૂ.૩૦ હજારનું રિવોલ્વીંગ ફંડ પણ પ્રાપ્ત 
 સુમિત્રાબેન કહે છે કે, શરૂઆતમાં અમે પ્રાકૃતિક દવાઓ તૈયાર કરીને પોતાના ખેતરોમાં છંટકાવ કરતા હતા. ધીમે ધીમે અમારા સખીમંડળની ખ્યાતિ વધતા ઓર્ડરો મળવા લાગ્યા. ખાસ કરીને પ્રાકૃતિક ખેતી માટેની  અગ્નિઅસ્ત્ર નામની અકસીર દવાની માંગ વધતા તેનું મોટા પાયે વેચાણ કરીને આવક મેળવીએ છીએ. અમારા સખીમંડળને ‘મિશન મંગલમ યોજના’ અંતર્ગત સરકાર તરફથી રૂ.૩૦ હજારનું રિવોલ્વીંગ ફંડ પણ પ્રાપ્ત થયું છે.
એક વર્ષમાં ૧૪૧૫ લીટરથી વધુ અગ્નિ અસ્ત્ર બનાવીને વેચાણ કર્યું
 અગ્નિઅસ્ત્ર બનાવવાની પધ્ધતિ વિેશે વાત કરતા તેઓ કહે છે કે, ૧૦ લિટર ગૌમૂત્ર લઈને તેમાં એક-એક કિલોના સરખા ભાગે તમાકુ, લસણ, મરચા, લીમડાના પાનનું મિશ્રણ કરીને ધીમા તાપ પર ચાર ઉભરા(ઉફાળો) આવે ત્યાં સુધી ઉકાળ્યા બાદ અડતાલીસ કલાક રાખીને અગ્નિઅસ્ત્ર દવા તૈયાર થાય છે. એક વાર સુરત નજીકના ખેડૂત તરફથી અગ્નિઅસ્ત્ર બનાવવાનો  ઓર્ડર મળ્યો, તેમને કૃષિપાકોમાં ફાયદો થતા આસપાસના ગામોમાંથી પણ વધુ ઓર્ડર મળવા લાગ્યા. અમદાવાદ, ડાંગ, બોડેલી એમ દૂર-દૂરથી વધુને વધુ ઓર્ડર મળતા છેલ્લા એક વર્ષમાં ૧૪૧૫ લીટરથી વધુ અગ્નિ અસ્ત્ર બનાવીને વેચાણ કર્યું છે. એક લીટરદીઠ રૂા.૨૦૦ થી રૂા.૨૩૦ લેખે વેચાણ કરીએ છીએ. અમારા સખીમંડળનું હાલમાં રૂા.૧.૬૦ લાખનું બચત ભંડોળ ઉપલબ્ધ છે. જેનાથી અમારી સાથે જોડાયેલી બહેનોને જરૂર પડે ત્યારે નાણાકીય સહાય પૂરી પાડીએ છીએ. હાલ અમારા સખીમંડળને રૂ.૧ લાખની કેશ ક્રેડિટ પણ સેંકશન થઈ ચૂકી છે.
 સખીમંડળના માધ્યમથી સારી આવક
તેમણે વધુમાં ઉમેર્યું કે, પહેલા અમે બહેનો ખેતમજૂરી કરીને રોજની માંડ રૂા.૧૦૦ની આવક મેળવતા હતા. રોજગારીના અન્ય કોઈ સંસાધનો ઉપલબ્ધ ન હોવાથી નાછૂટકે ખેતમજૂરીનો સહારે જીવન વ્યતિત કરતા હતા. પણ આજે સખીમંડળના માધ્યમથી અમે સારી એવી આવક મેળવી રહ્યા છે. જ્યારે પણ પૈસાની જરૂર પડે તત્કાલ પૈસા મળી જાય છે. ઉનાળાના સમયમાં ખેતમજૂરીનું કામ ખુબ ઓછુ હોય છે, ત્યારે અમે પ્રાકૃતિક કીટનાશક તેમજ અળસિયાનું ખાતર બનાવીને સરળતાથી આવક મેળવીએ છીએ.આમ, મહિલાઓ સક્ષમ-સમૃદ્ધ-સશક્ત બને તે માટે રાજ્ય સરકાર દ્વારા સખીમંડળોને નાણાકીય સહાય પૂરી પાડીનેસ સ્વરોજગારીના અવસરો આપવાના થઈ રહેલા પ્રયાસોને કારણે છેવાડાના વિસ્તારોમાં વસતી આદિવાસી બહેનો આત્મનિર્ભર બની છે.
Whatsapp share
facebook twitter