+

Montu Namdar : ભાજપ કાર્યકરના ફરાર હત્યારાને કોણે કરી આર્થિક મદદ ?

Montu Namdar : પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા ભાજપ કાર્યકરના હત્યારા મોન્ટુ નામદાર (Montu Namdar) ને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસની મહેરબાનીથી વર્ષો સુધી જુગારનો ગેરકાયેદસર ધંધો ચલાવતા મોન્ટુ…

Montu Namdar : પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા ભાજપ કાર્યકરના હત્યારા મોન્ટુ નામદાર (Montu Namdar) ને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસની મહેરબાનીથી વર્ષો સુધી જુગારનો ગેરકાયેદસર ધંધો ચલાવતા મોન્ટુ નામદારે અંગત અદાવતમાં જૂન-2022માં ભાજપ કાર્યકરની હત્યા (BJP Worker Murder) કરી નાંખી. જેલવાસ દરમિયાન મોન્ટુ ગાંધી ઉર્ફે મોન્ટુ નામદાર એક નહીં પરંતુ બબ્બે વખત ફરાર થઈ ચૂક્યો છે. પોલીસ જાપ્તા સાથે ગોઠવણ કરીને ફરાર થયેલા મોન્ટુને અમદાવાદ ગ્રામ્ય એસઓજી (Ahmedabad Rural SOG) એ અમદાવાદ શહેરમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસને જોઈને એક તબક્કે મોન્ટુએ ભાગી જવાનો પ્રયાસ પણ કર્યો હતો. મોન્ટુ કોની-કોની મદદથી ફરાર થયો હતો અને ક્યાં-ક્યાં આશરો મેળવ્યો. વાંચો આ અહેલાલમાં…

પ્રથમ વખત Montu Namdar પેરોલ મેળવી ફરાર

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર (BJP Worker) રાકેશ મહેતા ઉર્ફે બોબીની મોન્ટુ સુરેશચંદ્ર ગાંધી ઉર્ફે મોન્ટુ નામદારે જૂન-2022માં સાગરિતોની મદદથી હત્યા કરી હતી. હત્યા કેસમાં મોન્ટુ નામદારની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) તારીખ 15 જૂન 2022ના રોજ ધરપકડ કરી હતી. સાબરમતી જેલ (Sabarmati Jail) માં રહેલા મોન્ટુ નામદારે જેલ સત્તાધીશોને રૂપિયાનો ભોગ ધરાવી જાન્યુઆરી-2023માં બિલોદરા જેલ ટ્રાન્સફર કરાવી લીધી હતી. વર્ષ 2023ના જુલાઈ મહિનામાં મોન્ટુ નામદારને ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) 14 દિવસના પેરોલ મંજૂર કર્યા હતા. 14 દિવસના પેરોલ પૂર્ણ થતાં મોન્ટુ નામદાર જેલ ખાતે હાજર થયો ન હતો. ગત 15 સપ્ટેમ્બરના રોજ વૉન્ટેડ મોન્ટુ ખાડીયા (Khadia) વિસ્તારમાં સવારની પહોરમાં આંટાફેરા કરતા CCTV માં કેદ પણ થયો હતો. સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં અમદાવાદ પોલીસ (Ahmedabad Police) હરકતમાં આવી હતી. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે (Cyber Crime Branch Ahmedabad) મોન્ટુ ગાંધી ઉર્ફે મોન્ટુ નામદારને ઑક્ટોબર-2023માં રાજસ્થાન ખાતેથી પકડી જેલ હવાલે કર્યો હતો.

જાપ્તા પાર્ટીને થાપ આપી ભાગવાનો પ્લાન બનાવ્યો

દર મહિને આવતી કોર્ટ મુદતમાં મજા કરવા માટે Montu Namdar એ નડીયાદની બિલોદરા જેલમાં ટ્રાન્સફર કરાવી હતી. અમદાવાદ અને નડીયાદની વચ્ચે અસલાલી સર્કલ પાસે આવેલા ગામડી ગામે મોન્ટુ નામદારનું ફાર્મ હાઉસ આવેલું છે. કોર્ટની દર મુદતે નામદાર ફાર્મ (Namdar Farm Gamdi) માં પોલીસ જાપ્તાની હાજરીમાં મજા કરતા મોન્ટુ નામદારે ગત 19 જૂનના રોજ ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. અદાલતની કાર્યવાહી પૂર્ણ બાદ પોલીસ જાપ્તા પાર્ટી ગત 19 જૂનના રોજ મોન્ટુને બિલોદરા જેલ ખાતે લઈ જવાના બદલે ફાર્મ પર લઈ ગઈ હતી. ખેડા પોલીસ (Kheda Police) હેડ કવાટર્સ રિર્ઝવ પીએસઆઈ દર્શનકુમાર બાબુભાઇ પરમાર અને સ્ટાફ ફાર્મમાં ખાવા-પીવાની મોજ માણી રહ્યાં હતા અને મોન્ટુ નિર્ધારિત પ્લાન અનુસાર બિલ્લી પગે ફરાર થઈ ગયો.

જાપ્તા પાર્ટી સામે અસલાલી પોલીસે ગુનો નોંધ્યો

અમદાવાદથી નડિયાદ બિલોદરા જેલ (Bilodara Jail) ખાતે લઈ જતી વખતે પેશાબ કરવા અસલાલી સર્કલ પાસે ઉતારેલો મોન્ટુ નામદાર ભાગી ગયો હોવાની જાપ્તા પીએસઆઈ પરમારે પોલીસ સમક્ષ જાહેરાત કરી હતી. અસલાલી પોલીસ સ્ટેશન (Aslali Police Station) ખાતે આ મામલે નોંધાયેલા ગુનાની તપાસમાં પીએસઆઈ ડી. બી. પરમાર અને કૉન્સ્ટેબલ પ્રવિણસિંહ સંડોવણી સામે આવતા તેમની ધરપકડ કરાઈ હતી. મોન્ટુ નામદાર ગામડી ખાતેના ફાર્મ હાઉસથી ફરાર થયો હોવાની હકિકત સ્પષ્ટ થતાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે (Ahmedabad Rural Police) ફરાર મોન્ટુ નામદારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ફરાર મોન્ટુને કોણે-કોણે મદદ કરી?

ફરાર થયેલા મોન્ટુ નામદારને આર્થિક મદદ અને આશરો સૌરાષ્ટ્રમાંથી મળ્યો હોવાની પોલીસને હકિકત મળી છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબી (LCB Ahmedabad Rural) એ આ દિશામાં તપાસ આરંભી છે. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર મોન્ટુ નામદાર અસલાલીથી સૌ પ્રથમ રાજકોટ જિલ્લામાં ગયો હતો. રાજકોટથી નીકળી આબુ રોડ, ઉદેપુર, કોટા, વારાસણી અને ઉત્તરપ્રદેશના સુલતાનપુરા પહોંચ્યો હતો. સુલતાનપુરામાં ચારેક દિવસના રોકાણ બાદ તે ઉદેપુર પરત ફર્યો હતો. ઉદેપુરથી અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા પિતરાઈ મિલન નામદારના ઘરે મોન્ટુ પહોંચતા પોલીસે પકડ્યો હતો.

Montu Namdar કેમ ફરાર થયો?’

ભાજપ કાર્યકરના હત્યા કેસમાં મોન્ટુ નામદાર સામે અદાલતમાં ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. કોર્ટ ટ્રાયલથી બચવા અને કેસની પતાવટ કરવા માટે Montu Namdar છેલ્લાં કેટલાંય મહિનાઓથી પ્રયત્નશીલ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. જેલમાં રહીને અદાલતમાં આવતા અવરોધ દૂર કરી શકાય તેમ નહીં હોવાથી Montu Namdar એ ભાગવાનો પ્લાન બનાવ્યો હતો. જો કે, આ મામલે હજુ સુધી કોઈ ઠોસ માહિતી પોલીસ મેળવી શકી નથી.

આ પણ વાંચો : GST Scam : બુકીઓ, આંગડીયા પેઢીઓ અને હવાલા ઓપરેટરોના “અચ્છે દિન” ખતમ ?

આ પણ વાંચો : BJP ના નેતા-કાર્યકરો સામે ગુજરાત પોલીસ ફરિયાદ લેતા કેમ ડરે છે ?

આ પણ વાંચો : Panchmahal : વાલીઓ સાચવજો…! જિલ્લામાં ચાંદીપુરા વાઇરસથી 4 બાળકોનાં મોત

Whatsapp share
facebook twitter