+

VADODARA : 15 ડગલાં જેટલા અંતરમાં ત્રણ ભુવા પડ્યા, તંત્રની નબળી કામગીરીનો રિપોર્ટ કાર્ડ જાહેર

VADODARA : વડોદરા (VADODARA) ના સમા-સાવલી (SAMA-SAVLI) રોડ પર 15 ડગલા જેટલા અંતરમાં જ ત્રણ ભુવા પડ્યા હોવાનું સામે આવ્યું છે. આમ, ખુદ રોડે પોતાના કોન્ટ્રાક્ટરના કામનો રિપોર્ટ કાર્ડ લોકો…

VADODARA : વડોદરા (VADODARA) ના સમા-સાવલી (SAMA-SAVLI) રોડ પર 15 ડગલા જેટલા અંતરમાં જ ત્રણ ભુવા પડ્યા હોવાનું સામે આવ્યું છે. આમ, ખુદ રોડે પોતાના કોન્ટ્રાક્ટરના કામનો રિપોર્ટ કાર્ડ લોકો સમક્ષ ખુલ્લો મુક્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. હાલ એક તરફ વડોદરામાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે બીજી તરફ આ રીતે તંત્રની નબળી કામગીરી ખુલ્લી પડી રહી છે. આ ખાડાઓમાં પશુઓના પગ ફસાઇ જવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે.

હાઇવેથી શહેરમાં મોટી સંખ્યામાં વાહનો આવતા હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા

સ્માર્ટ સિટીની તર્જ પર વડોદરાનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ સ્થાનિકો હકીકતનો સામનો રોજબરોજ કરતા જ હોય છે. ત્યારે વડોદરાના સતત ધમધમતા સમા સાવલી રોડ પર માત્ર 15 ડગલાં જેટલા અંતરમાં જ ત્રણ ભુવા પડ્યા હોવાની ઘટના સામે આવી છે. સમા સાવલી રોડ પર આશિર્વાદ હોસ્પિટલથી સમા તળાવ તરફ જવાના રસ્તે પડેલા ત્રણ ભુવાએ લોકોની ચિંતા વધારી છે. આ રોડ પર હાઇવેથી શહેરમાં મોટી સંખ્યામાં વાહનો આવતા હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા રહે છે. તેવામાં આ ત્રણ ભુવાને કારણે વાહન ફસાઇ જવાની અને મોટો ટ્રાફિક જામ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

ભુવામાં પશુઓના પગ ફસાઇ જવાની અનેક ઘટનાઓ સામે આવી

સુત્રો જણાવી રહ્યા છે કે, આ ત્રણ ભુવા પૈકી રસ્તાની નજીક પડેલા એક ભુવા અંગે વાહન ચાલકોને સચેત કરવા માટે કૂંડુ મુકવામાં આવ્યું છે. રોડ પર મુકેલુ કૂંડુ દુરથી અચરજ પમાડે છે. પરંતુ જેમ નજીક આવો તેમ આગળ ખાડો હોવાની જાણ થતા રહસ્ય ઉકેલાય છે. આ રોડ તાજેતરમાં જ બન્યો હોવાનું સુત્રોએ ઉમેર્યું છે. સામાજીક કાર્યકર કમલેશ પરમાર જણાવે છે કે, આ ભુવામાં પશુઓના પગ ફસાઇ જવાની અનેક ઘટનાઓ અત્યાર સુધી સામે આવી છે. વડોદરામાં ભાજપના સાંસદ પદના ઉમેદવાર પણ આ જ વિસ્તારમાં રહે છે. આ સાથે જ હાથ નાંખતા ડામરના પોપડા ઉખડે તેમ પણ સામાજીક કાર્યકરના ધ્યાને આવ્યું હતું. હવે તે જોવું રહ્યું કે કેટલા સમયમાં આ સમસ્યાનો ઉકેલ આવે છે.

સમસ્યા ભરઉનાળે જ શરૂ થઇ ગઇ

અત્રે નોંધનીય છે કે, વડોદરા સહિત અનેક જગ્યાઓએ ચોમાસામાં ભુવા પડવાની સમસ્યા સામે આવતી હોય છે. ત્યારે હવે આ સમસ્યા ભરઉનાળે જ શરૂ થઇ ગઇ છે. અને રોડ પોતે જ કોન્ટ્રાક્ટરનો રિપોર્ટ કાર્ડ જાહેર કરતો હોય તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. વડોદરાવાસીઓને આ સમસ્યામાંથી મુક્તિ અપાવવા મા્ટે પાલિકા તંત્ર હવે શું કામગીરી કરે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો — VADODARA : શહેર-જિલ્લામાં 10 બૂથનું સંચાલન દિવ્યાંગો કરશે, વાંચો વિગતવાર

Whatsapp share
facebook twitter