+

VADODARA : નગરજનોને ફોલ્ડિંગ રોડનું નજરાણું આપતું તંત્ર

VADODARA : તાજેતરમાં ઉંડેરાથી કરોડિયાને જોડતા રોડને તૈયાર કરવામાં આવ્યો છે. આ રોડ બન્યાને હજી એક માસ પણ પૂર્ણ નથી થયો ત્યાં તો હાથ નાંખતા જ પોપડો ઉખડી જાય તેવા…

VADODARA : તાજેતરમાં ઉંડેરાથી કરોડિયાને જોડતા રોડને તૈયાર કરવામાં આવ્યો છે. આ રોડ બન્યાને હજી એક માસ પણ પૂર્ણ નથી થયો ત્યાં તો હાથ નાંખતા જ પોપડો ઉખડી જાય તેવા દ્રશ્યો સ્થળ પર જોવા મળી રહ્યા છે. જેને લઇને હવે કોંગી અગ્રણી અને સ્થાનિકો દ્વારા આ મામલે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. અને આવી નબળી કામગીરી કરનાર સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે. સાથે જ કાર્યવાહી નહિ થાય તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તંત્ર દ્વારા ફોલ્ડિંગ રોડની ભેંટ નગરજનોને આપવામાં આવી હોવાની ટીખળ પણ કરવામાં આવી રહી છે.

તસ્વીરો સોશિયલ મીડિયામાં જાહેર કરી હતી

વડોદરાના વહીવટી વોર્ડ નં. 8 માં આવતા ઉંડેરા-કરોડિયાને જોડતા રોડના પોપડા ઉખડી રહ્યો હોય તેની ઘટના સામે આવી છે. જેને લઇને યુથ કોંગ્રેસના અગ્રણી અને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગી અગ્રણી આરોપ મુકતા જણાવે છે કે, ફોલ્ડીંગ રોડ બનાવ્યો હોય તેવું દેખાઇ રહ્યું છે. સ્થાનિક કાઉન્સિલરે 21 ફેબ્રુઆરીના રોજ રોડ તૈયાર થયો હોવાની તસ્વીરો સોશિયલ મીડિયામાં જાહેર કરી હતી. જે બાદ હજી એક મહિનો પૂર્ણ થયો નહિ ત્યાં તો રોડની બાજુમાં હાથથી પોપડા ઉંચો થાય તેવી ગુણવત્તા સામે આવી રહી છે. આવી નબળી કામગીરી કરનાર સામે સામે કાર્યવાહી નહિ થાય તો આંદોલનનો માર્ગ અપનાવવો પડશે.

તકલાદી માલ વાપરીને બનાવ્યો

સ્થાનિક જણાવે છે કે, અમે વર્ષોથી રોડની માંગણી કરી હતી. રોડ બનાવ્યો તે સારી વાત છે. પહેલા આ ગાડા વાટ હતી. ત્રણ ગાડા સાથે પસાર થઇ શકતા હતા. સમય જતા રોડ નાનો થતો ગયો. ઉતાવળમાં રોડ તકલાદી માલ વાપરીને બનાવ્યો હોવાનું દેખાઇ રહ્યું છે.

શિર્ષસ્થ નેતાઓ દ્વારા વડોદરાના વિકાસને લઇ સવાલો ખડા કરવામાં આવ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વડોદરાની મુલાકાતે મુખ્યમંત્રી આવ્યા હતા. તેમણે સુરત અને અમદાવાદની સરખામણીએ વડોદરા પાછળ રહી ગયું હોય તેમ જણાવ્યું હતું. આ બાદ સી આર પાટીલ વડોદરા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન તેમણે પણ વડોદરાના વિકાસ અંગે ટકોર કરી હતી. આમ, રાજ્યના શિર્ષસ્થ નેતાઓ દ્વારા વડોદરાના વિકાસને લઇ સવાલો ખડા કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ વડોદરાના તંત્ર દ્વારા બનાવવામાં આવેલા નબળી ગુણવત્તાના રોડ-રસ્તા વધુ સવાલો ખડા કરે તેમ છે. હવે આ મામલો ઉજાગર થયા બાદ શુ કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો —VADODARA : હરણી બોટકાંડમાં આરોપીઓ સામે 2819 પાનાની ચાર્જશીટ રજૂ

Whatsapp share
facebook twitter