+

VADODARA : ખીસ્સામાં યુરોપિયન પાઉન્ડ અને બેગો ભરેલો સામાન લઇ બ્રિટિશ નાગરિક રોડ પર આવી ગયો !

VADODARA : એક ભાઈ સારા પરિવારના હોય તેવા દેખાય છે, તેઓ પરિવારથી ભૂલા પડ્યા છે, છેલ્લા 10 દિવસથી રસ્તા પર બેગ લઈ તૈયાર થઈ બેસે છે, તમે તેમને મદદ કરો……

VADODARA : એક ભાઈ સારા પરિવારના હોય તેવા દેખાય છે, તેઓ પરિવારથી ભૂલા પડ્યા છે, છેલ્લા 10 દિવસથી રસ્તા પર બેગ લઈ તૈયાર થઈ બેસે છે, તમે તેમને મદદ કરો… એક અજાણ્યા નંબર પરથી ફોન કોલ આવતા જ શ્રવણ સેવા ફાઉન્ડેશનના (SHRAVAN SEVA) નીરવ ઠકકર વડોદરા (VADODARA) ના અતિ વ્યસ્ત રેસકોર્સ વિસ્તારમાં પહોંચે છે. અને બ્રિટિશ નાગરિકતા (BRITISH CITIZEN) ધરાવતા યુવાનને તેના પરિજન સુધી પહોંચાડવાની દિશામાં પ્રથમ ડગ મંડાય છે.

પહેલીવારમાં ઇગ્નોર કરે છે

શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠકકર જણાવે છે કે, 15 દિવસ પહેલા અજાણ્યા ફોન નંબર આવતા હું અને શ્રવણ સેવક દિગંત રેસકોર્ષ રોડ પર પહોંચીએ છીએ. દૂરથી મજબૂત બાંધાનો દેખાતો શખ્સ લાંબા વાળ અને દાઢી સાથે રોડસાઈડ પર બેસેલો દેખાય છે. અને તેની આજુબાજુમાં અલગ અલગ બેગ પડી છે. તે આવતા-જતા લોકોને જુએ છે, પણ કઈ બોલતો નથી, કઈ માંગતો નથી. એટલે હું તેની પાસે જઈ કહું છું, ભાઈ તમે ક્યાંથી છો, શુ નામ છે તમારું, હું તમારી કોઈ મદદ કરી શકું ! પહેલીવારમાં તે મને ઇગ્નોર કરે છે. એટલે હું તેના થોડાક નજીક જઈને ફરી તેને પૂછું છું….પછી તે તમામ સવાલોના બ્રિટિશ ઇંગ્લીશ ભાષામાં જવાબ આપે છે. પછી વાત દિગંત અગળ વધારે છે.

તે લાલ કલરનો બ્રિટિશ પાસપોર્ટ બતાવે છે

નીરવ ઠકકર જણાવે છે કે, મારા સાથી સાથેની વાતમાં તે પોતાનું નામ જણાવતા તે ગલ્લા-તલ્લા કરે છે, પછી મહામહેનતે તે અમિત પટેલ હોવાનું જણાવે છે, અને તેની પાસે કોઈ ઓળખ પુરાવો માંગતા તે લાલ કલરનો બ્રિટિશ પાસપોર્ટ બતાવે છે. એક બ્રિટિશ નાગરિકત્વ ધરાવતા શખ્સ આ રીતે મળી આવતા અમે બને વિચારમાં મુકાઈ જઈએ છીએ. અમિત પટેલ અહીંયાંથી જવા માટે તૈયાર ન હોવાથી અમે પોલીસનો સંપર્ક કરીએ છીએ. અને પોલીસની મદદથી અમિત પટેલને રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. બીજા દિવસે અમિતની ખબર કાઢવા અમે તેના ઠેકાણે ગયા તો તે ગાયબ હતો. ત્યાંથી અમે જાણ્યું કે અમિતને રોડ પર રહેવું છે, તેને કોઈ ઠેકાણું જોઈતું નથી.

ખિસ્સામાં હાથ નાખીને અમને દૂર જવા માટે યુરોપિયન ડોલર આપે છે

નિરવ ઠક્કર ઉમેરે છે કે, પછી અમે પરત જ્યાંથી અમિત પટેલને રેસ્ક્યુ કર્યો ત્યાં રેસકોર્સ પહોંચીએ છીએ, ત્યાં અમિત પહેલાની જેમ સમાન આસપાસ બિછાવીને બેઠેલો દેખાય છે. આ વખતે તેમને જોતા જ બબડવાનું શરૂ કરી દે છે. અને હું તેના નજીક ના જાઉં તે માટે દૂરથી નો નો નો… કહે છે. સાથી દિગંત અમિતને તે સમજે તે રીતે પટાવવાનો પ્રયત્ન કરે છે. તેવામાં તે ખિસ્સામાં હાથ નાખીને અમને દૂર જવા માટે યુરોપિયન ડોલર આપવાનો પ્રયાસ કરે છે. અમે તેને રોકીએ છીએ, ફરી પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરીને મદદ માંગીએ છીએ. ફરી પોલીસની PCR આવે છે, અને અમિત પટેલને પટાવીને PCR માં બેસાડીને તેને રહેવાની વ્યવસ્થા થાય તેવા પ્રયાસ કરીએ છીએ. આ વખતે અમિતના પગમાં સોજા જણાય છે. સાથે જ અમિત પટેલને તબીબી સહાયની જરૂર જણાતા તેમની પણ મદદ લેવામાં આવે છે.

હોટેલમાં બુકીંગ હોવા છતાં તે રોડ પર લાચાર જીવન જીવતો

નીરવ ઠકકર ઉમેરે છે કે, હવે સરકારી હોસ્પિટલમાં તેનું કાઉન્સીલિંગ શરૂ કરવામાં આવે છે. એક્સપર્ટ ડોકટર્સ તેને બધું પૂછે છે, અને તે બધું જ કહે છે જે કોઈ જાણતું નથી. દરમિયાન અમિત પટેલના વડોદરામાં રહેતા સ્વજનની ભાળ મળી જાય છે. તેમની જોડે વાતમાં ખબર પડે છે કે અમિત પટેલ સ્ટેટસ્ટિકમાં ડીગ્રી ધરાવે છે, અને ભણેલો-ગણેલો છે, પણ તેને વડોદરામાં બેઘર અને લાચાર બની ફૂટપાથ પર જીવન વ્યવતીત કરવાનું ઘેલું લાગ્યું છે, જેથી તેનું હોટેલમાં બુકીંગ હોવા છતાં તે રોડ પર લાચાર જીવન જીવે છે.

અચાનક કોઈના પણ ફોન રિસીવ કરવાનું બંધ

બીજા દિવસે તેમના સ્વજનને મળતા તે જણાવે છે કે, અમિત પટેલના એક વર્ષના વિઝા સાથે તે અહીંયા આવે છે, તેનું હોટેલમાં મહિનાનું બુકીંગ પણ થાય છે, શરૂઆતમાં થોડાક દિવસ તે સ્ટેશન વિસ્તારની હોટલમાં રહે છે, ત્યાં સ્વજનો તેને મળે પણ છે. પછી અમિત અચાનક કોઈના પણ ફોન રિસીવ કરવાનું બંધ કરી દે છે, અને ત્યાર બાદ રોડ પર આવી જતા મોટા ભાગે તેનો ફોન સ્વીચ ઓફ બતાવે છે. બીજી બાજુ તેના સ્વજનો પણ તેની શોધખોળ કરતા હોય છે. આખરે શ્રવણ સેવા ફાઉન્ડેશન, વડોદરા પોલીસ અને હોસ્પિટલ સ્ટાફના પ્રયાસોથી આ શક્ય બને છે.

આલુ પરોઠા અને દાળવડા બહુ યાદ આવે

નીરવ ઠકકર જણાવે છે કે, વડોદરામાં એક સપ્તાહ જેટલું અમિત પટેલને મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે. તે દરમિયાન અમે મળીએ તો તે ઓછું બોલે છે, પણ તે જમવામાં આલુ પરોઠા અને દાળવડા બહુ યાદ કરે છે. તબીબી ઓબ્ઝર્વેશનનો સમય પૂર્ણ થતાં તેની ઝડપી રિકવરી શરૂ થાય છે. હવે ફૂટપાથ પર બેબસ જીવન વ્યતીત કરવા ઘેલા બનેલા અમિત પટેલ પાસે તેનો પરિવાર છે, જેથી તેને સામાન્ય જીવનમાં પરત ફરવા માટે ઇમોશન સ્પોર્ટ પણ મળી રહે છે. આમ, ફૂટપાથ પર બેબસ, લાચાર બની જીવન વ્યતીત કરવાનું ઘેલું લાગનાર બ્રિટિશ નાગરિકત્વ ધરાવતા યુવકને સામાન્ય જીવનમાં પાછો લાવવા માટે શ્રવણ સેવા ફાઉન્ડેશન મહત્વનો ટેકો સાબિત થાય છે.

વ્યવહાર-વર્તનમાં 80 ટકા જેટલો સુધારો

આખરમાં નીરવ ઠકકર જણાવે છે કે, ગઈ કાલે અમિત પટેલના સ્વજન જોડે વાત કરી. હાલમાં અમિત પટેલને પાછો લંડન મોકલી દેવામાં આવ્યો છે. તેના વ્યવહાર-વર્તનમાં 80 ટકા જેટલો સુધારો જોવા મળ્યો છે. અમે કોઈનું જીવન બદલવામાં એક નાનકડી મદદ કરી શક્યા તેનો આનંદ છે, અમારી સંસ્થા દ્વારા છેલ્લા 3 વર્ષથી ફૂટપાથ પર જીવન વ્યતીત કરવા મજબુર નિઃસહાય વૃદ્ધોને સ્વાદિષ્ટ ભોજનસેવા પુરી પાડવામાં આવે છે. સાથે જ ચક્ષુ દિવ્યંગજનોને આત્મનિર્ભર બનાવવાની સાથે જ્યાં જરૂરિયાતમંદ જણાય ત્યાં અમે સહાયરૂપ થઈએ છીએ.

આ પણ વાંચો — Election : પત્રિકાઓ અને લાઉડસ્પીકર હવે ભૂતકાળની વાત…ઉમેદવાર અને પક્ષનો પ્રચાર હવે સોશિયલ મીડિયાને હાથ…

Whatsapp share
facebook twitter