VADODARA : વડોદરા (VADODARA) માં રોજ સામે આવતી પાણીની મોકાણ (WATER CRISIS) અટકવાનું નામ નથી લઇ રહી. કેટલાય વિસ્તારોમાં પુરતુ પાણી નહિ મળતું હોવાનો કકળાટ છે, તો બીજી તરફ થોડાક સમયમાં પાણીનું નવું લિકેજ સામે આવે છે. આજે નવા દિવસની શરૂઆત થતા જ નવી પાણીની લાઇનમાં લિકેજ સામે આવ્યું છે. જેને લઇને પાલિકા તંત્રની કામગીરી સામે હવે લોકોનો આક્રોષ વધી રહ્યો છે. પાણીને લઇને પાલિકા તંત્રની બેદરકારીના નમુના રોજબરોજ આપણી સામે આવતા રહે છે.
નવી જગ્યાએથી પાણીની લાઇનનું લિકેજ સામે આવ્યું
વડોદરાવાસીઓને થઇ રહે તેટલા પ્રમાણમાં પાણીના સ્ત્રોત આપણી પાસે ઉપલબ્ધ છે. પરંતુ આ પાણી લોકો સુધી પહોંચાડવામાં સ્માર્ટ સિટી વડોદરાનું તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. આ વાતના પુરાવા સમયાંતરે આપણી સામે આવતા રહે છે. ગતરોજ વડોદરાના કાલાઘોડા સર્કલ પાસે પીવા લાયક પાણી વિશ્વામિત્રી નદીમાં વહી ગયું હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાને હજી 24 કલાક પણ નથી વિત્યા ત્યાં તો નવી જગ્યાએથી પાણીની લાઇનનું લિકેજ સામે આવ્યું છે. પાલિકા તંત્ર નિષ્ફળતાનો ભોગ સામાન્ય નાગરિકો બની રહ્યા છે. જેને લઇને ઉનાળાની શરૂઆતમાં જ માટલા ફોડીને વિરોધ નોંધાવ્યાની ઘટના સામે આવી હતી.
20 ટકા જેટલો પાણીનો લોસ થયાનો અંદાજો
આજે શહેરના અકોટા વિસ્તારમાં આવેલા દિનેશ મીલ ગરનાળા નીચેથી પસાર થતી પાણીની મુખ્ય લાઇનમાં લિકેજની ઘટના સામે આવી છે. આ અંગે સ્થાનિકો દ્વારા પાલિકામાં ફરિયાદ કરવામાં આવી છે. જે બાદ પાલિકાના કર્મી દ્વારા સ્થળના ફોટા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ લાઇનમાં લિકેજથી કુલ જથ્થાનો 20 ટકા જેટલો પાણીનો લોસ થયાનો અંદાજો લગાડવામાં આવી રહ્યો છે. આ લિકેજ છેલ્લા 2 મહિનાથી ચાલી રહ્યું હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું છે.
અનેક વિસ્તારો પાણીની તંગીથી ત્રસ્ત
સ્થાનિક સુત્રોના જણાવ્યા અનુસાર, પાલિકામાં ફરિયાદ બાદ કર્મચારી માત્ર ફોટા પાડવા પુરતો જ સ્થળ પર આવ્યો હતો. આજદિન સુધી આ અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. લાંબા સમયથી ચાલતા લિકેજને પગલે લાખો લિટર પાણીનો વેડફાટ થવા પામ્યો છે. શહેરના અનેક વિસ્તારો પાણીની તંગીથી ત્રસ્ત છે, ત્યારે આ પ્રકારની બેદરકારી દાખવનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
આ પણ વાંચો —VADODARA : ઓનલાઇન જુગારની લતે ઘરમાં આર્થિક તંગી સર્જાઇ