+

આબરૂની વાત પારકાની હોય કે ખુદની ATS ઉતરે છે મેદાનમાં

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કવૉડ (Anti Terrorism Squad Gujarat) નું કામ તો વાસ્તવમાં ડ્રગ્સ ટેરરિઝમ, ત્રાસવાદી પ્રવૃત્તિ અને ખૂંખાર ગુનેગારોને અંકુશમાં રાખવાનું છે. જો કે, આ સિવાયની કામગીરી પણ એટીએસને કરવી…

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કવૉડ (Anti Terrorism Squad Gujarat) નું કામ તો વાસ્તવમાં ડ્રગ્સ ટેરરિઝમ, ત્રાસવાદી પ્રવૃત્તિ અને ખૂંખાર ગુનેગારોને અંકુશમાં રાખવાનું છે. જો કે, આ સિવાયની કામગીરી પણ એટીએસને કરવી પડે છે. IPS હોય કે IAS જયારે જ્યારે વાત તેમની આબરૂ પર આવી પડે છે ત્યારે ગુજરાત ATS ગુજરાત સરકાર (Government of Gujarat) ના આદેશથી મેદાનમાં ઉતરે છે. તાજેતરમાં દાણચોરીથી લવાયેલું સોનું લૂંટી લેવાના કેસમાં ખુદ ATS ની આબરૂ દાવ પર લાગતા ફરી એક વખત મેદાનમાં ઉતરી અને ATS ના અધિકારીઓના નામે ગુનો આચરનારી મહિલા સહિતની ટોળકીનો પર્દાફાશ કરી 22 લાખ રૂપિયા કબજે લીધા. આ સમગ્ર મામલાની તપાસ અન્ય કેસોની જેમ અમદાવાદના એરપોર્ટ પોલીસ (Airport Police) ને સોંપી દેવાઈ છે. સ્થાનિક પોલીસ પાસે તપાસ પહોંચ્યા બાદ શું રંધાય છે તે જાણવાની ક્યારેય કોઈએ તસ્દી લીધી નથી. બબ્બે DGP ને બદનામ કરતો એફિડેવિટકાંડ હોય કે આણંદ કલેક્ટર (Anand Collector) ની હની ટ્રેપ (Honeytrap) આ બંને મામલામાં સરકાર તરફે ફરિયાદ નોંધાઈ છે. જ્યારે દાણચોરીનું સોનું લૂંટી લેવાના કેસમાં ફરિયાદી ખુદ સ્મગલર-કેરિયર છે.એફિડેવિટકાંડમાં ભોગ બનનારના નિવેદન જ નથી ? : ગુજરાત પોલીસના ઈતિહાસ (Gujarat Police History) માં એક સાથે બબ્બે DGP ના ચારિત્ર્યને દાગ લગાવવા બોગસ એફિટેવિટકાંડ સર્જાયો. બબ્બે સિનિયર આઈપીએસને બેઆબરૂ કરવા ગત ફેબ્રુઆરી મહિનામાં હીન પ્રયાસ થતા એફિડેવિટકાંડના મામલાની તપાસ ગુજરાત એટીએસ (Gujarat ATS) ને સોંપવામાં આવી. એટીએસની ટીમે આ મામલામાં તપાસ કરી ગાંધીનગરના કેટલાક પત્રકારો અને ભાજપના એક નેતા સહિતની ટોળકીનો પર્દાફાશ કર્યો. એટીએસનો દાવો હતો કે, આ ટોળકીએ અમદાવાદ પોલીસના એક મોટા સાહેબનો 8 કરોડો રૂપિયાનો તોડ કરવા આ ષડયંત્ર રચ્યું હતું. આ મામલે સરકાર તરફે ફરિયાદ નોંધી ગાંધીનગર પોલીસ (Gandhinagar Police) ને તપાસ સોંપી દેવામાં આવી. ગાંધીનગર પોલીસમાં જુદાજુદા પોલીસ અધિકારીએ આ મામલાની તપાસ કરી. જો કે, બદનામ કરી તોડ કરવાના ઈરાદે થયેલા એફિડેવિટકાંડની તપાસમાં એક પણ પૂર્વ DGP નું નિવેદન નોંધવામાં આવ્યું નહીં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.સ્ટિંગ થયું તેમને કેમ ફરિયાદી ના બનાવાયા ? : ગત ઓગસ્ટ મહિનામાં આણંદ કલેક્ટર દિલીપદાન ગઢવીના ચારિત્ર્યને જાહેર કરવા ગુપ્ત રીતે ઉતારાયેલા વીડિયોની ક્લિપ સોશીયલ મીડિયામાં વાયરલ થઈ. IAS અધિકારીની આબરૂના લીરેલીરા ઉડાડવા કરાયેલા સ્ટિંગ ઓપરેશન (Sting Operation) થી IAS લોબી સ્તબ્ધ થઈ ગઈ. આજે ડી. એસ. ગઢવી (D S Gadhvi IAS) તો કાલે અમારો પણ વારો આવી શકે છે આવી ચિંતા અને ચિંતન વચ્ચે ગુજરાત એટીએસને મેદાનમાં ઉતારવામાં આવ્યું. એટીએસની ટીમે સમગ્ર મામલાનો પર્દાફાશ કરી ADM કેતકી વ્યાસ (Ketki Vyas) જે ડી પટેલ સહિતના શખ્સો સામે સરકાર તરફે ફરિયાદ આપી. આ મામલાની તપાસ આણંદ એલસીબી (Anand LCB) ને સોંપવામાં આવી. સ્ટિંગ ઓપરેશન પાછળ મુખ્ય કારણ મહેસૂલ વિભાગમાં ચાલતો બેફામ ભ્રષ્ટાચાર અને તેમાં ભાગ બટાઈની લડાઈ છે. સ્ટિંગ ઓપરેશનમાં બેઆબરૂ થનારા સસ્પેન્ડેડ કલેક્ટર દિલીપદાન ગઢવીને ફરિયાદી બનાવવાનું ટાળવામાં આવ્યું છે. આની પાછળનું કારણ તો પોલીસ જ જાણે.ઘટનાઓ પાછળના જર અને જમીન કારણભૂત : એફિડેવિટકાંડ પાછળ અમદાવાદ શહેરમાં આવેલી 750 કરોડની મોકાની જમીન કારણભૂત છે. માલિકી હક્કને લઈને ડખામાં પડેલી આ જમીન પચાવવા બબ્બે શક્તિશાળી IPS અધિકારીઓ અને તેમની ગેંગ કાર્યરત હતી. ગુજરાત પોલીસ (Gujarat Police) માં બદલાની ગંદી રમત છેલ્લાં બેએક દસકથી શરૂ થઈ છે. એફિડેવિટકાંડ પણ આવી જ એક ગંદી રમત હતી અને તેનો શિકાર વિવાદિત જમીનમાં ખેલ પાડવા પ્રયત્નશીલ લાલચુ IPS અને એક નિર્દોષ તેમજ સારી છબી ધરાવતા સિનિયર IPS અધિકારી બન્યા. જ્યારે IAS દિલીપદાન ગઢવીના કેસમાં આણંદ કલેક્ટર કચેરીમાં જમીનના કેસોમાં ખવાતી ભ્રષ્ટાચારની મલાઈ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. દાણચોરીનું ગોલ્ડ (Gold Smuggling) લૂંટી લેવાના કેસમાં પકડાયેલા શખ્સો લૂંટારૂ છે તો ખુદ ફરિયાદી અને ગોલ્ડ માફિયા (Gold Mafia) પણ દૂધનો ધોયેલો નથી તેવું FIR માં જ સ્પષ્ટ થાય છે. આમ છતાં ગોલ્ડ સ્મગલિંગ સાથે પ્રત્યક્ષ-પરોક્ષ રીતે જોડાયેલા આરોપીઓને તપાસમાં લાભ મળી રહ્યો હોવાની વાત સામે આવી છે.

આ પણ વાંચો – જાણીતા ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું નિધન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter