+

Gujarat ATS ની ચાલાકી, તોડબાજ PI તરલ ભટ્ટ બરાબરના ભેરવાયા

Gujarat ATS : જૂનાગઢ મહા તોડકાંડના ચર્ચાસ્પદ કેસમાં એક ચોંકાવનારી હક્કિત સામે આવી છે. ગુજરાત એટીએસે (Gujarat ATS) તપાસમાં વાપરેલી ચાલાકીના કારણે તોડબાજ પીઆઈ તરલ ભટ્ટ (PI Taral Bhatt) બરાબરના…

Gujarat ATS : જૂનાગઢ મહા તોડકાંડના ચર્ચાસ્પદ કેસમાં એક ચોંકાવનારી હક્કિત સામે આવી છે. ગુજરાત એટીએસે (Gujarat ATS) તપાસમાં વાપરેલી ચાલાકીના કારણે તોડબાજ પીઆઈ તરલ ભટ્ટ (PI Taral Bhatt) બરાબરના ભેરવાઈ ગયા છે. એક તબક્કે એન્ટી ટેરરિઝમ સ્કવૉડ (Anti Terrorism Squad) ની ધીમી અને ખાનગી રીતે ચાલતી તપાસને લઈને મીડિયામાં અનેક સવાલો ઉભા થયાં હતાં. આ ઉપરાંત ગુજરાત પોલીસ (Gujarat Police) બેડામાં પણ તરેહ તરેહની ચર્ચાઓ અને વાતો થતી હતી. આ તમામ સવાલો અને આરોપો પર Gujarat ATS એ પૂર્ણ વિરામ મૂકી દીધું છે. Gujarat ATS એ કેવી રીતે પડકારરૂપ મહા તોડકાંડ કેસમાં આક્ષેપિત પોલીસ અધિકારી-કર્મચારીઓ વિરૂદ્ધ પૂરાવાઓ મેળવ્યા અને શું ચાલાકી વાપરી ? વાંચો આ અહેવાલમાં…

મહા તોડકાંડ કેસ અને કોણ છે આરોપી ?

ગુજરાત પોલીસમાં ફરજ દરમિયાન અનેકકાંડ કરી ચૂકેલાં પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટ (PI Taral Bhatt) અને તેમની પડખે ચઢેલાં જૂનાગઢ સાયબર ક્રાઈમ સેલ ના પીઆઈ એ. એમ. ગોહિલ અને (PI A M Gohil) હથિયારી ASI દિપક જાની (Dipak Jani) એ એક મહા તોડકાંડ રચ્યો હતો. તોડકાંડના સૂત્રધાર તરલ ભટ્ટએ આપેલી 335થી વધુ જુદાજુદા બેંક એકાઉન્ટની વિગતોના આધારે સાયબર ક્રાઈમ સેલ (Junagadh Cyber Crime Cell) ના પીઆઈ એ. એમ. ગોહિલે CRPC 91 અને CRPC 102 હેઠળ નોટિસ કાઢી તમામ બેંક એકાઉન્ટ સ્થગિત (Bank Account Freeze) કરાવી દીધા હતા. બેંક એકાઉન્ટ કાર્યરત (Bank Account Unfreeze) કરવા માટે પ્રત્યેક બેંક એકાઉન્ટ ધારક પાસેથી જમા રકમ અને લેવડ-દેવડની કુલ રકમના આંકડા અનુસાર લાખો રૂપિયા પડાવ્યા હતા. આ તમામ હક્કિત કેરળના અરજદાર કાર્તિક ભંડારીની રજૂઆતમાં સામે આવી હતી. જુનાગઢ રેન્જ ડીઆઈજી (Junagadh Range DIG) નિલેશ જાજડીયા (Nilesh Jajadia IPS) એ આ મામલે તપાસ સોંપતા ત્રણેય પોલીસ અધિકારીઓ સામે જુનાગઢ બી ડિવિઝન પોલીસે (Junagadh Police Station) 26 જાન્યુઆરીના રોજ કેસ (Extortion Case) નોંધવામાં આવ્યો હતો.

શું કરી Gujarat ATS એ કાર્યવાહી ?

ગુજરાતના પોલીસ વડા (Gujarat DGP) વિકાસ સહાયે (Vikas Sahay) 26 જાન્યુઆરીના રોજ મહા તોડકાંડની પડકારરૂપ તપાસ Gujarat ATS ને સોંપવા હુકમ કર્યો હતો. પોતાના કાર્યક્ષેત્ર બહારની તપાસના દસ્તાવેજો Gujarat ATS ને મળે તે પહેલાં જ ધમધમાટ શરૂ થઈ ગયો હતો. મહા તોડકાંડના સૂત્રધાર અને સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને ગંધ આવી જતાં તેઓ ફરાર થઈ ગયા હતા. બીજી તરફ આ કેસમાં સંડોવાયેલા SOG અને જૂનાગઢ સાયબર ક્રાઈમ સેલ ના પીઆઈ એ. એમ. ગોહિલ અને હથિયારી ASI દિપક જાનીને Gujarat ATS એ તપાસ અનુસંધાને ઉઠાવી લીધા. ગોહીલ અને જાનીના મોબાઈલ ફોન તેમજ કેટલાંક ડિજિટલ પૂરાવા તપાસના કામે Gujarat ATS એ મેળવી લીધા. સાથે સાથે PI ગોહીલ અને ASI જાનીનું મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન મેળવી લેવાયું. ઠોસ પૂરાવાઓ મેળવી લેવાયા બાદ રડારમાં રહેલા ફરાર પીઆઈ તરલ ભટ્ટને Gujarat ATS ની ટીમે અમદાવાદમાંથી ઉપાડી લીધા. જૂનાગઢ કોર્ટ (Junagadh Court) માંથી પ્રથમ વખત મેળવાયેલા 4 દિવસના રિમાન્ડ દરમિયાન શાતિર PI Taral Bhatt એ તપાસ અધિકારી ડીવાયએસપી શંકર ચૌધરી (DySP Shankar Chaudhari) સમક્ષ રજૂ-કબજે કરેલા બે મોબાઈલ ફોન, પેન ડ્રાઈવ સહિતના પૂરાવાઓ પ્રક્રિયા અનુસાર કબજે લેવાયા અને FSL માં તપાસ માટે મોકલી અપાયા. Gujarat ATS ના તપાસ અધિકારીએ કબજે લીધેલા મોબાઈલ ફોન-પેન ડ્રાઈવમાં રમત રમી ગયેલા PI Taral Bhatt ની પોલ ખૂલી ગઈ. સાથે સાથે ભટ્ટે ઈન્દોરની હોટલમાં રજૂ કરેલા ખોટા ઓળખપત્રની વિગતો ATS DySP એસ. એલ. ચૌધરીને હાથ લાગતા આરોપી તરલ ભટ્ટને ફરીથી રિમાન્ડ પર લેવાયા.

Gujarat ATS ની ચાલાકી, કોને બનાવશે તાજનો સાક્ષી ?

તપાસ મળી તે અગાઉથી જ Gujarat ATS ના અધિકારીઓ જાણકારી ધરાવતા હતાં કે, પીઆઈ તરલ ભટ્ટ (PI Taral Bhatt) કેટલાં શાતિર અને ખેલાડી છે. ચાર દિવસના રિમાન્ડ અગાઉ Gujarat ATS એ કરેલી કાર્યવાહી અને મેળવેલા પૂરાવાઓથી તરલ ભટ્ટ અજાણ હતા. શાતિર તરલ ભટ્ટ પાસેથી કબજે લેવાયેલાં પૂરાવાઓમાં રમત થઈ હોવાની Gujarat ATS ના તપાસ અધિકારીને પૂરેપૂરી આશંકા હતી. આમ છતાં તે પૂરાવાઓ મેળવાયા અને FSL રિપોર્ટના આધારે તે ઉપજાવી કાઢેલા હોવાનું પણ સામે આવી ચૂક્યું છે. તરલ ભટ્ટના બે ભાગીદાર PI એ. એમ. ગોહીલ અને ASI દિપક જાનીના મેજીસ્ટ્રેટ (Magistrate) સમક્ષ CRPC 164 હેઠળ નિવેદન નોંધી લેવાયા છે અને તેમાં આખો કાંડ ઉજાગર થઈ ગયો છે. Gujarat ATS ની ચાલાકીની વાત કરીએ તો, ભટ્ટના બે ભાગીદારોને તાજના સાક્ષી બનાવવાની લાલચ આપી સૂત્રધાર સામેના પૂરાવાઓ મજબૂત કરી લીધા છે. આગળ વધી રહેલી તપાસમાં બંને આરોપી PI ગોહીલ અને ASI જાનીની સામે આવતી સંડોવણી અને ગંભીરતાને ધ્યાનમાં રાખી કોઈ એક આરોપીને વાસ્તવમાં તાજનો સાક્ષી બનાવવામાં આવશે.

આ પણ વાંચો – Gujarat ATS : મહા તોડકાંડના સૂત્રધાર PI તરલ ભટ્ટનો ફરી કેમ મેળવ્યો કબજો ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter