+

Ahmedabad Airport : સોનાની દાણચોરીમાં પાઈલોટની સંડોવણી, પોલીસ ભાગીદાર બની

અમદાવાદના એક સિનિયર IPS તેમના વિશ્વાસુ મનાતા અધિકારીએ કરેલા એક કાંડને કારણે કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે. ‘ભરોસાની ભેંસે પાડો જણ્યો’ આ કહેવત અહીં યથાર્થ થતી જોવા મળી રહી છે.…

અમદાવાદના એક સિનિયર IPS તેમના વિશ્વાસુ મનાતા અધિકારીએ કરેલા એક કાંડને કારણે કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે. ‘ભરોસાની ભેંસે પાડો જણ્યો’ આ કહેવત અહીં યથાર્થ થતી જોવા મળી રહી છે. સુરત પોલીસ (Surat Police) બાદ હવે અમદાવાદ પોલીસ (Ahmedabad Police) ગોલ્ડ સ્મગલિંગ રેકેટ (Gold Smuggling Racket) માં બદનામ થઈ રહી છે. છેલ્લાં એકાદ વર્ષથી ખુદ પોલીસ અધિકારીઓએ જ દાણચોરીના ધંધામાં ઝંપલાવી દીધું છે. કરોડો રૂપિયાના સોનાની દાણચોરીના રેકેટમાં પોલીસ, કસ્ટમ વિભાગ (Customs Department) ની સાથે હવે પાઈલોટ પણ જોડાઈ ગયો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં ચાલતી ચર્ચા અનુસાર સારી છબી ધરાવતા અમદાવાદ શહેર (Ahmedabad City) ના IPS અધિકારી અત્યારે આરોપોના કઠેડામાં આવી ગયા છે. Gujarat First ને મળેલી માહિતી કેટલી સાચી છે ? તેનો જવાબ તો આરોપોનો સામનો કરી રહેલા પોલીસ અધિકારીઓ અને પાઈલોટ જ આપી શકે તેમ છે. જો કે, આ ઘટનામાં કોણ અને કેટલા જવાબદાર છે તેની તપાસ ગુજરાત સરકાર કરાવશે કે નહીં તે આગામી સમય જ કહેશે.

શું છે સમગ્ર ચર્ચા ? : તાજેતરમાં અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈમથક (Ahmedabad International Airport) ખાતે વિદેશથી આવેલી એક ફલાઈટમાં લાખો રૂપિયાનું સોનું દાણચોરી કરીને લાવવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે, ગોલ્ડ સ્મગલિંગ રેકેટમાં પાઈલોટ (Pilot) કેરિયર બન્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર પ્લેન લેન્ડ થયા બાદ પાઈલોટ દાણચોરી કરીને લાવેલા સોનાના સાથે આસાનીથી બહાર આવી ગયો. એરપોર્ટની બહાર આવેલા પાઈલોટને લેવા માટે ખુદ પોલીસ ઉભી હતી. નજીકના જ એક પોલીસ સ્ટેશનના અધિકારી પાઈલોટને એસ્કોર્ટ (Escort) કરીને તેમના વિસ્તારમાં લઈ ગયા અને ત્યારબાદ દાણચોરીથી લવાયેલા સોનાનો મોટો જથ્થો પોલીસ રક્ષણ સાથે પશ્ચિમ અમદાવાદ (West Ahmedabad) ના નવરંગપુરા વિસ્તારમાં ગોલ્ડ માફિયા (Gold Mafia) ને પહોંચાડવામાં આવ્યો. આ સમગ્ર કાંડમાં અમદાવાદ શહેરના ઉચ્ચ IPS અધિકારીના ખાસમખાસ મનાતા એક ડીવાયએસપી (DySP) સહિતના પોલીસ અધિકારીઓએ ભૂમિકા ભજવી છે. દાણચોરી કરાયેલું ગોલ્ડ કેટલા કિલો હતું ? પાઈલોટ અથવા અન્ય કોઈ કેરિયરે અગાઉ કેટલી ટ્રીપ મારી છે ? તેને લઈને પોલીસ અધિકારીઓ અનેક તર્ક વિતર્ક કરી રહ્યાં છે.

દાણચોરીની લાઈન મળી ? : ગુજરાતમાં હવે ગોલ્ડ સ્મગલરોની સાથે IPS અધિકારીઓએ ભાગીદારી કરી લીધી છે. ATS Gujarat ના નામે દાણચોરીનું સોનું લૂંટી લેવાના પ્રકરણમાં પણ પોલીસની સંડોવણી સ્મગલરો સાથે હોવાની વાતો સામે આવી હતી. એક ચર્ચા એવી પણ છે કે, ATS અને એરપોર્ટ પોલીસની તપાસમાં સામે આવેલી કેટલીક સંવેદનશીલ બાબતો લીક થઈ છે અને તેનો ભરપૂર ફાયદો કેટલાંક ભ્રષ્ટ-લાલચુ પોલીસ અધિકારીઓ લઈ રહ્યાં છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક (SVP International Airport) તેમજ સુરત આંતરરાષ્ટ્રીય હવાઈમથક (Surat International Airport) રહેલી કેટલીક ખામીઓ અને કસ્ટમ વિભાગ (Customs Department) માં ચાલતી ગોઠવણનો લાભ દાણચોર ટોળકીઓ (Smuggler Gang) લઈ રહી છે. સુરત પોલીસની જેમ અમદાવાદ પોલીસના પણ કેટલાંક અધિકારી અને એજન્સીના કર્મચારીએ છેલ્લાં ત્રણેક મહિનાથી દાણચોરીનો નવો ધંધો શરૂ કરી દીધો છે.

સુરતના IPS પણ દાણચોરીમાં સક્રિય : સુરત શહેરના સિનિયર IPS ના ઈશારે સુરત એરપોર્ટ પર તૈનાત ઈમિગ્રેશન પીએસઆઈ પરાગ ધીરજલાલ દવે (Immigration PSI P D Dave) સોનાની દાણચોરીમાં ભાગીદાર બન્યાં હતાં. ગત 7 જુલાઈના રોજ શારજહાં (Sharjah) થી આવતી Air India Express Flight IX172 માં 43.5 કિલો Gold Paste લઈને આવેલા ત્રણ કેરિયરને DRI એ ઝડપ્યા હતા. ડીઆરઆઈ (Directorate of Revenue Intelligence) પાસે ઠોસ માહિતી હતી કે, દાણચોરીના કૌભાંડમાં સુરત એરપોર્ટ ખાતે કેરિયરોને કોઈ મદદ પૂરી પાડી રહ્યું છે. Gold Smuggling Racket માં DRI એ સુરત એરપોર્ટના CCTV ફૂટેજ તપાસ્યા હતા. જેમાં પીએસઆઈ પરાગ દવેની વર્તણૂંક શંકાસ્પદ મળી આવી હતી. સાથે જ એરપોર્ટના ટોઈલેટમાંથી 4.67 કિલો ગોલ્ડ બિનવારસી મળી આવ્યું હતું. પરાગ દવેની તપાસ કરતાં તેમની દાણચોરીના કૌભાંડમાં સંડોવણી છતી થતાં DRI એ ધરપકડ કરી હતી. DRI પીએસઆઈ દવે સુધી પહોંચે તે પહેલાં તેમણે સોનાની દાણચોરીના માસ્ટર માઈન્ડ અને ઉચ્ચ IPS અધિકારીને બચાવવા સિમકાર્ડનો નાશ કરી નાંખ્યો હતો. એક ચર્ચા અનુસાર સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મીલીભગતથી સોનાની દાણચોરી યથાવત છે.

આ પણ વાંચો – યુરોપમાં ઈસ્લામ માટે કોઈ સ્થાન નથી : Italy PM Giorgia Meloni

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter