+

જૂનાગઢ મનપામાં વિવિધ સમિતિના ચેરમેનોને અઠવાડીયામાં બે દિવસ ચેમ્બરમાં હાજર રહેવા સૂચના

અહેવાલ–સાગર ઠાકર, જૂનાગઢ જૂનાગઢ મનપાનો મહત્વનો નિર્ણય પ્રજાના પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે લેવાયો નિર્ણય વિવિધ સમિતિના ચેરમેનોને આપી હતી સૂચના અઠવાડીયામાં બે દિવસ ચેમ્બરમાં હાજર રહેવા સૂચના પ્રથમ દિવસે 50…
અહેવાલ–સાગર ઠાકર, જૂનાગઢ
  • જૂનાગઢ મનપાનો મહત્વનો નિર્ણય
  • પ્રજાના પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે લેવાયો નિર્ણય
  • વિવિધ સમિતિના ચેરમેનોને આપી હતી સૂચના
  • અઠવાડીયામાં બે દિવસ ચેમ્બરમાં હાજર રહેવા સૂચના
  • પ્રથમ દિવસે 50 ટકા ચેરમેનો જ હાજર રહ્યા
  • 14 સમિતિના ચેરમેનો પૈકી માત્ર 7 ચેરમેન હાજર
  • કઈ રીતે પ્રજાના પ્રશ્નોનો થશે નિકાલ
જૂનાગઢ મનપા (Junagadh Municipal Corporation) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો હતો, પ્રજાના પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે આ નિર્ણય લેવાયો હતો જેમાં મનપાની વિવિધ સમિતિના ચેરમેનોને સૂચના આપવામાં આવી હતી કે અઠવાડીયામાં બે દિવસ તેઓ પોતાની ચેમ્બરમાં હાજર રહે પરંતુ પ્રથમ દિવસે 50 ટકા ચેરમેનો જ પોતાની ચેમ્બરમાં ઉપસ્થિત રહ્યા હતા. મનપામાં વિવિધ 14 સમિતિના ચેરમેનો પૈકી માત્ર 7 ચેરમેન પોતાની ચેમ્બરમાં હાજર જોવા મળ્યા હતા.
ચેરમેનો અઠવાડીયામાં બે દિવસ પોતાની ચેમ્બરમાં ઉપસ્થિત રહે
ગત મંગળવારે મનપા ખાતે મેયરની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી, આ બેઠકમાં મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા, સ્ટેન્ડીંગ ચેરમેન હરેશભાઈ પરસાણા, શહેર પ્રમુખ પુનિત શર્મા, કમિશ્નર રાજેશ તન્ના સહીતના મનપાના અધિકારીઓ અને વિવિધ સમિતિના ચેરમેનો ઉપસ્થિત હતા. આ બેઠકનો હેતુ એ હતો કે પ્રજાના પ્રશ્નો અને મળતી રજૂઆતોનો ત્વરિત નિકાલ થાય અને તે માટે આ બેઠકમાં એક નિર્ણય લેવાયો હતો કે જે વિવિધ 14 સમિતિઓ છે તેમના ચેરમેનો અઠવાડીયામાં બે દિવસ પોતાની ચેમ્બરમાં ઉપસ્થિત રહે જેથી આવનાર અરજદારો પોતાની રજૂઆત કરી શકે અને તેમના પ્રશ્નોનું વહેલી તકે નિવારણ કરી શકાય. આમ પણ આ સમિતિઓના ચેરમેનો મનપા કચેરી ખાતે નિયમિત આવતાં જ હોય છે પરંતુ એ તેમની અનુકુળતાએ આવતા હતા પરંતું બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ ગુરૂવારે અને શુક્રવારે એમ બે દિવસ દરેક ચેરમેન પોતાની ફાળવેલી ચેમ્બરમાં હાજર રહે તેવી સૂચના આપવામાં આવી હતી.
ચેમ્બરમાં માત્ર 50 ટકા જ હાજરી
મંગળવારે મળેલી સૂચના મુજબ આજે પ્રથમ ગુરૂવારે મનપા કચેરીમાં ચેરમેનશ્રીઓની ચેમ્બરમાં માત્ર 50 ટકા જ હાજરી જોવા મળી હતી એટલે કે 14 સમિતિ પૈકી માત્ર 7 સમિતિના ચેરમેનો જ પોતાની ચેમ્બરમાં ઉપસ્થિત જોવા મળ્યા હતા. એક તરફ મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે સંકલન રહે અને પ્રશ્નોના નિકાલ કરવામાં ગતિ આવે તે હેતુ જે સૂચના અપાઈ હતી તે સૂચનાની અમલવારી કરવામાં ચેરમેનશ્રીઓ નિષ્ક્રીય હોય તેમ જણાતું હતું
જૂનાગઢ મનપામાં વિવિધ 14 સમિતિની રચના કરવામાં આવી છે.
સમિતિનું નામ ચેરમેનનું નામ
1. બાંધકામ સમિતિ – ધર્મેશભાઈ પોશિયા
2. વોટર વર્કસ સમિતિ – કુસુમબેન અકબરી
3. સેનીટેશન સમિતિ – બ્રિજેશાબેન ઘુધલ
4. આરોગ્ય સમિતિ – પલ્લવીબેન ઠાકર
5. ગટર વ્યવસ્થા સમિતિ – ભાવનાબેન હિરપરા
6. સમાજ કલ્યાણ સમિતિ – વાલભાઈ આમછેડા
7. રોશની સમિતિ – ધરમણભાઈ ડાંગર
8. આયોજન સમિતિ – ગોપાલભાઈ રાખોલીયા
9. સ્લમ ક્લીયરન્સ અને સ્લમ ઈમ્પ્રુવમેન્ટ – અશોકભાઈ ચાવડા
10. યાત્રાળુ સમિતિ – એભાભાઈ કટારા
11. કાયદા અને નિયમો સમિતિ – શિલ્પાબેન જોશી
12. માર્કેટ સમિતિ – હિતેન્દ્રભાઈ ઉદાણી
13. શિક્ષણ સમિતિ – આદ્યશક્તિબેન મજમુદાર
14. બાગ બગીચા સમિતિ – પ્રફુલાબેન ખેરાળા
7 સમિતિના ચેરમેનો જ પોતાની ચેમ્બરમાં પ્રથમ દિવસે ઉપસ્થિત
આમ કુલ 14 સમિતિ પૈકી બાંધકામ, સેનીટેશન, આરોગ્ય, આયોજન, માર્કેટ, શિક્ષણ અને બગીચા મળીને કુલ 7 સમિતિના ચેરમેનો જ પોતાની ચેમ્બરમાં પ્રથમ દિવસે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય કે જ્યારે મેયર દ્વારા સૂચના આપવામાં આવી હતી કે તમામ સમિતિના ચેરમેનો બે દિવસ પોતાની ચેમ્બરમાં ઉપસ્થિત રહે તેમ છતાં જો 50 ટકા જ હાજરી હોય તો અરજદારોના પ્રશ્નોનો ત્વરિત નિકાલ કઈ રીતે થશે. જનપ્રતિનિધિઓ આ અંગે ગંભીરતા ક્યારે દાખવશે… આવી સ્થિતિમાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે આવશે…
Whatsapp share
facebook twitter