+

પોલીસ કેવી રીતે ક્રાઈમ રેટ ઘટાડે છે ? જાણો

બે દિવસમાં 22 ફરિયાદ નોંધીને સુરત ગ્રામ્ય પોલીસે (Surat Rural Police) એક ઈતિહાસ સર્જ્યો છે. સરકારી વીજ કંપનીના નાયબ ઈજનેરોએ આપેલી ચોરીની ફરિયાદો (Complaints of Theft) ને મહિનાઓ સુધી દબાવી…

બે દિવસમાં 22 ફરિયાદ નોંધીને સુરત ગ્રામ્ય પોલીસે (Surat Rural Police) એક ઈતિહાસ સર્જ્યો છે. સરકારી વીજ કંપનીના નાયબ ઈજનેરોએ આપેલી ચોરીની ફરિયાદો (Complaints of Theft) ને મહિનાઓ સુધી દબાવી રાખી સુરત ગ્રામ્ય પોલીસે એક નવો ચીલો ચાતર્યો છે. આરોપીઓ પકડાયા પછી એટલે કે, ગુનાનો ભેદ ઉકેલ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધવાની યુક્તિ સુરત ગ્રામ્ય પોલીસે અપનાવી છે. જો કે, આ યુક્તિ છેલ્લાં બેએક દસકથી ચાલતી આવે છે. ગુજરાત સરકાર (Gujarat Government) માં સારી કામગીરી દર્શાવવા અને ઉચ્ચ અધિકારીઓને ખુશ કરવા પોલીસ અધિકારીઓ પ્રજાની ફરિયાદના ભોગે આ યુક્તિ અપનાવી રહ્યાં છે.

સરકારી માલ ચોરાયો, પણ પોલીસે ગુના નોંધ્યા નહીં

સુરત ગ્રામ્ય પોલીસના બારડોલી ગ્રામ્ય, કામરેજ અને પલસાણા પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 13 અને 14 માર્ચના રોજ કુલ 22 ફરિયાદો નોંધાઈ છે. જુદાજુદા વિસ્તારમાંથી પસાર થતી ખેડૂત વીજ જોડાણની લાઈન કાપીને તેના તાર ચોરી કરવાનો સિલસિલો ગત મે-2023થી શરૂ થયો હતો. ચોરીની આ ઘટનાઓની જાણકારી મળતા દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) ના નાયબ ઈજનેરોએ સ્થાનિક પોલીસનો સંપર્ક કરી ઘટનાથી વાકેફ કર્યા હતા. આમ છતાં તેમની ફરિયાદ નોંધવામાં આવી ન હતી. સરકારી માલની ચોરી જેવી ઘટનામાં પણ પોલીસે બાબુઓને ઉઠા ભણાવી ગુનાઓ નોંધ્યા ન હતા. 10 મહિનામાં આવી એક બે નહીં પરંતુ 22 ચોરીઓ થઈ હતી અને તે પણ સરકારી માલની.

Gang stealing power cables of DGVCL caught by police

Gang stealing power cables of DGVCL caught by police

મહિનાઓ અગાઉની ફરિયાદ કેમ નોંધવામાં આવી ?

વીજ તાર ચોરતી ટોળકીનો 10 મહિના સુધી સુરત ગ્રામ્યમાં આતંક રહ્યો હતો. આખરે સુરત ગ્રામ્ય એલસીબી (Surat LCB) ની ટીમે ચોરી કરનારી રાજસ્થાની ટોળકી અને મુદ્દામાલ સંગ્રહ કરનારાઓને શોધી કાઢ્યા. પોલીસ ટીમને ચોરી કરાયેલા એલ્યુમિનિયમના 950 કિલો વીજ તાર, ચોરી કરાયેલા વીજ તારને ઓગાળીને બનાવવામાં આવેલી 11,200 કિલોની પ્લેટો, ગુનાના કામે વપરાયેલા વાહનો તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ 36.24 લાખની મતા મળી આવતા જપ્ત કરાઈ. તમામ ગુનાઓની કબૂલાત આરોપીઓએ કરી લેતા રાતો રાત ફરિયાદો નોંધવામાં આવી. DGVCL ના નાયબ ઈજનેર વિમેલકુમાર પટેલ, મહેશ ચૌધરી, શેલેષ પરમાર, જયેશ પરમાર, ચંદ્દેશ પટેલ, રેખાબહેન વર્મા અને પ્રદીપ રાઠોડની બે દિવસમાં ઉપરાછાપરી 22 ચોરીની FIR પોલીસ ચોપડે નોંધવામાં આવી.

ક્રાઈમ રેટ ઘટાડવા અને ડીટેકશન રેટ વધારવાના પેંતરા

સુરત ગ્રામ્ય પોલીસનો ભૂતકાળ પોલીસ ફરિયાદ નહીં નોંધવા તેમજ ફરિયાદ નોંધ્યા બાદ તપાસમાં ખેલ કરવા માટે જાણીતો છે. સામાન્ય પ્રજાજનોની ફરિયાદ નહીં નોંધતી પોલીસ હવે સરકારી બાબુઓને પણ ગાંઠતી નથી. સરકારી માલની ચોરીના કેસમાં જ પોલીસ ફરિયાદ નોંધવા માટે ડીટેકશનની રાહ જોવામાં આવે છે. શહેર પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓ પૈકીના મોટાભાગના અધિકારીઓ ક્રાઈમ રેટ (Crime Rate) ઘટાડવા ફરિયાદો નહીં નોંધી (Burking) ને પોતાની કાર્યક્ષમતા બતાવવી રહ્યાં છે. અમદાવાદ (Ahmedabad) સુરત (Surat) વડોદરા (Vadodara) અને રાજકોટ (Rajkot) માં મિલકત સંબંધી કેસોમાં ડીટેકશન બાદ એક સાથે થોકબંધ ફરિયાદો નોંધાઈ હોય તેવા અનેક કિસ્સા પોલીસ ચોપડે છે. આવી ઘટનાઓ પોલીસ અધિકારીઓની મનમાની અને કાયદા વિરૂદ્ધની કાર્યવાહીને ઉજાગર કરે છે.

આ પણ વાંચો – SMC Raid : ગુજરાતમાં દારૂબંધી ? બે દિવસમાં 1.78 કરોડનો દારૂ મળ્યો

આ પણ વાંચો – Dwarka : સિરપકાંડના સૂત્રધાર સામે વધુ એક કેસ, નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો

Whatsapp share
facebook twitter