+

CM Japan Visit : ટોકિયો ગવર્નર સુશ્રી કોઈકે યુરિકોને વાઈબ્રન્ટ સમિટમાં જોડાવા આમંત્રણ

મુખ્યમંત્રી જાપાન પ્રવાસનો બીજો દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુલેટ ટ્રેનની સફરથી બીજા દિવસના કાર્યક્રમોની શરૂઆત કરી યોકોહામાનું પ્રસિદ્ધ શેન્કેઈન ગાર્ડન નિહાળ્યુઃ ટ્રેડિશનલ જાપાનીઝ ટી-ચ્હાનો આસ્વાદ માણ્યો ટોકિયોના ગવર્નર કોઈકે યુરિકો…

મુખ્યમંત્રી જાપાન પ્રવાસનો બીજો દિવસ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુલેટ ટ્રેનની સફરથી બીજા દિવસના કાર્યક્રમોની શરૂઆત કરી
યોકોહામાનું પ્રસિદ્ધ શેન્કેઈન ગાર્ડન નિહાળ્યુઃ ટ્રેડિશનલ જાપાનીઝ ટી-ચ્હાનો આસ્વાદ માણ્યો
ટોકિયોના ગવર્નર કોઈકે યુરિકો સાથે યોજાઈ બેઠક
જાપાન-ગુજરાત સ્માર્ટ સિટીઝ અને સસ્ટેઈનેબલ અર્બન ડેવલપમેન્ટ ક્ષેત્રે સહયોગ સુદ્રઢ કરી શકે તેમ છેઃ મુખ્યમંત્રી
ટોકિયો ગવર્નરને વાયબ્રન્ટ સમિટ-2024માં આવવા મુખ્યમંત્રીએ નિમંત્રણ પાઠવ્યુઃ શાલ ઓઢાડી ભારતીય સંસ્કૃતિ અનુરૂપ સન્માન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાપાનના પ્રવાસે છે. તેમણે જાપાન પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ બુલેટ ટ્રેનની સફરથી કર્યો હતો. મુખ્યમંત્રી અને ગુજરાત ડેલિગેશન સોમવારે સવારે બુલેટ ટ્રેન મારફતે યોકોહામા પહોંચ્યું હતું અને પ્રસિદ્ધ શેન્કેઈન ગાર્ડનની મુલાકાત લીધી હતી.મુખ્યમંત્રીએ જાપાનની ટ્રેડિશનલ ટી-ચ્હાનો પણ આસ્વાદ માણ્યો હતો અને શેન્કેઈન ગાર્ડનનું સૌંદર્ય નિહાળ્યું હતું.

ગુજરાત-જાપાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ સુદ્રઢ

આ તકે મુખ્યમંત્રીએ ટોકિયોના ગવર્નર સુશ્રી કોઈકે યુરિકો સાથે બેઠક યોજી હતી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2007માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે જાપાનની પ્રથમ મુલાકાત લીધી હતી તેનાં સંસ્મરણો યાદ કર્યાં હતાં. શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ મુલાકાતને પરિણામે ગુજરાત-જાપાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ સુદ્રઢ બન્યા છે. તેમણે 2017માં જાપાનના દિવંગત પ્રધાનમંત્રીશ્રી શિન્ઝો આબેની ગુજરાત મુલાકાત અને અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ-બુલેટ ટ્રેનનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ સાથે શિલાન્યાસ કર્યો હતો, તેની પણ યાદ તાજી કરી હતી.

અર્બન-20, મેયોરલ સમિટની વાતચીત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈની વિઝનરી લીડરશીપમાં ભારતના યજમાનપદે સફળતાપૂર્વક યોજાયેલી જી-20 સમિટ અંતર્ગત અમદાવાદમાં યોજાયેલી અર્બન-20, મેયોરલ સમિટમાં ટોકિયો ગવર્નરશ્રી કોઈકે યુરિકો સહભાગી થયા હતા, તે સંદર્ભમાં પણ વાતચીત કરી હતી.

અમૃત મિશન અને સ્માર્ટ સિટીઝની માહિતી આપી

મુખ્યમંત્રીએ ટોકિયો ગવર્નરશ્રી સાથે યુ-20 મેયોરલ સમિટમાં તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરોના સર્વગ્રાહી આયોજનબદ્ધ વિકાસ માટે અમૃત મિશન અને સ્માર્ટ સિટીઝ અંગે થયેલી ચર્ચા-વિચારણાની પણ વિગતો આપી હતી.
તેમણે કહ્યું કે, આ યુ-20માં જે 6 પ્રાયોરિટી સેક્ટર્સ-નિર્ધારિત કરવામાં આવ્યા હતા, તે માટે પણ ટોકિયો ગવર્નરશ્રીએ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાતના શહેરોના આધુનિક ટેકનોલોજીયુક્ત સ્માર્ટ ડેવલપમેન્ટની ચર્ચા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ગુજરાતના શહેરોના આધુનિક ટેકનોલોજીયુક્ત સ્માર્ટ ડેવલપમેન્ટની ભૂમિકા આપી હતી. અમદાવાદ વેલ ડેવલપમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ભારતમાં મહત્વપૂર્ણ આર્થિક અને ઔદ્યોગિક હબ બની રહ્યું છે, તેની માહિતી મુખ્યમંત્રીએ આપી હતી.

ગુજરાતમાં 350થી વધુ જાપાનીઝ કંપનીઓ કાર્યરત

મુખ્યમંત્રીએ જાપાન-ભારત અને ગુજરાત વચ્ચેના વ્યાપારિક સંબંધોને પરિણામે ગુજરાતમાં 350થી વધુ જાપાનીઝ કંપનીઓ કાર્યરત છે, તેની પણ વિગતો આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, જાપાન અને ગુજરાત સ્માર્ટ સિટીઝ અને સસ્ટેઈનેબલ અર્બન ડેવલપમેન્ટ સેક્ટરમાં પરસ્પર સહયોગનો સેતુ વધુ સુદ્રઢ કરી શકે તેમ છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં સહભાગી થઈ આ ક્ષેત્રે આગળ વધી શકાય એવી અપેક્ષા પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

વાઈબ્રન્ટ સમિટમાં જોડાવાનું પ્રત્યક્ષ આમંત્રણ

મુખ્યમંત્રીશ્રીએ ટોકિયો ગવર્નર સુશ્રી કોઈકે યુરિકોને આગામી વાઈબ્રન્ટ સમિટમાં જોડાવાનું પ્રત્યક્ષ આમંત્રણ પાઠવ્યું હતું. તેમ જ ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ શાલ ઓઢાડી તેમનું સન્માન પણ કર્યું હતું. મુખ્ય સચિવ રાજકુમાર, જાપાન ખાતેના ભારતીય રાજદૂત સી.બી. જ્યોર્જ અને ગુજરાત ડેલિગેશનના સભ્યો આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો—વાઈબ્રન્ટ સમિટને લઈ મુખ્યમંત્રી જાપાન પ્રવાસે, જાપાનમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલે કરી બુલેટ ટ્રેનની સવારી

Whatsapp share
facebook twitter