+

SURAT Gold Smuggling Racket : PSI પરાગ દવેએ મનગમતું પોસ્ટિંગ લીધું હતું, પાંચ મહિનામાં IPS અધિકારીની મીલીભગતથી કરોડોના સોનાની દાણચોરી કરી હોવાની આશંકા

સોનાની દાણચોરી (Gold Smuggling) દસકાઓથી ચાલી આવે છે અને તેનો પોલીસ સાથેનો નાતો પણ પૂરાણો છે. કસ્ટમ ડિપાર્ટમેન્ટ ઉપરાંત પોલીસને પણ દાણચોરો સાચવતા હોય છે. જો કે, હવે સમય બદલાઈ…

સોનાની દાણચોરી (Gold Smuggling) દસકાઓથી ચાલી આવે છે અને તેનો પોલીસ સાથેનો નાતો પણ પૂરાણો છે. કસ્ટમ ડિપાર્ટમેન્ટ ઉપરાંત પોલીસને પણ દાણચોરો સાચવતા હોય છે. જો કે, હવે સમય બદલાઈ ગયો છે. અગાઉ પોલીસ દાણચોરીને નજરઅંદાજ કરીને હપ્તો મેળવતી હતી. હવે, પોલીસ સીધી ભાગીદારી કરી દાણચોરીનો માલ હેમખેમ પહોંચાડવા પેટે તગડી રકમ વસૂલે છે. સુરત એરપોર્ટ (Surat Airport) પર તાજેતરમાં Directorate of Revenue Intelligence એ હાથ ધરેલા ઓપરેશનમાં Immigration PSI સકંજામાં આવ્યા છે. દાણચોરીના સમગ્ર મામલામાં માસ્ટર માઈન્ડ કોણ છે ? તેની હજી સુધી જાણકારી મળી શકી નથી. DRI ને સુરતના કયા IPS અધિકારીએ ભલામણ માટે ફોન કર્યો હતો તેની ચર્ચા હવે સુરતથી ગાંધીનગર સુધી પહોંચી છે. બીજી તરફ કરોડોના Gold Smuglling Racket માં ગોઠવણ કરનારા Ahmedabad Crime Branch ના પીઆઈ એ. ડી. પરમાર (PI A D Parmar) ને DGP વિકાસ સહાયે પોલીસ ટ્રેનિંગ સેન્ટર જુનાગઢ (PTC Junagadh) ધકેલી દીધા છે.

શું હતો સમગ્ર મામલો

ડીઆરઆઈની ટીમે માહિતીના આધારે 7 જુલાઈના સુરત એરપોર્ટ ખાતેથી પેસ્ટ ફોમમાં 48.2 કિલો સોનું (Gold Paste) કબજે લીધું હતું. Directorate of Revenue Intelligence ની ટીમે ત્રણ કેરિયરની આ મામલામાં ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન Surat Airport પર ફરજ બજાવતા ઈમિગ્રેશન પીએસઆઈ પરાગ દવેની દાણચોરીના કેસમાં સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં પીએસઆઈ પરાગ દવે (PSI Parag Dave) સાથે મળીને દાણચોરો કરોડો રૂપિયાનું સોનું લાવ્યા હોવાની હકિકત સામે આવી છે. આ કેસમાં DRI ની તપાસ ભરૂચ સુધી પહોંચી છે. સોનાના દાણચોરીના કેસમાં હવાલા થકી રૂપિયા ચૂકવાતા હોવાની આશંકાના પગલે ED (Directorate of Enforcement) પણ તપાસમાં જોડાય તેવી સંભાવના છે.

કેવી રીતે પકડાયો PSI ?

DRI પાસે ઠોસ માહિતી હતી કે, દાણચોરીના કૌભાંડમાં સુરત એરપોર્ટ ખાતે કેરિયરોને કોઈ મદદ પૂરી પાડી રહ્યું છે. 7 જુલાઈના રોજ શારજહાં (Sharjah) થી આવતી Air India Express Flight IX172 માં 43.5 કિલો Gold Paste લઈને આવેલા ત્રણ કેરિયરને ઝડપ્યા હતા. દરમિયાનમાં ઈમિગ્રેશન PSI પરાગ દવે પેટમાં દુઃખાવાનું બહાનું કરીને ચાલતી પકડી લીધી હતી. Gold Smuggling Racket માં DRI એ સુરત એરપોર્ટના CCTV ફૂટેજ તપાસ્યા હતા. જેમાં પીએસઆઈ પરાગ દવેની વર્તણૂંક શંકાસ્પદ મળી આવી હતી. સાથે જ એરપોર્ટના ટોઈલેટમાંથી 4.67 કિલો ગોલ્ડ બિનવારસી મળી આવ્યું હતું. પરાગ દવેની તપાસ કરતાં તેની દાણચોરીના કૌભાંડમાં સંડોવણી છતી થતાં ધરપકડ કરવામાં આવી હતી. પરાગ દવેના ઘરેથી સર્ચમાં કોરા ચેક મળી આવતા તેના બેંકના વ્યવહારોની વિગતો DRI એ મેળવી છે.

માસ્ટર માઈન્ડને બચાવવા સિમકાર્ડનો નાશ કર્યો

ડીઆરઆઈ પીએસઆઈ પરાગ ધીરજલાલ દવે (PSI P D Dave) સુધી પહોંચશે તેવો અંદેશો આવી જતાં તેણે સિમકાર્ડનો નાશ કરી નાંખ્યો હતો. સુરત શહેરમાં ફરજ બજાવતા પરાગ દવેએ ગત ફેબ્રુઆરી મહિનામાં ઈમિગ્રેશન PSI તરીકે મનગમતું પોસ્ટિંગ મેળવી લીધું હતું. પરાગ દવે છેલ્લાં કેટલાંક મહિનાથી સોનાની દાણચોરીના કૌભાંડનો ભાગીદાર બની ગયો હતો. ગત 7 જુલાઈ અગાઉ પણ ડીઆરઆઈએ સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળ થયા ન હતા. પરાગ દવે દાણચોરીથી લવાયેલા સોનાના જથ્થાને એરપોર્ટની બહાર કાઢવામાં અગાઉ પણ બેએક વખત ભૂમિકા ભજવી ચૂક્યો હોવાની વાત સામે આવી છે. પાંચેક મહિનાથી ચાલતા Gold Smuggling Racket માં પરાગ દવે ઉપરાંત પણ કોઈ મોટા માથાની સંડોવણી હોવાની આશંકા છે. એક ચર્ચા મુજબ દાણચોરી કૌભાંડ સામે આવતા સુરતના IPS અધિકારીએ DRI ને ભલામણ કરતો ફોન કર્યો હતો. જો કે, આ વાતની કોઈ પૃષ્ટી થઈ શકી નથી. પરાગ દવેએ સિમકાર્ડનો નાશ કરતા આ મામલામાં કોઈ માસ્ટર માઈન્ડની સંડોવણી હોવાની વાતને બળ મળી રહ્યું છે.

PSI દવેની કરમકુંડળી

વીસેક વર્ષ અગાઉ પરાગ ધીરજલાલ દવે કોન્સ્ટેબલ તરીકે સુરત શહેર પોલીસ (Surat City Police) માં ભરતી થયો હતો. પાંચેક વર્ષ અગાઉ પરાગ દવે સુરત ક્રાઈમ બ્રાંચ ડીસીપી (Surat Crime Branch DCP) ના PA તરીકે ફરજ બજાવતો હતો. ખાતાકીય પરિક્ષા આપી PSI બન્યો હતો. PSI બનેલા પરાગ દવેને સૌ પ્રથમ કચ્છ-ભુજ ખાતે નિમણૂંક આપવામાં આવી હતી. ગણતરીના મહિનાઓમાં જ પરાગ દવેએ પોતાની બદલી તાપી જિલ્લામાં કરાવી દીધી હતી. ત્યારબાદ તેણે સુરત ગ્રામ્યમાં બદલી કરાવી હતી. નવેમ્બર-2020માં સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) ની ટીમે કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં પાડેલા દરોડા અનુસંધાનમાં પરાગ દવેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્શન બાદ વડોદરા શહેર ખાતે ફરજ બજાવતા પરાગ દવેએ સુરત શહેર ખાતે બદલી કરાવી હતી. બદલીના હુકમ બાદ કોઈ કારણોસર વડોદરા પોલીસ કમિશનરે (Commissioner of Police Vadodara) પરાગ દવેને છૂટા કરવામાં વિલંબ કર્યો હતો. આ મામલે પરાગ દવેએ ગાંધીનગર સુધી અરજી કરી હતી. સુરત શહેરમાં ફરજ બજાવતા પરાગ દવેએ ગત ફેબ્રુઆરી મહિનામાં Immigration PSI તરીકે હુકમ કરાવ્યો હતો.

આ પણ વાંચો – Reality of The Iskcon Bridge Accident : 9 લોકોના મોત માટે માત્ર તથ્ય પટેલ જ જવાબદાર? થાર માલિક સામે હજુ કોઈ ઠોસ કાર્યવાહી નથી કરાઈ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter