Alappuzha: લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસના 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ છે. આ યાદીમાં એક નામ કોંગ્રેસના મહાસચિવ કે.સી.વેણુગોપાલનું છે. કોંગ્રેસે તેમને કેરળની આલપ્પુઝા (Alappuzha) બેઠકથી ઉમેદવાર બનાવ્યા છે. પરંતુ તેમની ઉમેદવારી બાદ કોંગ્રેસમાં ‘હાર-જીત’ બંને એકસાથે દેખાઈ રહી છે. જાણીએ કે એવું તો આ નામને લઈને શું છે કે જેમાં કોંગ્રેસ જીતીને પણ હારી જશે!. આલપ્પુઝા બેઠક પર ભાજપમાંથી ફાયરબ્રાન્ડ મહિલા નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ શોભા સુરેન્દ્રનને મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 39 ઉમેદવારની યાદી જાહેર કરી છે. તેમાં રાહુલ ગાંધી, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સહિત અનેક વરિષ્ઠ નેતાઓના નામ સામલે છે. કોંગ્રેસે આ યાદીમાં કેરળના ઉમેદવારોની પણ જાહેરાત કરી છે. પાર્ટીએ તેના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલને આલપ્પુઝા સંસદીય બેઠક પરથી ટિકિટ આપી છે. આવી સ્થિતિમાં જો કોંગ્રેસના ઉમેદવાર વેણુગોપાલ લોકસભા ચૂંટણી જીતશે તો તેનાથી કોંગ્રેસને જ નુકસાન થશે. વેણુગોપાલની જીતનો અર્થ એ થશે કે કોંગ્રેસ રાજ્યસભાની એક બેઠક ભાજપને ગુમાવશે. કારણ એ છે કે વેણુગોપાલ હાલમાં રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ છે. આવી સ્થિતિમાં લોકસભા જીત્યા બાદ તેમણે રાજ્યસભાની સીટ છોડવી પડશે.
જીત બાદ કોંગ્રેસને કેવી રીતે થશે નુકસાન?
આલપ્પુઝા (Alappuzha) લોકસભા બેઠક જીત્યા બાદ કે.સી. વેણુગોપાલે રાજ્યસભાનું સભ્યપદ છોડે તો પેટાચૂંટણી યોજાશે. પેટાચૂંટણીના કિસ્સામાં કોંગ્રેસ પાસે વિધાનસભામાં તેના ઉમેદવારને ફરીથી જીતવા માટે સંખ્યાત્મક તાકાત નથી. ઉલ્લેખનીય છે કે કેરળમાં 2019માં આલપ્પુઝા બેઠક પરથી વેણુગોપાલ ન લડતાં કોંગ્રેસે તેને ગુમાવવી પડી હતી. પાર્ટી દ્વારા હારી ગયેલી એકમાત્ર બેઠકને પાછી મેળવવા વેણુગોપાલને ફરીથી ઉતાર્યા છે. જોકે બીજી તરફ આ નિર્ણયને 2026ની વિધાનસભા ચૂંટણીને સાંકળીને પણ જોવામાં આવી રહ્યો છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે જો કોંગ્રેસ 2026માં વિધાનસભા ચૂંટણી જીતે તો વેણુગોપાલને મુખ્યમંત્રીની રેસમા આગળ રહી શકે છે.
સમીકરણ સંતુલિત કરવા વેણુગોપાલ મેદાને?
કેરળ (Kerala) માં જાતિ અને ધર્મના સમીકરણ સંતુલિત કરવા વેણુગોપાલને ટિકિટ આપવા પાર્ટીએ કેટલાંક ફેરફાર કર્યા. જેમાં વડકરાના સાંસદ કે. મુરલીધરનને ત્રિશૂરથી ટિકિટ આપવામાં આવી છે. ટીએન પ્રથાપનને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હતા. કન્નુરમાં મુસ્લિમ (Muslim) ઉમેદવાર ઉતારવાની યોજનામાં ફેરબદલ કરીને ત્યાં કેરળ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કે.સુધાકરનને ટિકિટ આપવામાં આવી છે.
શું છે આલપ્પુઝા બેઠકનું ચૂંટણી ગણિત?
કેરળનું મહત્વનું પર્યટન સ્થળ અને પૂર્વનું વેનિસ ગણાય છે આલપ્પુઝા (Alappuzha). સૌથી વધુ સાક્ષરતા ધરાવતા જિલ્લામાં કેરળમાં ત્રીજા ક્રમાંકે આવે છે. આલપ્પુઝા લોકસભા બેઠકમાં સાક્ષરતા દર 86.79 ટકા છે. આમ તો વર્ષોથી આલપ્પુઝા કોંગ્રેસનો ગઢ રહ્યું છે. આલપ્પુઝા લોકસભામાં 7 વિધાનસભા મતક્ષેત્રનો સમાવેશ થાય છે. જેમાંથી 4 બેઠક CPM, 2 બેઠક કોંગ્રેસ અને 1 બેઠક ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી પાસે છે. વિધાનસભા ગણિત પ્રમાણે વર્ષ 2021ની ચૂંટણીમાં અહીંથી કોંગ્રેસના ઉમેદવારોને કુલ 44.2 ટકા, CPMને 25.6 ટકા, CPIને 18.5 ટકા અને ભાજપને 6.6 ટકા મત મળ્યાં હતા. 2019ની ચૂંટણીમાં આલપ્પુઝામાંથી CPMના એ.એમ. આરિફ 4,43,003 મત મેળવીને ચૂંટણી જીત્યા હતા.
બેઠકનો ઈતિહાસ —
કેરળની આલપ્પુઝા બેઠક પર જામશે ચૂંટણી જંગ
કોંગ્રેસના મહાસચિવ કે.સી.વેણુગોપાલ ફરી મેદાને
ભાજપમાંથી શોભા સુરેન્દ્રન આલપ્પુઝાથી ઉમેદવાર
2019માં કોંગ્રેસે ગુમાવી હતી આલપ્પુઝા બેઠક
આલપ્પુઝાને પૂર્વનું વેનિસ તરીકે ઓળખવામાં આવે છે
કેરળમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો ત્રીજો જિલ્લો
આલપ્પુઝા બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે
1977થી 1999 અને 2009 અને 2014માં કોંગ્રેસ જીત્યું
કોંગ્રેસના કે.સી.વેણુગોપાલ બે વખત ચૂંટાયા હતા
આલપ્પુઝા બેઠક પર મુસ્લિમ, ઈસાઈ મતદારો નિર્ણાયક
હિન્દુ મતદારોનું આલપ્પુઝા બેઠક પર છે પ્રભુત્વ
આલપ્પુઝા બેઠકમાં 7 વિધાનસભા મતક્ષેત્ર સામેલ
7 પૈકી 4 CPM, 2 કોંગ્રેસ અને 1 બેઠક ભાકપા પાસે
કોણ છે શોભા સુરેન્દ્રન?
આલપ્પુઝા બેઠક પરથી ભાજપના ઉમેદવાર શોભા સુરેન્દ્રનની (Shobha) ઓળખ ફાયરબ્રાન્ડ મહિલા નેતા તરીકે થાય છે. તેઓ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ છે. અગાઉ તેઓ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે પણ હારનો સ્વાદ ચાખી શક્યા નથી. ભાજપ (BJP) ની રાષ્ટ્રીય કાર્યકારિણી સમિતિમાં 2013માં સભ્ય બન્યાં હતા. 2014માં લોકસભાની ચૂંટણી લડ્યા પરંતું તેઓ ત્રીજા ક્રમાંકે રહ્યાં હતા. 2019માં અટ્ટિંગલ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડ્યાં હતા પરતું હાર મળી હતી. જોકે કાર્યકરોમાં સારી પક્કડ ધરાવે છે શોભા સુરેન્દ્રન.
કોણ છે કે.સી. વેણુગોપાલ?
કોંગ્રેસના સંગઠન મહાસચિવ અને રાજ્યસભાના સાંસદ છે કે.સી. વેણુગોપાલ (Venugopal) . વિદ્યાર્થી આંદોલનમાંથી રાજનીતિમાં ડગ માંડનારા કે.સી.વેણુગોપાલ અત્યારે કોંગ્રેસના મોટા નેતામાં ગણના પામે છે. 1996 બાદ કેરળ વિધાનસભામાં ત્રણ વખત ધારાસભ્ય ચૂંટાયા હતા. 2004માં તેઓ કેબિનેટ મંત્રી પણ રહ્યાં હતા. કેરળ (Kerala) વિદ્યાર્થી સંઘ અને યુથ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 2009માં પ્રથમ વખત આલપ્પુઝા બેઠકથી સાંસદ પદે ચૂંટાયા હતા. 2012માં કેન્દ્રમાં રાજ્યમંત્રી બન્યા હતા. 2014માં ફરીથી સાંસદ બન્યા હતા. જોકે 2019માં લોકસભા ચૂંટણી લડવાની ના પાડી હતી. તેઓ ન લડતાં કોંગ્રેસે આલપ્પુઝા બેઠક ગુમાવી હતી. હવે ફરીથી આ બેઠક પરત મેળવવા કોંગ્રેસે તેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
આલપ્પુઝા બેઠકનું મતગણિત
બૌદ્ધ – 0.01 ટકા
ઈસાઈ – 14.3 ટકા
મુસ્લિમ – 13.6 ટકા
દલિત – 7.6 ટકા
આદિવાસી – 0.3 ટકા
શીખ – 0.01 ટકા
કેરળની આલપ્પુઝા લોકસભા બેઠક પર કે.સી.વેણુગોપાલને ફરીથી ચૂંટણી મેદાનમાં ઉતારતામાં મુકાબલો રોચક બન્યો છે.