+

Ahmedabad : કબ્રસ્તાનના દબાણ ખાલી કરાવવા વક્ફ કમિટીએ કયા સમાજ સેવકને સોપારી આપી ?

Ahmedabad : સમાજ સેવકના નામે ભાજપના રાજમાં ડૉન બનવા નીકળેલો અમદાવાદના રખિયાલનો એક ટપોરી અલ્તાફ પઠાણ ઉર્ફે અલ્તાફ બાસી (Altafkhan Pathan aka Altaf Basi) પોલીસના પાંજરે પૂરાયો છે. પોલીસની છત્રછાયામાં…

Ahmedabad : સમાજ સેવકના નામે ભાજપના રાજમાં ડૉન બનવા નીકળેલો અમદાવાદના રખિયાલનો એક ટપોરી અલ્તાફ પઠાણ ઉર્ફે અલ્તાફ બાસી (Altafkhan Pathan aka Altaf Basi) પોલીસના પાંજરે પૂરાયો છે. પોલીસની છત્રછાયામાં ટપોરીમાંથી રિઢો ગુનેગાર બની ગયેલા અલ્તાફ બાસી સામે હત્યા, હત્યાનો પ્રયાસ સહિતના 17 જેટલા ગંભીર ગુનાઓ ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યાં છે. ગોમતીપુર ચારતોડા કબ્રસ્તાનમાં આવેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની આડમાં ભાઇ બનીને ફરતા અલ્તાફે ઘરમાં તેમજ દુકાનમાં ઘૂસીને લોકોને માર મારી, ધમકી આપી ભય ફેલાવ્યો હતો. આ મામલે ગોમતીપુર પોલીસ સ્ટેશન (Gomtipur Police Station) માં ઉપરાછાપરી ત્રણ FIR થતાં અલ્તાફ ફરાર થઈ ગયો હતો. ફરાર અલ્તાફ બાસીને ઝડપી તેની સામેના નોંધાયેલા કેસોની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Crime Branch Ahmedabad) સંભાળી લીધી છે.

શું છે સમગ્ર મામલો ?

ગોમતીપુર કામદાર ચાર રસ્તા નજીક આવેલાં ચારતોડા કબ્રસ્તાનમાં ગેરકાયદેસર દબાણો અને મકાનોની સમસ્યા વર્ષોથી યથાવત છે. કબ્રસ્તાનમાં રહેલાં ગેરકાયદેસર દબાણો હટાવવા માટે અહેમદાબાદ સુન્ની મુસ્લિમ વક્ફ કમિટી (Ahmedabad Sunni Muslim Waqf Committee) ની સંમતિથી એક સફાઈ અભિયાન કમિટી બનાવવામાં આવી. વર્ષ અગાઉ સફાઈ અભિયાન કમિટીમાં સ્થાનિક તેમજ રખિયાલના ટપોરી અલ્તાફ બાસીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અલ્તાફ બાસી અને તેના સાગરિતોએ સામ, દામ, દંડ અને ભેદની નીતિથી 100થી વધુ દબાણો ખાલી કરાવ્યા હતા. વર્ષ અગાઉ અલ્તાફ બાસી ટોળકી દબાણો ખાલી કરાવવા બળજબરી કરતા હોવાની ફરિયાદ-અરજી પોલીસ વિભાગ સહિતના સરકારી ખાતાઓમાં સ્થાનિકોએ કરી હતી. ત્યારબાદ 24 ઑક્ટોબર 2023ના રોજ અલ્તાફ અને તેના સાગરિતો સામે ગેરકાયદે દબાણ ધરાવતા લોકો ફરિયાદ કરવા ગોમતીપુર પોલીસ (Gomtipur Police) પાસે ગયા હતા. ફરિયાદ નોંધવાના બદલે અરજી-નિવેદન નોંધી અરજદારોને પોલીસ જીપમાં રવાના કરી દીધા હતા. અરજદારો તેમના ઘરે પહોંચ્યા તે સમયે અલ્તાફ અને તેના સાગરિતો ત્યાં પહોંચી ગયા અને માર મારી હત્યા કરવાની ધમકી આપી હતી. આ મામલે અલ્તાફ સહિતના શખ્સો સામે કાર્યવાહી કરી હતી. તાજેતરમાં અલ્તાફ બાસીએ દબાણ ખાલી કરાવવા કાયદો હાથમાં લઈને મકાન-દુકાનમાં તોડફોડ કરી કૉંગ્રેસના મહિલા કાઉન્સીલરને ધમકી આપી હતી અને આ મામલે ઉપરાછાપરી 3 ફરિયાદ ગોમતીપુર પોલીસે નોંધી હતી.

અલ્તાફ સામે કડક કાર્યવાહીની કમિશનરની સૂચના

અલ્તાફ બાસી અને તેની કરતૂતોથી અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) અને ગુનેગારો સારી રીતે વાકેફ છે. ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે ભૂતકાળમાં થયેલી ફરિયાદ-રજૂઆતોથી પોલીસ કમિશનર જી. એસ. મલિક (G S Malik) વાકેફ હતા. સમાજ સેવાના નામે ગત 10 મેના રોજ અલ્તાફ બાસી અને તેના સાગરીતોએ ગોમતીપુર વિસ્તારમાં ખૌફ ફેલાવ્યો હતો. હથિયારો લઈને નીકળેલી ટોળકીએ લોકોની દુકાન-મકાનમાં ઘૂસીને તોડફોડ કરી, માર મારતા સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચ્યો હતો. આ ઘટનાઓ અંગે અમદાવાદ પોલીસ કમિશનરને જાણ થતાં તેમણે અલ્તાફ બાસી સામે કડક હાથે પગલાં લેવા પોલીસને સૂચના આપી હતી. સાથે સાથે અલ્તાફ બાસીને લઈ આવનારી ક્રાઈમ બ્રાંચને ત્રણ પૈકીના બે કેસની તપાસ સોંપી દીધી છે.

ટપોરીને મદદગાર બતાવવા ચૂંટણી લડાવી

ગુજરાત પોલીસ (Gujarat Police) ના કેટલાંક અધિકારીઓ માટે અલ્તાફખાન જબ્બારખાન પઠાણ ઉર્ફે અલ્તાફ બાસી એકાદ દસકાથી બાતમીદાર ઉપરાંત કમાઉ દિકરાની ભૂમિકા ભજવી રહ્યો છે. પોલીસના ઈશારે વર્ષ 2021માં અલ્તાફ અમદાવાદ મ્યુનિ. કોર્પો.ની ચૂંટણીમાં (AMC Election) ઔવેસીની પાર્ટી AIMIM ના બેનર હેઠળ ચૂંટણી લડ્યો અને હાર્યો હતો. વિધાનસભા-2022ની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) બેનર હેઠળ બાપુનગર બેઠક પરથી અલ્તાફ બાસી કોંગ્રેસ (Congress) ના તત્કાલિન ધારાસભ્ય હિંમતસિંહ પટેલ (Himmatsinh Patel) સામે ચૂંટણી લડ્યો હતો. મર્હૂમ ગેંગસ્ટર અને સમાજવાદી પાર્ટીનો MLA અને MP રહી ચૂકેલા અતિક અહેમદ સાબરમતી જેલ (Sabarmati Jail) માં કેદ હતો ત્યારે અલ્તાફ બાસી તેનો પંટર બની ગયો હતો. AMC ની ચૂંટણીમાં ભૂંડી રીતે હારેલા અલ્તાફે અતિક અહેમદની (Atiq Ahmed) પગચંપી કરીને વિધાનસભા ઈલેકશનમાં સપાની ટિકિટ મેળવી હતી. AMC અને વિધાનસભાની ચૂંટણીમાં અલ્તાફ બાસીને જુદાજુદા પક્ષોની ટિકિટ અપાવવામાં પોલીસ અધિકારીઓની પરદા પાછળની ભૂમિકાથી લગભગ મોટાભાગના ઉચ્ચ અધિકારીઓ વાકેફ પણ છે.

સુન્ની મુસ્લિમ વક્ફ કમિટીની અલ્તાફ સાથે સાંઠગાંઠ ?

અહેમદાબાદ સુન્ની મુસ્લિમ વક્ફ કમિટીના સર્વેસર્વા રિઝવાન એમ. કાદરી (Rizwan M Kadri) અને અન્યોએ ગુનેગાર અલ્તાફ બાસીને દબાણ હટાવવાનું કામ સોંપ્યું હોવાની ચર્ચા છે. વક્ફ કમિટીએ (Waqf Committee) ચારતોડા કબ્રસ્તાનના દબાણો ખાલી કરાવવા માટે રૂપિયા પણ ખર્ચ્યા હોવાની વાતો સામે આવી રહી છે. એક નહીં અનેક ગુનાઓ આચરી ચૂકેલા અલ્તાફ બાસી વક્ફ કમિટીના સંપર્કમાં કેવી રીતે આવ્યો તે પણ એક સવાલ છે. ચર્ચા અનુસાર ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન અલ્તાફ બાસી પાસે ચારતોડા કબ્રસ્તાનમાં થયેલા ગેરકાયદે દબાણોને દૂર કરવાની વાત આવી હતી. દબાણો દૂર કરીને ગોમતીપુર વિસ્તારમાં ખૌફ જમાવવા તેમજ ભાઇ બનવા માટે અલ્તાફ આગળ આવ્યો હતો. ગત 10 મેના રોજ વક્ફ કમિટીએ ચારતોડા કબ્રસ્તાનમાં જવાનો એક રસ્તો બંધ કરતા સ્થાનિકોએ ઉહાપોહ કર્યો હતો અને કમિટીના સભ્યો સાથે ગાળાગાળી-ધક્કામુક્કી પણ કરી હતી. ત્યારબાદ આ મામલો ગોમતીપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સાંજે આ ઘટનાની જાણ થતાં ભાઇ બનવાના સપનાં જોતો અલ્તાફ બાસી તેના ભત્રીજાઓ અને સાગરીતો સાથે હથિયારો લઈને ચારતોડા કબ્રસ્તાન પહોંચી ગયો હતો.

આ પણ વાંચો— CID Crime : હવાલા રેકેટ ચલાવતી આંગડીયા પેઢીઓ કેમ રડારમાં ?

Whatsapp share
facebook twitter