Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Jamnagar : બોરવેલમાં પડેલા બાળકનું 20 દિવસની લાંબી સારવાર બાદ નિધન…ગામમાં શોકનો માહોલ છવાયો…

03:01 PM Feb 26, 2024 | Maitri makwana

Jamnagar: જામનગર (Jamnagar) ના લાલપુર (Lalpur) તાલુકાના ગોવાણ ગામે 20 દિવસ પહેલા એક 3 વર્ષીય માસૂમ બાળક સીમ વિસ્તારમાં આવેલા ખુલ્લા બોરમાં પડી ગયું હતું. આ ઘટનાની જાણ થતાં જ જામનગર (Jamnagar) અને લાલપુર ફાયરની ટીમ (Fire Brigade) ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટના અંગે હવે દુખદ સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ, બોરવેલમાં પડેલા બાળકનું 20 દિવસની લાંબી સારવાર દરમિયાન આજે મોત નીપજ્યું છે.

સમગ્ર ગોવણ ગામે શોકનો માહોલ છવાઈ ગયો

લાલપુર (Lalpur) તાલુકાના ગોવાણ ગામે સતત 9 કલાક સુધી આ બાળકનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું હતું. ત્યારબાદ 20 દિવસ સુધી તેને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. હોસ્પિટલની ટીમ દ્વારા આ બાળકને બચાવવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા. ત્યારે આજે વહેલી સવારે સારવાર દરમિયાન આ બાળકે દમ તોડ્યો હતો. જેથી સમગ્ર ગોવણ ગામે શોકનો માહોલ છવાઈ ગયો છે.

સતત નવ કલાક સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું હતું

જામનગરના (Jamnagar) લાલપુર તાલુકાના ગોવાણ ગામે આવેલી વાડી વિસ્તાર સીમમાં કેટલાક પરપ્રાંતીય પરિવાર મજૂરવાડી વિસ્તારમાં મજૂરીકામ કરે છે. ત્યારે ગતરોજ એક શ્રમિક પરિવારનું 3 વર્ષીય બાળક રમતાં-રમતાં અચાનક બોરવેલમાં પડી ગયું હતું. આ ઘટનાની જાણકારી તાત્કાલિક સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRF ને કરવામાં આવી હતી. આથી સ્થાનિક પોલીસ સાથે ફાયરની ટીમ અને NDRF હેડ ક્વાર્ટરમાંથી બચાવ માટે જરૂરી આધુનિક સાધનો સાથે એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. માહિતી મુજબ, સતત નવ કલાક સુધી આ રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું હતું.

સારવાર દરમિયાન બાળકે દમ તોડી દીધો

બાળકને બોરવેલમાંથી બહાર કાઢવા માટે બોરવેલ નજીક સમાંતર ખાડો ખોદવામાં આવ્યો હતો અને બાળકને સલામત રીતે ઉગારી લેવામાં આવ્યું હતું. બાળકને જમીનની નીચે ઓક્સિજન મળી રહે તે માટે 108 ની ટીમને પણ બોલાવવામાં આવી હતી. 108ની ટીમ દ્વારા પહોચાડવામાં આવેલ ઓક્સિજન બાળક માટે જીવાદોરી નીવડી હતી. માહિતી મુજબ, બાળકને સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. છેલ્લા 20 દિવસથી આ બાળકની સારવાર ચાલી રહી હતી. પરંતુ, દુ:ખદ વાત એ છે કે સારવાર દરમિયાન જ બાળકએ દમ તોડી દીધો હતો.

આ પણ વાંચો – ભરૂચ: જંબુસર સબ ડિસ્ટિક્ટ હોસ્પિટલની ગંભીર બેદરકારી!