+

કાશ હું એનું વર્તન ઓળખી શકી હોત!

આપણને ઘણી વખત હકીકત મોડી સમજાતી હોય છે. ક્યારેક તો એટલું બધું મોડું થઈ જાય છે કે, આપણા હાથમાં કંઈ જ રહેતું નથી. ઘરમાં કંઈ અઘટિત બને એ પહેલા એના એંધાણ મળતા હોય છે. એ સિગ્નલ્સ પકડવામાં કાળજી રાખવાની જરુર હોય છે. ઘરમાં કોઈનું વર્તન બદલે ત્યારે આપણને એવો સવાલ થાય છે કે, એણે આવું કેમ કર્યું? આપણને સવાલ તો થતા હોય છે, પણ આપણે એના જવાબ શોધવાની ભાગ્યે જ કોશિશ કરીએ છીએ.  આજે મારે બે કિસ્સાની વાત કà
આપણને ઘણી વખત હકીકત મોડી સમજાતી હોય છે. ક્યારેક તો એટલું બધું મોડું થઈ જાય છે કે, આપણા હાથમાં કંઈ જ રહેતું નથી. ઘરમાં કંઈ અઘટિત બને એ પહેલા એના એંધાણ મળતા હોય છે. એ સિગ્નલ્સ પકડવામાં કાળજી રાખવાની જરુર હોય છે. ઘરમાં કોઈનું વર્તન બદલે ત્યારે આપણને એવો સવાલ થાય છે કે, એણે આવું કેમ કર્યું? આપણને સવાલ તો થતા હોય છે, પણ આપણે એના જવાબ શોધવાની ભાગ્યે જ કોશિશ કરીએ છીએ.  
આજે મારે બે કિસ્સાની વાત કરવી છે. એક કિસ્સો ડિપ્રેશનનો છે અને બીજો સુસાઈડનો છે. મુંબઈમાં રહેતા એક પરિવારની યુવાન દીકરી ડ્રગ્સના રવાડે ચડી ગઈ. એનો સંગ સારો ન હતો. બધા મિત્રો નશેબાજ હતા. માતા એક વખત દીકરીનું જીન્સનું પેન્ટ ધોવામાં નાખતી હતી. મશીનમાં કપડાં નાખતા પહેલા ખિસ્સા ચેક કર્યાં તો એના હાથમાં એક નાનકડી પડીકી આવી. મુંબઈમાં ઉછરેલી એ માતાને સેકન્ડમાં ખબર પડી ગઈ કે આ તો ડ્રગ્સ છે. માતા-પિતા દીકરીને સાયકોલોજિસ્ટ પાસે લઈ ગયા. સાયકોલોજિસ્ટે પહેલા દીકરી સાથે ડીટેલમાં વાત કરી. માતા-પિતાએ જ્યારે સાયકોલોજિસ્ટને પૂછયું ત્યારે તેણે કહ્યું કે, દીકરી તો સુધરી જશે. પહેલા તમે બંને જરાક સમજો એ વધુ જરુરી છે. તમે બંને એકબીજા સાથે ઝઘડતાં રહો છો. દીકરીને એવું લાગે છે કે, એ ઘરમાં વધારાની છે. દીકરીએ સાયકોલોજિસ્ટને કહ્યું હતું કે, મા-બાપને મારા માટે નવરાશ જ નથી. એના કારણે હું મિત્રોના રવાડે ચડી ગઈ અને ધીમે ધીમે નશો કરતી થઈ ગઈ. આપણા દેશમાં દરેક શહેરમાં યંગસ્ટર્સને ડ્રગ્સની લત વધતી જાય છે. એવી વાતો સમયે સમયે મીડિયામાં ચર્ચાતી રહે છે. શું બધો જ વાંક નશાની લતે ચડી જતા યુવાનોનો જ છે? ઘરના લોકોએ પણ પોતાની જાતને તપાસવાની જરુર હોય છે કે, અમે સંતાનોના ઉછેરમાં ક્યાં થાપ ખાઈ ગયા.
પરિવારના સભ્યો હવે પોતપોતાનામાં એટલા બધા રચ્યા પચ્યા હોય છે કે, ઘરનો બીજો સભ્ય શું કરે છે એની એને પરવા, ચિંતા કે કાળજી હોતી નથી. એક બીજો કિસ્સો પણ સમજવા જેવો છે. એક યુવાને આપઘાત કર્યો. એને એક છોકરી સાથે બ્રેક અપ થયું હતું. ઘરમાં સરસ રીતે રહેતો મસ્તીખોર છોકરો અચાનક ઉદાસ રહેવા લાગ્યો. ઉંચી પોસ્ટ ઉપર ફરજ બજાવતા માતા-પિતા બંને પોતાના કામમાંથી નવરા પડતા ન હતા. દીકરાએ ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો. માતાએ બાદમાં પરિવારજનોને કહ્યું કે, મને એવું લાગતું હતું કે એ મજામાં નથી રહેતો. પણ એને પૂછ્યું જ નહીં. કાશ, પૂછ્યું હોત તો એને આવું પગલું ભરતા રોકી શકી હોત. થોડોક સમય અને સ્નેહની, કાળજીની એને જરુર હતી. જો કે, આપણને ઘણું બધું બહુ મોડું સમજાતું હોય છે.  
એક વધુ કિસ્સો પણ યાદ આવી જાય છે. એ અગાઉના બંને કિસ્સા કરતા થોડો જુદો છે. એક પિતાની આ વાત છે. એની દીકરી કોલેજ જતી હતી. એ મિત્રો સાથેના ફોટોગ્રાફસ અને રીલ્સ નિયમિત રીતે સોશિયલ મીડિયા પર અપલોડ કરતી હતી. એના બધા રીલ્સ અને સ્ટેટસ હેપી ગો લકી ટાઈપના જ રહેતા. અચાનક સ્ટેટસમાં ફરક આવવા લાગ્યો. ઉદાસ, ગમગીન, જિંદગી, મોત, બેવફાઈ એવા મતલબના સ્ટેટસ અપલોડ કરવા લાગી. પિતા નજર રાખવા માટે નહીં પણ દીકરી શું કરે છે એ જોવા ખાતર એનું સોશિયલ મીડિયા ફોલો કરતા હતા. દીકરીના વર્ચ્યુઅલ બિહેવીયરમાં જે ફરક આવ્યો એ પિતાએ માર્ક કર્યો અને દીકરીને અંદાજ ન આવે એ રીતે તેને સાથ આપવાનું શરુ કર્યું. દીકરીને દોસ્તો સાથે ઈશ્યૂ થયા હતા. પિતાએ જુદાં જુદાં બહાને મિત્રોને ભેગા કરીને પાછું પેચ અપ કરાવી દીધું. દીકરીને ખબર પણ ન પડી કે, એના પપ્પા કેવી રીતે એની સાથે હતા. અને કેવી રીતે એને ખબર ન પડે એમ નિરાશામાંથી બહાર કાઢી લીધી.  
બીજી એક વાત યંગસ્ટર્સે પણ મા-બાપ અને બીજા વડીલોના વર્તન પર પણ નજર રાખતા રહેવી જોઈએ. મોટા હોય એટલે એમને કોઈ મુશ્કેલીઓ ન જ હોય એવું હોતું નથી. એ પણ ટફ ટાઈમમાંથી પસાર થતા હોય છે. એમને પણ ઘણી વખત સાથ અને કોઈ વાર સહારાની જરુર પડતી હોય છે. કેટલા યંગસ્ટર્સ પોતાના મા-બાપને પૂછતાં હોય છે કે, તમે મજામાં તો છો ને? બધું ઓકે છે ને?  
એક જ ઘરમાં રહેતી નવી પેઢી હોય કે જૂની પેઢી એક બીજાના મૂડ અને મિજાજને ઓબ્ઝર્વ કરવા આજના સમયમાં બહુ જ જરુરી બની ગયા છે. વ્યક્ત થવા માટે એક સવાલ જ જરુરી હોય છે. વ્યક્ત થવા દેવા માટે માહોલ પૂરો પાડવો એ પણ બહુ મોટું કાઉન્સેલીંગ જ છે. ઘણી વખત વાત કહી દેવાથી મોટા ભાગના પ્રશ્નોનો હલ આવી જતો હોય છે. ઉંમર કોઈ પણ હોય આપણી સાથે જીવતાં-રહેતા પરિવારજનો અને દિલની નજીક હોય એવા મિત્રોનું મન કઈ તરફ છે એ જરા બારીકાઈપૂર્વક અવલોકીએ તો બહુ વાંધો નથી આવતો હોતો. બસ આ બારીકાઈ માટે તમારે સમય અને તમારી સમજને ફાળવવાની જરુર છે.   
jyotiu@gmail.com
Whatsapp share
facebook twitter