+

સૌરાષ્ટ્ર-કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે હજુ પણ 3 દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરી છે. જેને પગલે આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી…

છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે હજુ પણ 3 દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરી છે. જેને પગલે આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. અનેક જગ્યાએ ખેતીના પાકને ભારે નુકસાન પણ થયું છે.

 

સૌરાષ્ટ્ર કચ્છમાં કમોસમી વરસાદ
કચ્છમાં કમોસમી વરસાદનો સીલસીલો યથાવત છે. જિલ્લામાં સતત આઠમાં દિવસે વરસાદ પડ્યો છે. નખત્રાણા પંથકમાં કમોસમી વરસાદ નોંધાયો છે. ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. નખત્રાણાના મોટી વિરાણી, જીંજાય, દેશલપર ગુંતલી, નાના અંગિયાં સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આ ઉપરાંત સરહદી વિસ્તાર લખપતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે.

લખપત તાલુકાના દયાપર, દોલતપર, આશાલડી, રાવરેશ્વર, સારણમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. ભારે પવન અને કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ શરૂ થયો છે. લખપતમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ કુંડી ધોધમાં પાણી વહેતા થયા છે. સરહદી લખપત તાલુકામાં પડેલા કમોસમી વરસાદના પગલે અનેક નદી નાળામાં નવા નીરની આવક શરૂ થઈ છે. ગઈકાલે પડેલા વરસાદ બાદ જૂણાચાય નજીકનો કુંડી ધોધ જીવંત બની ઉઠ્યો છે. કોતરાયેલી ભેખડો પરથી પડતા ઘૂઘવતા પાણીએ નયનરમ્ય નજારો સર્જ્યો છે.

 

ગીર સોમનાથના વાતાવરણમાં પલટો
તાલાલાના આંકોલવાડી, સુરવા, ધાવા, માધુપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકશાન થવાની આશંકા છે. આ ઉપરાંત જૂનાગઢના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. શહેરમાં બપોર બાદ કમોસમી વરસાદ શરુ થયો છે. શહેરના આઝાદ ચોક, માંગનાથ રોડ, બસ સ્ટેન્ડ, દિવાન ચોકમાં વરસાદ પડ્યો છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અષાઢી માહોલ જોવા મળ્યો
રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું છે. રાજકોટના યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, ઢેબર રોડ, ગોંડલ ચોકડી, સામા કાંઠા વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. આ તરફ અટીકા ફાટક અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. જિલ્લા બાદ શહેરમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને જોરદાર ઝાપટું પડ્યું. રાજકોટ શહેર અને જિલ્લામાં સતત આઠ દિવસથી ચોમાસા જેવો માહોલ
જોવા મળી રહ્યો છે.

તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદના કારણે ઉનાળુ પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તલ, મગ, અડદ સહિતના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઉપલેટા-ધોરાજીના અનેક ગામડાઓમાં આજે ધોધમાર વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે. ધોરાજીમાં વાવાઝોડા રૂપી જોરદાર પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો છે. ધોરાજીમાં ભારે વરસાદને લઈ રોડ ઉપર પાણી વહેતા થયા છે.

 

રાજ્યમાં માર્ચથી લઈ મેં સુધી કાળઝાળ ગરમી પડતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે ગરમી કરતા માવઠું વધુ પડ્યું. અને તાપમાન નીચું રહ્યું. છેલ્લા 10 વર્ષમાં હવામાન જોવા મળ્યું નથી એવું હવામાન ચાલુ વર્ષે જોવા મળી રહ્યું છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહન્તિએ જણાવ્યું છે ગુજરાતના અલગ અલગ જિલ્લા વરસાદ થયો છે. પહેલી માર્ચથી 4 મેં સુધીમાં રાજ્યમાં સરેરાશ 29. 8 Mm વરસાદ નોંધાયો છે. જે ગુજરાતમાં  પહેલી માર્ચથી 4 મેં સુધીમાં 0.9 mm થવો જોઈએ. સૌથી વધુ કમોસમી વરસાદ સૌરાષ્ટ્રમાં સરેરાશ 39.8 mm થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 92.9 mm વરસાદ થયો.
રાજ્યના જિલ્લા 1 માર્ચથી 4 મેં સુધીના  સરેરાશ વરસાદના આંકડા 
અમદાવાદ જિલ્લામાં 16.7 mm, આણંદ 8.6 mm, અરવલ્લી 34.9 mm, બનાસકાંઠા 21.6 mm, ભરૂચ 5.2 mm, છોટા ઉદેપુર 10.8mm,  દાહોદ 13.4 mm, ડાંગ 40 mm, ગાંધીનગર 18.1 mm, ખેડા 11.2 mm, મહીસાગર 11.2 mm, મહેસાણા 28.2 mm, નર્મદા 23.5 mm, નવસારી 4.9 mm, પંચમહાલ 9.1 mm, પાટણ 28 mm, સાબરકાંઠા 36.5 mm, સુરત 16.6 mm, તાપી 18 mm, વડોદરા 2.3 mm, વલસાડ 10.9 mm, અમરેલી 63 mm, ભાવનગર 26.9 mm, બોટાદ 44.9 mm, દેવભૂમિ દ્વારકા 9.9 mm,  ગીર સોમનાથ 15.9 mm, જામનગર 23.6 mm,  જૂનાગઢ 32.4 mm, કચ્છ 37.9 mm, મોરબી 16 mm, પોરબંદર 12.9 mm, રાજકોટ 40.9 mm, વરસાદ થયો છે.

બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ
ધાનેરાના બોર્ડર વિસ્તારમાં સતત અઠવાડિયાથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા કમોસમી વરસાદ પડ્યો હતો. ધાનેરાના માલોતરા, શેરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. ભર ઉનાળે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ભારે પવન સાથે વરસાદ વરસતા બાજરી સહિતના ઉનાળુ પાકને નુકસાનની ભીતિ છે.

 

અરવલ્લીમાં પણ કમોસમી વરસાદ પડ્યો 
મેઘરજમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું છે. વાવાઝોડામાં હોલ્ડીંગ ધરાસાયી થયા છે. ફ્રુટની લારી પર હોલ્ડીંગ પડ્યું હતું. જો કે, હોલ્ડિંગ પડતા કોઈ જાનહાની થઈ નથી.

આ પણ  વાંચો- ખેડૂતો માટે મોટા સમાચાર! માવઠાથી થયેલા નુકસાન અંગે સરકારે સહાયની કરી જાહેરાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Whatsapp share
facebook twitter