CHHOTA UDEPUR : છોટા ઉદેપુર (CHHOTA UDEPUR) જીલ્લામાં વિકસેલ શ્રી આદિવાસી મહિલા વિકાસ બચત અને ધિરાણ સહકારી મંડળી લીમીટેડ” થકી ગીતાબહેન જેવી અનેક મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યા છે. ઘરની બહાર ન નિકળનારી મહિલાઓ આજે કમ્પ્યુટર પર સભાસદોની એન્ટ્રી કરી મંડળીનો હિસાબ રાખે છે, તો બીજી તરફ સમાજમાં મહિલાઓને પોતાની નાની નાની બચતોને યોગ્ય જગ્યાએ રોકાણ કરી પગભર બનતા શીખવે છે.
નાની બચતને નવુ સ્વરૂપ આપ્યું
સ્ત્રીના પાલવે બાધેલી ગાંઠ કે તેના રસોઈ ઘરના ચા ખાંડના ડબ્બા રાખેલી તેની નાની બચત પરિવારને સંકટ સમયે મદદરૂપ થતી હોય છે. સમયના પરિવર્તન સાથે સ્ત્રીઓએ પોતાની નાની બચતને નવુ સ્વરૂપ આપ્યું છે. શહેરી વિસ્તારમાં મહિલા બેન્ક તો ગ્રામ્ય વિસ્તારમાં સખી મંડળો તેમજ આદિવાસી વિસ્તારમાં “શ્રી આદિવાસી મહિલા વિકાસ બચત અને ધિરાણ સહકારી મંડળી લીમીટેડ” કાર્યરત છે.
સંકટ સમયમાં મદદરૂપ થાય
આ વાત છે છોટાઉદેપુર જિલ્લાના વનાર ગામના ગીતાબહેન રાઠવાની ડોન બોસ્કોમાં ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરેલ ગીતાબહેન આજે છોટાઉદેપુરમાં “શ્રી આદિવાસી મહિલા વિકાસ બચત અને ધિરાણ સહકારી મંડળી લીમીટેડ” ચલાવે છે. ગીતાબહેન સાથે વાત કરતા જાણવા મળ્યુ કે તેઓ ૨૦૨૧માં “મહિલા સશક્તિકરણ” પ્રોજેકટ અંતર્ગત રાજપીપળા સમાજ સેવા મંડળમાં જોડાયા હતા. આ મંડળ દક્ષિણ વનબંધુ વિસ્તારમાં મહિલાઓને નાની નાની બચત એકત્ર કરી સંકટ સમયમાં તેમને મદદરૂપ થાય છે. આ મંડળીના કુલ ૧૪ કેન્દ્રો પૈકી છોટાઉદેપુર,પાવીજેતપુર અને નસવાડી આમ ત્રણ કેન્દ્રો છોટાઉદેપુર જિલ્લામાં કાર્યરત્ત છે. આ ત્રણ કેન્દ્રો પૈકી નસવાડી તાલુકાનું કેન્દ્ર અગ્રસ્થાને છે. આ સહકારી મંડળીમાં ૧૫૦૦ મહિલાઓ સભ્યપદ ધરાવે છે અને તેમની બચત લગભગ રૂપિયા ૨૦ લાખ છે.
બચત પર વર્ષનું ૪ ટકા વ્યાજ
આદિવાસી મહિલાઓ “શ્રી આદિવાસી મહિલા વિકાસ બચત અને ધિરાણ સહકારી મંડળી લીમીટેડ”માં રૂપિયા ૧૧૦ ભરી સભ્યસદ મેળવી શકે છે. હાલ છોટાઉદેપુર કેન્દ્રમાં ૧૦૦૨ મહિલાઓ સભાસદ છે. જેમની બચત લગભગ રૂપિયા ૪ લાખની આસપાસ છે. મહિલાઓ પોતાની અનુકુળતા મુજબ બચત કરી પૈસા જમા કરાવે છે. મહિલાઓ રૂપિયા ૧૦૦ થી ૧૦૦૦ સુધીની બચત જમા કરાવી શકે છે. એક વર્ષ સુધી મહિલાઓ બચત કરે છે. આ એક વર્ષની બચત પર મહિલાઓને ધિરાણ કરવામાં આવે છે. આ સહકારી મંડળી મહિલાઓને તેમની બચત પર વર્ષનું ૪ ટકા વ્યાજદર આપે છે. જ્યારે ધિરાણ પર વર્ષના ૧૫ ટકા લેખે વ્યાજ લેવામાં આવે છે.
બિયારણ-ખાતર લેવા નાની બચત મદદરૂપ
આદિવાસી વિસ્તારમાં મહિલાઓ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલી છે. ખેતરમાં જ્યારે વાવણી કરવી હોય ત્યારે બિયારણ અને ખાતર લેવા માટે તેમને આ નાની બચત મદદરૂપ થાય છે. વનબંધુ મહિલાઓ પોતાની નાની બચતથી સ્વાવલંબી બની છે. પોતાના બાળકોના ઉજળા ભવિષ્ય માટે સારૂ શિક્ષણ આપવામાં આ બચતનો ઉપયોગ કરે છે. આ નાની બચત કરીને કાચા મકાનમાંથી પાકા મકાન બનાવે છે. અચાનક આવી ગયેલી માંદગી સમયે નાની બચત તેમને આર્થિક રીતે મદદરૂપ બને છે. આમ, આજે મહિલા સશક્તિકરણ પ્રોજેકટ થકી આદિવાસી મહિલાઓ સમાજની મુખ્ય ધારામાં જોડતી થઇ છે. સલામ છે આ આદિવાસી મહિલાઓને કે જેઓ નાની બચત થકી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહી છે.
અહેવાલ – તૌફીક શેખ, છોટાઉદેપુર
આ પણ વાંચો — SABARKANTHA : સાબરડેરીની દૂધ ઉત્પાદકોને રૂ.602 કરોડ ચૂકવશે