અહેવાલ -સાગર ઠાકર , જૂનાગઢ
જૂનાગઢ શહેરના બાયપાસ એવા જેતપુર સોમનાથ નેશ્નલ હાઇવેનું હજુ ભલે વિધિવત લોકાર્પણ થયું નથી પરંતુ કાર્યરત થઈ ગયો છે, શહેરની ટ્રાફીક સમસ્યા હલ કરવા નેશ્નલ હાઈવે બની ગયા પરંતુ હવે આ હાઈવે ખેડૂતો માટે માથાના દુઃખાવા સમાન બન્યો છે. તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે નેશ્નલ હાઈવે પરના ખેતરોમાં પાણી તો ભરાયા હતા જે ઓસરી ગયા છે પરંતુ તેની સાથે જમીનનું ધોવાણ પણ થયું, ખેતી પાકોની નુકશાનીનું વળતર મળે છે પરંતુ જમીન ધોવાણના વળતર માટે કોઈ જોગવાઈ ન હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, આમ પણ હાઈવે પરના ખેતરમાં જવા માટે રસ્તાની સમસ્યા ઉભી છે તેવામાં જમીનનું ધોવાણ થતાં ખેડૂતોને પાક સાથે જમીનનું પણ નુકશાન થઈ રહ્યું છે.
જેતપુર સોમનાથ નેશ્નલ હાઇવેના કારણે જૂનાગઢ તાલુકાના 10 ગામના 275 જેટલા ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, જૂનાગઢ તાલુકામાંથી પસાર થતાં હાઈવે માં 19.60 કી,મી, જૂનાગઢ બાયપાસનો સમાવેશ થાય છે, જ્યારે જમીન સંપાદન થઈ ત્યારે ખેડૂતોની ખેતરમાં જવાના રસ્તા બાબતે રજૂઆત હતી પરંતુ હાઈવે કાર્યરત થઈ ગયો હોવા છતાં ખેડૂતોને ખેતરમાં જવા માટેના રસ્તાની સમસ્યા હજુ હલ થઈ નથી.
જે તે સમયે પોતાના ખેતરમાંથી નેશ્નલ હાઈવે પસાર થતાં ઘણાં ખરાં ખેડૂતોના ખેતરો બે ભાગમાં વહેંચાઈ ગયા, વળી રસ્તાનું લેવલ ઉંચું થઈ જતાં ખેડૂતોને પોતાના ખેતરમાં જવાની સમસ્યા છે, હાઈવેની બન્ને બાજુએ વરસાદી પાણીના નિકાલ માટેની જે વ્યવસ્થા હોવી જોઈએ તે હજુ થઈ નથી, તાજેતરમાં ભારે વરસાદ પડ્યો જેનું પાણી હાઈવેની આસપાસના ખેતરોમાં ફરી વળ્યું જેથી મગફળીના પાકને નુકશાન થયું એટલું જ નહીં હાઈવેની બન્ને બાજુએ પાણી નિકાલની વ્યવસ્થા નહીં હોવાથી રસ્તાની બન્ને બાજુએ જે ભરતી કરવામાં આવી હતી તેનું ધોવાણ થયું અને આસપાસના ખેતરોમાં ફરી વળી તેથી હાલ ખેતરોમાં ખેતરની માટીના બદલે મોટા પથ્થરો અને ઘુળ જોવા મળે છે, ગટરો નહીં હોવાને કારણે ખેતરોની જમીનનું ધોવાણ થઈ ગયું એટલે ખેડૂતોને ખેતી પાકની નુકશાની સાથે જમીનના ધોવાણની પણ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
નેશ્નલ હાઈવે પર આવતાં જૂનાગઢ તાલુકાના ગામો
- ગલીયાવાડા
- વિરપુર
- વધાવી
- નાંદરખી
- કોયલી
- શાપુર
- સુખપુર
- સરગવાડા
- વડાલ
આ તમામ ગામના અંદાજે 275 જેટલા ખેડૂતોના ખેતર નેશ્નલ હાઈવે પર આવેલા છે જેઓને હવે ખેતી કેમ કરવી તે પ્રશ્ન ઉભો થયો છે.
જમીનના ધોવાણ અંગે વળતર ચૂકવવાની કોઈ જોગવાઈ નથી
સરકાર તરફથી ખેતી પાકોમાં થયેલી નુકશાની બદલ ખેડૂતોને વળતર ચૂકવવમાં આવે છે. પરંતુ જમીનના ધોવાણ અંગે વળતર ચૂકવવાની કોઈ જોગવાઈ નથી તેથી જમીનના ધોવાણનો ખર્ચ ખેડૂતોને માથે આવે છે. આમ હાઈવે ઓથોરીટીની ભૂલના કારણે ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ખેડૂતોની માંગ છે કે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે, આ અંગે ખેડૂતોએ અનેક રજૂઆતો કરી છે પરંતુ હાઈવે ઓથોરીટી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને તેથી જ અહીંના ખેડૂતો આ મુદ્દે લાચાર બની ગયા હોય તેવી સ્થિતિમાં મુકાયા છે ત્યારે સરકાર દ્વારા વહેલીતકે ખેડૂતોના હિતમાં કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
આપણ વાંચો-રાજુલાનો ધાતરવડી-2 ડેમ થયો ઓવરફ્લો, નીચાણવાળા 10 ગામને કરાયા એલર્ટ