+

BJP ના નેતા-કાર્યકરો સામે ગુજરાત પોલીસ ફરિયાદ લેતા કેમ ડરે છે ?

BJP : અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે બનેલી પથ્થરમારાની ઘટનામાં પોલીસે BJP ના કાર્યકરો સામે ગુનો નોંધવામાં દેખીતી રીતે પાછી પાની કરી હતી. રાહુલ ગાંધી (Rahul Gandhi) ની અમદાવાદ મુલાકાતની…

BJP : અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે બનેલી પથ્થરમારાની ઘટનામાં પોલીસે BJP ના કાર્યકરો સામે ગુનો નોંધવામાં દેખીતી રીતે પાછી પાની કરી હતી. રાહુલ ગાંધી (Rahul Gandhi) ની અમદાવાદ મુલાકાતની જાહેરાત થતાં પોલીસ કમિશનર જી. એસ. મલિક (G S Malik) ને ભાજપ કાર્યકરો સામે ગુનો નોંધવા આદેશ આપવાની ફરજ પડી હતી. શાસક પક્ષના નેતા-કાર્યકરો સામે કાર્યવાહી કરવામાં ગુજરાત પોલીસ (Gujarat Police) ના ઉચ્ચ IPS અધિકારીઓ નબળા પૂરવાર થયા છે. સુરત શહેરના બિલ્ડરનું અપહરણ કરી લાખો રૂપિયાના ચેક-લખાણ મેળવી લેનારા ભાજપના કોર્પોરેટર અમિત રાજપૂત ભૂર્ગભમાં ઉતરી ગયો છે. અમિત રાજપૂત સામે પૂરાવાઓ સાથે બબ્બે અરજી કરવામાં આવી હોવા છતાં સુરત પોલીસ કાર્યવાહી નહીં કરી આક્ષેપિતને છાવરી રહી છે. અમદાવાદ, સુરત જેવી સ્થિતિ આખા રાજ્યમાં છે. BJP નેતા-કાર્યકર સામે કાર્યવાહીથી કેમ ડર લાગે છે પોલીસ અધિકારીઓને. વાંચો આ અહેવાલમાં…

બિલ્ડરનું અપહરણ અને સાક્ષીને ધમકી છતાં FIR નહીં

સુરત શહેર પોલીસ (Surat City Police) ભારતીય જનતા પાર્ટીને નતમસ્તક છે. ગંભીર આક્ષેપો અને ઘટનાને સમર્થન આપતા પૂરાવા હોવા છતાં સુરતની ગોડાદરા પોલીસે (Godadara Police) બિલ્ડર પ્રમોદ ગુપ્તાની ફરિયાદ નોંધવાના બદલે માત્ર અરજી લીધી છે. માથાભારે શખસો સાથે આવેલા BJP Councillor અને શાસક પક્ષના પૂર્વ નેતા અમિત રાજપૂતે નાણાકિય વિવાદમાં બિલ્ડર પ્રમોદ ગુપ્તાનું અપહરણ કર્યું હતું. કોર્પોરેટર અમિત રાજપૂતે પ્રમોદ ગુપ્તાને પોતાની ઑફિસમાં ગોંધી રાખી લાખો રૂપિયાના ચેક અને કાર પડાવી લઈ રોકડા લૂંટી લીધા હોવાનો આરોપ છે. જૂની તારીખના સ્ટેમ્પ પેપર પર લખાણ પણ કરાવી લીધું છે. આ ઘટનાને સમર્થન આપતા CCTV ફૂટેજ અને સાક્ષી હોવા છતાં ગોડાદરા પોલીસે ફરિયાદ નોંધવાની ના પાડી દીધી. બીજી તરફ અપહરણ-લૂંટ કેસના સાક્ષી અમિત શર્માને અમિત રાજપૂતે વૉટ્સએપ કોલ કરીને ધમકી આપતા ઉધના પોલીસે (Udhana Police) પણ FIR નોંધવાના બદલે અરજી લઈને તપાસ આરંભી છે.

ભાજપના નેતાના ઇશારે નાચે છે પોલીસ

પૂરાવા ના હોવા છતાં ફરિયાદ-ધરપકડની કાર્યવાહી કરતી પોલીસ ભાજપના નેતાના ઇશારે નાચે છે. સુરત શહેરમાં પણ આવી જ સ્થિતિ છે. અમિત રાજપૂત ભાજપના કેન્દ્રીય નેતાની ટુકડીમાં સામેલ છે અને એટલે જ તેની સામે કાર્યવાહી કરવાથી પોલીસ ડરી રહી છે. બિલ્ડરના અપહરણ (Builder Kidnapping) નો મામલો મીડિયામાં ચમકતા ભૂર્ગભમાં ઉતરી ગયેલા અમિત રાજપૂત પોલીસને જરા સરખો પણ ડર નથી અને તેથી તેણે સાક્ષીને ફોન કરી ધમકી આપી છે.

કૉંગ્રેસ કાર્યકર જેલમાં, ભાજપ કાર્યકર મામલે તપાસ ચાલુ

રાહુલ ગાંધીએ સંસદમાં આપેલા નિવેદન બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ ગત 2 જુલાઈની વહેલી પરોઢ પહેલાં પાલડી સ્થિતિ રાજીવ ગાંધી ભવનમાં રાહુલ ગાંધીના ફોટા પર કાળો કલર લગાવી, કૉંગ્રેસના ઝંડા અને પોસ્ટરો ફાડ્યા હતા. આજ દિવસે બપોરે ચારેક વાગે BJP VHP કાર્યકરો કૉંગ્રેસ ભવન ખાતે ફરી વિરોધ કરવા પહોંચ્યા હતા અને પોલીસની હાજરીમાં બંને પક્ષોના કાર્યકર-નેતાઓએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. એલિસબ્રિજ પોલીસે (Ellisbridge Police) પથ્થમારાની ઘટનામાં 2 જુલાઈની રાતે એક ફરિયાદ સરકાર તરફે નોંધી હતી. બીજી ફરિયાદ ભાજપ યુવા મોરચા પ્રમુખ અમદાવાદ વિનય દેસાઈ (Vinay Desai) એ નોંધાવી હતી. ફરિયાદમાં વિનય દેસાઈની ઘટના સ્થળે ઉપસ્થિતિ હોવા છતાં અમદાવાદ શહેર કૉંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે (Himmatsinh Patel) નોંધાવેલી ફરિયાદમાં વિનયના નામનો ઉલ્લેખ નથી. આ ઉપરાંત ભાજપ-કૉંગ્રેસે નોંધાવેલી ફરિયાદમાં અનેકના આરોપીઓના નામ છુપાવવાનો ખેલ ખેલાયો છે. વાસણા પીઆઈ આર. એન. પટેલ (PI R N Patel) ને તપાસ મામલે પૂછતાં ભાજપના એક પણ આરોપી કાર્યકરની ધરપકડ કરાઈ નથી અને તપાસ ચાલુ છે તેમ જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, કૉંગ્રેસના 5 કાર્યકર હાલ જેલવાસ ભોગવી રહ્યાં છે.

કમિશનરે કેમ FIR નોંધવા આપ્યો આદેશ ?

તથ્યહીન ઘટનામાં ખંડણીની ફરિયાદ દાખલ કરી કથિત આરોપીની ધરપકડ કરવાનો આદેશ કરનારા અમદાવાદ પોલીસ કમિશનર (Ahmedabad CP) જ્ઞાનેન્દ્રસિંઘ મલિક ભાજપથી ડરે છે. રાજીવ ગાંધી ભવન ખાતે 2 જુલાઈની વહેલી પરોઢે બનેલી ઘટના અને બપોરે થયેલા પથ્થરમારાના બનાવની ફરિયાદના ક્રમ અને વિલંબે અમદાવાદ પોલીસ (Ahmedabad Police) ની પોલ ખોલી નાંખી છે. ન્યૂઝ ચેનલો પ્રસારિત થયેલા પથ્થરમારાના દ્રશ્યો અમદાવાદ પોલીસ કમિશનરથી લઈને કૉન્સ્ટેબલ સુધીના સૌ કોઈએ જોયા હતા છતાં એક તરફી કાર્યવાહી કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ અમદાવાદ આવવાની જાહેરાત કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને ઘટનાના 48 કલાક બાદ ભાજપ કાર્યકરો (BJP Workers) સામે ફરિયાદ નોંધી હતી.

મલાઈદાર સ્થાનેથી હટવાનો સૌથી મોટો ડર

શાસક પક્ષની તરફેણ નહીં કરનારા પોલીસ અધિકારીઓ હાંસિયામાં ધકેલાઈ ગયા હોવાના અનેક દાખલાઓ છે. ન્યાયિક કાર્યવાહીમાં માનનારા પોલીસ અધિકારીઓ લગભગ હવે ખાતામાં રહ્યાં નથી. નેતાઓની ખુશામત કરીને IPS અધિકારીઓ મલાઈદાર નિમણૂક મેળવે છે. રાજ્યનું કોઈ શહેર હોય કે, જિલ્લો તેમાં થતી PI PSI ની નિમણૂક પણ રાજકીય ભલામણથી થાય છે. વર્ષોથી ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ “જેની સરકાર તેની ભક્તિ” ના મંત્ર પર કાર્યરત છે.

આ પણ વાંચો – Kutch East : ફરાર નીતા ચૌધરી નેતાની મદદથી છુપાઈ, અન્ય સ્થળે પોલીસની શોધખોળ

આ પણ વાંચો – GST Scam : બુકીઓ, આંગડીયા પેઢીઓ અને હવાલા ઓપરેટરોના “અચ્છે દિન” ખતમ ?

Whatsapp share
facebook twitter