+

BHAVNAGAR : રૂપાલા મામલે યુવરાજ જયવિરરાજસિંહે કહ્યું, “વ્યક્તિના શબ્દો તેના સંસ્કાર બહાર લાવે, હું ભુલીશ નહી”

BHAVNAGAR : કેન્દ્રિય મંત્રી અને ભાજપ (BJP) ના રાજકોટ બેઠક પરથી લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા (PARSHOTTAM RUPALA) એ રાજપુત સમાજ વિરૂદ્ધ કરેલી ટીપ્પણીનો વિવાદ શમવાનું નામ નથી લઇ રહ્યો. આ…

BHAVNAGAR : કેન્દ્રિય મંત્રી અને ભાજપ (BJP) ના રાજકોટ બેઠક પરથી લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા (PARSHOTTAM RUPALA) એ રાજપુત સમાજ વિરૂદ્ધ કરેલી ટીપ્પણીનો વિવાદ શમવાનું નામ નથી લઇ રહ્યો. આ મામલે માફી માંગ્યા બાદ પણ તેઓને ઠેર ઠેર વિરોધ જારી છે. ત્યારે આજે સમગ્ર મામલે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે ગુજરાત ફર્સ્ટ (GUJARAT FIRAT) સાથે ખાસ વાત કરી છે. અને રૂપાલાનો વિરોધ સહિત અનેક મામલે પોતાનો સંતુલિત પક્ષ લોકો સામે મુક્યો છે.

યુદ્ધભુમિમાં રાજપુતો-મહારાજાઓએ બલિદાન આપ્યા

ભાવનગરના રાજવી પરિવારના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, લોકસભાની ચૂંટણી અને રૂપાલાની ટીપ્પણી બે અલગ મુદ્દાઓ છે, એક પ્રશ્ન લોકતંત્રનો અને આવનારી ચૂંટણીનો અને બીજો પ્રશ્ન સમાજના ઇતિહાસ સાથે ખીલવાડનો છે. લોકશાહીમાં ચૂંટણી ટાણે ભાવનગર શહેર-જિલ્લાની આર્થિક પરિસ્થિતી, શૈક્ષણિક પરિસ્થીતી અને રોજગારની પરિસ્થિતી પર ચર્ચા થવી જોઇએ. રૂપાલા સિનિયર સિટીઝન છે, કેન્દ્રિય મંત્રી છે, અનુભવી વ્યક્તિ છે. અમે અન્ય સામાજીક કાર્યક્રમોમાં તેમને મળવાનું થયું છે. ત્યારે તેમણે મારા પૂર્વજો પ્રત્યે અને રાજપુત સમાજ માટે સારી વાત જ કરી છે. હું પોતે આશ્ચર્ય ચકિત હતો જે તેમણે કહ્યું તે સાંભળીને. જે બે શબ્દો છે બેટી અને રોટી. હું તમારી ચેનલ દ્વારા તમામને કહેવા માંગુ છું કે, ઘરમાં ખાવા માટે રોટી અને સુખી, સુરક્ષીત અને સલામત બેટી એટલે હતી કે યુદ્ધભુમિમાં રાજપુતો-મહારાજાઓએ બલિદાન આપ્યા છે. રૂપાલા આ ક્યારે ભુલે નહિ, તે વાત યાદ રાખે.

માફી પ્રમુખ-આગેવાનો-હોદ્દેદારો વચ્ચે માંગો

યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ કહે છે કે, રૂપાલાના શબ્દો માફીને લાયક છે કે નહિ તે હું નથી કહી શકતો, કારણ કે માફી આપવાવાળો ઉપરવાળો મહાદેવ છે. મારી એ જ અપીલ છે કે, આપ અગર માફી માંગવા માંગો છો, સમાજના પ્રતિનિધીઓ, સમાજ સંચાલિત સંસ્થાના પ્રમુખ-આગેવાનો-હોદ્દેદારો વચ્ચે માંગો.

પક્ષ સાથે કોઇ વાંધો કે લગાવ નથી

તાજેતરમાં ગોંડલમાં જયરાજસિંહને ત્યાંની ફાર્મહાઉસ મુલાકાત અને માફી અંગે જયવીરરાજસિંહ ગોહિલનું કહેવું છે કે જયરાજસિંહ સમાજના અગ્રણી છે. જ્યાં સુધી તેને લઇને વાત થઇ તે મુજબ તે ચોક્કસ લોકો વચ્ચેનું સમાધાન હતું. તે સમાજના પ્રતિનિધી કોઇ ન હતા. સમાજ સાથે માફી મંગવી હોય તો પ્રમુખો સાથે ચર્ચા કરો. મારા માટે સૌથી પહેલું એ વાતનું ખોટું લાગે છે કે, લોકો આને ભાવનાનો એક મુદ્દો બનાવી દીધો છે. 140 કરોડનો દેશ છે, દરેકની ભાવના કેવી રીતે જાળવીને રાખશો. મારા માટે આ ભાવનાની વાત નથી, ઇતિહાસ સાથેનો ખીલવાડ છે. આજથી 5 – 10 વર્ષની વાત જુઓ. રાજપુત સમાજ સાથે જે સોશિયલ એન્જિનીયરીંગ કરવામાં આવે છે તે ખોટું છે. તેની વાત થવી જોઇએ. કોઇ પણ પક્ષ સાથે કોઇ વાંધો કે લગાવ નથી. મને લગાવ ભાવનગરના નગરજનો સાથે છે.

બેટી-રોટી શબ્દો હલકા

જયવીરરાજસિંહ ગોહિલ જણાવે છે કે, આ કિસ્સાઓથી ગુસ્સો આવે છે, લોકશાહી છે કાયદા-કાનુનને સાથે રાખીને ચાલવું જોઇએ. તમામને એટલુ જ કહીશ કે તમે કયા સિદ્ધાંતો અને કયા વિવેકથી વાત કરો છો તેનું ધ્યાન રાખજો. રાજપુતની પરંપરા જાળવીને રાખવું જરૂરી છે. બેટી-રોટીના શબ્દો હલકા શબ્દો છે. આ શબ્દો હું ભુલીશ નહી. ભવિષ્યમાં અન્ય વ્યક્તિ સમાજ પ્રત્યે શું વિચારે તે ધ્યાન રાખીશ. કોઇ એક વ્યક્તિમાં એટલો પાવર નથી કે સમાજનું અપમાન કરી શકે, વ્યક્તિ વાત કરે, તેના શબ્દો, તે વ્યક્તિના સંસ્કાર બહાર લાવે છે.

સમાજના અન્ય વિકાસ, પ્રગતિના કામોમાં પણ એકતાની જરૂર

જયવીરરાજસિંહ ગોહિલ ઉમેરે છે કે, અંગ્રેજી ભાષામાં એક શબ્દ છે આઇ ડોન્ટ કેર, મને રૂપાલાને ટીકીટ મળે કે ન મળે કોઇ ફેર નથી પડતો. હું સમાજ માટે કામ કરીશ. રૂપાલાના નિવેદન સમાજના યુવાનો અવાજ ઉઠાવી રહ્યા છે. સમાજે એક થઇને વિરોધ દર્શાવ્યો છે. તે સારી વાત છે. આ જનુન સમાજના અન્ય વિકાસ, પ્રગતિના કામોમાં પણ આ એકતાની જરૂર છે. રાજપુત યુવાનોને રોજગાર મળે, યુવાનો અન્ય ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે ઉદ્દેશ્ય હોવો જોઇએ.

ઘમંડ કોઇ પણ રાજકીય વ્યક્તિઓમાં આવે તે સારૂ ન કહેવાય

જયવીરરાજસિંહ વધુમાં ઉમેરે છે કે, વિરોધ કરવાનો હક છે. શબ્દો જ એવા હતા કે કોણ વિરોધ ન કરે, જે રાજપુતો વિરોધ નથી કરતા, અથવા આના સમર્થનમાં છે, તે કલંક કહેવાય. હું પણ વિરોધ કરું છું, મને નથી લાગતું કે બધા વિષયોને સોશિયલ મીડિયામાં મુકવાની જરૂર છે. આવા શબ્દો ઉપયોગ કરનાર વ્યક્તિને હું માન-સન્માન નહિ આપું. મારા પરિવારના સંસ્કાર યાદ રાખીશ, તેઓ વડીલ છે, અપમાન નહિ કરું. તેમનું નિવેદન જરા પણ યોગ્ય નથી. ઘમંડ કોઇ પણ રાજકીય વ્યક્તિઓમાં આવે તે સારૂ ન કહેવાય. લોકશાહીમાં યુવાનોને ખાસ કહેવોનું કે, લાયક હોય તેને મત આપો.

આ પણ વાંચો —BANASKANTHA : કોંગ્રેસના ગઢમાં ગાબડું જારી

 

Whatsapp share
facebook twitter