+

પરિવારનું વોટ્સએપ ગ્રૂપ તમને સુખી કરે છે કે દુઃખી?

સોશિયલ મીડિયાના આ સમયમાં અનેક પરિવારો એક તાંતણે બંધાયા છે. વર્ષો જૂના મિત્રો અચાનક સોશિયલ મીડિયાના કેટલાક પ્લેટફોર્મ પર મળી જાય છે. ક્યાંક લાગણીના તાર બંધાય છે તો ક્યાંક આ તાર બંધાયા પછી બંધનરુપ લાગવા માંડે છે. થોડાં દિવસો પહેલાં ક્યાંક વાંચ્યું કે, પરિવારને પ્રેમ કરો છો તો વોટ્સએપ ગ્રૂપ લેફ્ટ કરી દો. તમને તમારો પરિવાર ગમતો હોય, પરિવારના સભ્યો વહાલા હોય તો એમની સાથે એક પ્લેટફોર્à
સોશિયલ મીડિયાના આ સમયમાં અનેક પરિવારો એક તાંતણે બંધાયા છે. વર્ષો જૂના મિત્રો અચાનક સોશિયલ મીડિયાના કેટલાક પ્લેટફોર્મ પર મળી જાય છે. ક્યાંક લાગણીના તાર બંધાય છે તો ક્યાંક આ તાર બંધાયા પછી બંધનરુપ લાગવા માંડે છે. થોડાં દિવસો પહેલાં ક્યાંક વાંચ્યું કે, પરિવારને પ્રેમ કરો છો તો વોટ્સએપ ગ્રૂપ લેફ્ટ કરી દો. તમને તમારો પરિવાર ગમતો હોય, પરિવારના સભ્યો વહાલા હોય તો એમની સાથે એક પ્લેટફોર્મ પર વર્ચ્યુઅલી જોડાયેલા રહેવા કરતાં વન ટુ વન સંબંધ રાખો. એ પરિવાર અને તમારા બંને માટે લાંબે ગાળે આશીર્વાદ સમાન બની રહેશે.  
પરિવાર… એ એક શબ્દ નથી પણ સંબંધોનો સરવાળો છે. વોટ્સએપ ગ્રૂપમાં અલગ અલગ દેશમાં વસેલાં પરિવારજનો એકઠાં થાય ત્યારે શરુઆતના ગાળામાં તો હરખ અને લાગણીઓનો સમુદ્ર ઘૂઘવતો હોય છે. બાદમાં કોઈની પોસ્ટ સામે કોઈને વાંધો પડે છે તો કોઈના ફોરવર્ડ્ઝ ઇરિટેટ કરે છે. પરિવારમાં સાથે રહેતા હોય તો પણ દરેક વ્યક્તિ સાથે ભાગ્યે જ સંબંધ એકસરખો રહેતો હોય છે. એ  જ રીતે સોશિયલ મીડિયા પર એક પ્લેટફોર્મ પર પરિવાર સાથે હોય તો એમાં પણ બધાં લોકોનો એકબીજા સાથે સંબંધ એકસરખો નથી રહેતો.  
પરિવારમાં નવી વહુ આવે કે દીકરીને પરણાવ્યા પછી જમાઈ પરિવારનો સભ્ય બને એટલે તરત જ એને વોટ્સએપ ગ્રૂપમાં ઉમેરી દેવાય છે. એક જ પરિવારના અનેક સભ્યો સાથે હોય ત્યાં ભાતભાતના મેસેજ સતત રણકતાં રહે છે. કોઈને અનુકૂળ હોય એ પ્રતિભાવ આપે કોઈ ગ્રૂપને સાયલન્સ મોડમાં મૂકી દે. તો કોઈ મેસેજને અવગણે છે. આપણે જેમને આદર્શ સમજતાં હોય, જેમને આપણે નાનપણમાં જ્ઞાનનો ભંડાર સમજ્યા હોય એવા વડીલો વાંચ્યા વગર કેટલાંક ફેક ન્યૂઝ ફોરવર્ડ કરે ત્યારે ખરેખર આપણી અંદરની એક કાલ્પનિક આદર્શની છબી એકદમ જ તૂટી જાય છે. પરિવારના ગ્રૂપમાં અલગ અલગ ઉંમરના લોકો રહેવાના. બધાંની પ્રાયોરિટીઝ જુદી જુદી હોવાની. આથી ઘણીવખત કોઈ ખૂબ જ વાતો કરનારું હોય તો કોઈ સભ્ય સાયલન્ટ મોડમાં જ રહેવાનું પસંદ કરે છે. ધરાર જોડાઈ રહેવું એ કરતાં છોડી દેવું સારું. એમાંય વોટ્સએપ ગ્રૂૂપ હોય ત્યારે તો ખાસ.  
પરિવારમાં દેરાણી-જેઠાણી, નણંદ કે માસી, મામી કે પછી સંબંધમાં કોઈ પણ વ્યક્તિ હોય એમની વચ્ચે ક્યાંક દેખાડાની વાત આવી જાય ત્યારે પણ સમસ્યા સર્જાય છે. કંઈ એવોર્ડ મળે, સ્પર્ધામાં ક્યાંક ઈનામ મળે, શાળા-કોલેજના પરિણામોથી માંડીને કોઈ કળામાં માહેર હોય તો એ વિશેનું અપડેટ ફેમિલીના ગ્રૂપમાં મૂકવું બહુ સહજ હોય છે. પરંતુ, આ વાતને બધાં સરળતા અને સહજતાથી નથી લેતાં હોતા. પરિવારમાં બાળકોની પ્રગતિથી બધાં રાજી થાય પણ પરિવારમાં જ્યાં સરખી ઉંમરના બાળકો હોય ત્યાં થોડીઘણી અદેખાઈ આવી જ જવાની છે. જેને બધાં જ સભ્યો એકસરખી રીતે જોવાના નથી. કેટલીક વાતો, ગોસિપ અને ખટપટના સ્ક્રીનશોટ બની જાય અને એ સચવાઈ રહે ત્યારે પણ આપણને દુઃખ થઈ આવે છે.  
પરિવારના વોટ્સએપ ગ્રૂપમાં રહેવું કે ન રહેવું એ વિશે એક વખત વિચારવું જરુરી છે. અલગ અલગ પરિવારોમાં ઉછરેલાં પરિવારજનોના વિચારો ક્યારેય એકસરખાં નહીં હોવાના આથી જ આર્ટ ઓફ એડજસ્ટમેન્ટ થોડું વધુ અઘરું પડે. ત્યારે મતભેદ મનભેદમાં પલટાઈ જતાં વાર નથી લાગતી.   
તમે વોટ્સએપ ગ્રૂપ છોડી દેશો તો તમને પરિવારના પ્રસંગોમાં નહીં બોલાવે? પરિવારમાં કોઈ પાર્ટીનું આયોજન થશે તો તમને અવગણવામાં આવશે? પરિવાર પિકનિક પર જશે તો તમને નહીં ખબર પડે? કોઈને કેવું લાગશે? આવા બધાં વિચારો મનમાં આવે સ્વભાવિક છે. જો કે, આમાંનું કશું જ તમારી સાથે થવાનું નથી એ વાતની તમને અને સામેવાળા બંનેને ખબર છે.  
સૌથી મહત્ત્વની વાત દિલથી જોડાયેલા લોકોને ખરેખર આ પ્રકારના વોટ્સએપ ગ્રૂપથી કંઈ ફરક પડતો હોય છે ખરો? જો તમે પ્રેમથી કે દિલથી જોડાયેલાં છો તો પરિવાર સાથે વાત કરવા માટે તમારી પાસે વોટ્સએપ ગ્રૂપ એક જ સહારો નથી હોતો. દરેક વ્યક્તિનો દરેક વ્યક્તિ સાથે સંબંધ અને લાગણીની તીવ્રતા જુદી જુદી હોવાની છે. એક વોટ્સએપ ગ્રૂપ છોડી દેવાથી લાગણી ઉપરનીચે નથી થઈ જવાની. આથી જ દિલથી જે સંબંધ જીવાતો હોય એને કોઈ પ્લેટફોર્મની ક્યારેય જરુર હોતી નથી.
Whatsapp share
facebook twitter