+

રાજ્યમાં સૌથી ઓછા ખર્ચે પ્રિ મોન્સુન કામગીરી કરવાનો શ્રેય જૂનાગઢ કોર્પોરેશનને..

અહેવાલ—સાગર ઠાકર, જૂનાગઢ જૂનાગઢ મનપા દ્વારા પ્રિ મોન્સુનની કામગીરી શરૂ જર્જરીત મકાનોને નોટીસ આપવામાં આવી શહેરમાં વોકળા નાળાની સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી કોન્ટ્રાક્ટ કે ભાડાને બદલે મનપાના સાધનોથી જ…
અહેવાલ—સાગર ઠાકર, જૂનાગઢ
જૂનાગઢ મનપા દ્વારા પ્રિ મોન્સુનની કામગીરી શરૂ
જર્જરીત મકાનોને નોટીસ આપવામાં આવી
શહેરમાં વોકળા નાળાની સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી
કોન્ટ્રાક્ટ કે ભાડાને બદલે મનપાના સાધનોથી જ કામગીરી
માત્ર પાંચ લાખમાં પ્રિ મોન્સુનની કામગીરી કરતી જૂનાગઢ એકમાત્ર મનપા
ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે જૂનાગઢ મનપા દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના જર્જરીત મકાનોને નોટીસ આપવામાં આવી છે તથા શહેરમાંથી પસાર થતાં વોકળા નાળાની સફાઈ શરૂ કરવામાં આવી છે. સમગ્ર કામગીરી કોન્ટ્રાક્ટ કે ભાડાના સાધનોને બદલે મનપાના સાધનો દ્વારા જ કરવામાં આવી રહી છે અને માત્ર પાંચ લાખ રૂપિયામાં પ્રિ મોન્સુનની કામગીરી કરતી જૂનાગઢ રાજ્યની એકમાત્ર સૌથી ઓછા ખર્ચે પ્રિ મોન્સુન કામગીરી કરતી મનપા બની છે.
60 જેટલી જર્જરીત ઈમારતોને મરામત માટેની નોટીસ
જૂનાગઢ શહેરમાં નવાબીકાળની અનેક ઈમારતો જર્જરીત હાલતમાં છે. દર વર્ષે ચોમાસાં પહેલાં મનપા દ્વારા આવી ઈમારતોના માલિકોને નોટીસ આપવામાં આવે છે કે તેમની ઈમારતની મરામત કરાવે અથવા જર્જરીત ભાગ ઉતારી લેવામાં આવે જેથી કોઈ જાનહાનિ ન થાય, કારણ કે ચોમાસા દરમિયાન જર્જરીત ઈમારતો ધરાશાયી થવાની સંભાવના રહે છે.જર્જરીત ઈમારતો વાવાઝોડા તોફાન અને સતત ભેજના કારણે ઘણી વખત ધરાશાયી થતી હોય છે ત્યારે દુર્ઘટનાને ટાળવા આગમચેતીના ભાગરૂપે જૂનાગઢ મનપા દ્વારા શહેરની 60 જેટલી જર્જરીત ઈમારતોને નોટીસ આપવામાં આવી છે. શહેરમાં 60 જેટલી જર્જરીત ઈમારતોને મરામત માટેની નોટીસ તો આપવામાં આવી છે પરંતુ ક્યાંક મનપાને નોટીસ આપીને સંતોષ માની લેવો પડે તેવી સ્થિતિ સર્જાય છે કારણ કે જૂનવાણી ઈમારતોમાં માલિકીના પ્રશ્નો હોય છે, ભાડૂઆતનો પ્રશ્ન હોય છે તો કોઈ કિસ્સામાં કોર્ટ મેટર હોવાથી મનપા આવી મિલ્કતો સામે કોઈ કાર્યવાહી કરી શકતી નથી અને માત્ર નોટીસ આપીને સંતોષ માની લેવો પડે છે. કેટલાક કિસ્સામાં મનપા જર્જરીત ઈમારત માટે નોટીસ આપે છે પરંતુ માલિકો દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી તેને લઈને ભાડૂઆતને તકલીફ વેઠવાનો વારો આવે છે, ત્યારે જર્જરીત ઈમારતોનું સમારકામ કરવા અંગેની મનપા દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે તો દુર્ઘટના ને ટાળી શકાય.
વોકળા નાળાની સફાઈ કામગીરી શરૂ
જર્જરીત ઈમારતોને નોટીસ ઉપરાંત શહેરના જુદા જુદા વોર્ડમાં આવતાં વોકળા, મોટી ગટરો કે નાળાની સફાઈ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. શહેરમાં 7 મોટા વોકળા અને 20 જેટલા અન્ય નાના વોકળા, નાળા મળીને કુલ 27 વોકળા, નાળા અને ગટરો આવેલી છે. સમગ્ર વર્ષ દરમિયાન તેમાં બાવળ, વેલ અને ઝાડ ઉગી નીકળતા હોય છે અને પાણીનો પ્રવાહ રોકાઈ જતો હોય છે અને વરસાદી પાણીનો પ્રવાહ રોકાઈ જતાં જ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને તેથી જ ચોમાસાં પહેલા આવા વોકળા કે નાળાની સફાઈ જરૂરી હોય છે જેથી વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થઈ શકે.
માત્ર પાંચ લાખ રૂપિયામાં પ્રિ મોન્સુનની કામગીરી 
મનપા દ્વારા બે જેસીબી અને ત્રણ ટ્રેકટર દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી છે જેની બે સુપરવાઈઝર દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. મનપા દ્વારા પ્રિ મોન્સુન સફાઈનો કોઈપણ કોન્ટ્રાક્ટ અપાયો નથી કે કોઈ ભાડાના સાધનો દ્વારા આ કામગીરી કરવામાં આવતી નથી. જૂનાગઢ મનપા પોતાના જ સાધનો દ્વારા આ પ્રિ મોન્સુનની સફાઈ કામગીરી કરી રહી છે. જૂનાગઢ મનપાને આ કામગીરી માટે અંદાજે પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. રાજ્યની કુલ આઠ મહાનગરપાલિકાઓમાં પ્રિ મેન્સુનની કામગીરી કરોડોના ખર્ચે થતી હોય છે ત્યારે જૂનાગઢ એકમાત્ર એવી મહાનગરપાલિકા બની છે કે જે માત્ર પાંચ લાખ રૂપિયામાં પ્રિ મોન્સુનની કામગીરી કરી રહી છે.
રાજ્યમાં સૌથી ઓછા ખર્ચે પ્રિ મોન્સુન કામગીરી કરવાનો શ્રેય
દર વર્ષે ચોમાસામાં ગિરનાર પર્વતમાળામાંથી વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ શહેરમાંથી પસાર થતાં વોકળામાં આવતો હોય છે ત્યારે વોકળાની સફાઈ થવી જરૂરી હોય છે. મનપા દ્વારા દર વર્ષે પ્રિ મોન્સુન કામગીરીના ભાગરૂપે વોકળાની સફાઈ હાથ ધરવામાં આવે છે. આ કામગીરી દરમિયાન શહેરમાં કોઈ જગ્યાએ વરસાદી પાણીનો ભરાવો ન થાય તે માટેની કાળજી લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે છતાં પણ પાણી ભરાઈ તો મનપા દ્વારા તાત્કાલીક પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે છે તેવો મનપા તંત્રનો દાવો છે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછા ખર્ચે પ્રિ મોન્સુન કામગીરી કરવાનો શ્રેય જૂનાગઢ મનપાના ફાળે જાય ત્યારે ચાલુ વર્ષે પાણી ભરાવાના પ્રશ્નો ઉભા થાય છે કે કેમ તે જોવું રહ્યું….
વાહનો ભૂગર્ભ ગટરના ખોદકામ વાળી જગ્યા પર ફસાઈ જાય છે
શહેરમાં ભૂગર્ભ ગટરના કામોને લઈને રસ્તા ખોદી નાખવામાં આવે અને બાદમાં પાઈપલાઈન નંખાઈ ગયા પછી તેને બુરી દેવામાં આવે છે પરંતુ આ ભરતી યોગ્ય રીતે થતી ન હોય અને તેના પર પાકો રસ્તો બનતો ન હોવાથી ગત વર્ષે અનેક વાહનો ભૂગર્ભ ગટરના ખોદકામ વાળી જગ્યા પર ફસાઈ ગયા હતા ત્યારે ગતવર્ષની ઘટનાઓમાંથી મનપા બોધપાઠ લે તે પણ જરૂરી છે. જો કે મનપા દ્વારા સંબંધિત એજન્સીને કામ પૂરૂ કરવા અને પેચવર્ક કરવા માટેની સૂચના કરી છે ત્યારે આગામી ચોમાસાંમાં ભૂવા ન પડે. વાહનો ખાડામાં ન ફસાઈ અને ગુણવત્તા સાથે કામ થાય તે પણ જરૂરી બન્યું છે.
Whatsapp share
facebook twitter