+

VADODARA : ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ સામે આવ્યો

VADODARA : વડોદરાના ઠેકરનાથ મહાદેન મંદિર વિસ્તારમાં સોસાયટીમાં પાણીની સમસ્યાને પગલે લોકોએ વિરોધ નોંધાવ્યો છે. પાણીનો ફોલ્ટ શોધવા માટે પાલિકા તંત્ર દ્વારા ખાડો ખોદી દેવામાં આવ્યો છે. પરંતુ ફોલ્ટ નહિ…

VADODARA : વડોદરાના ઠેકરનાથ મહાદેન મંદિર વિસ્તારમાં સોસાયટીમાં પાણીની સમસ્યાને પગલે લોકોએ વિરોધ નોંધાવ્યો છે. પાણીનો ફોલ્ટ શોધવા માટે પાલિકા તંત્ર દ્વારા ખાડો ખોદી દેવામાં આવ્યો છે. પરંતુ ફોલ્ટ નહિ મળતા સ્થાનિકોને પાણીની મુશ્કેલી પડી રહી છે. લાંબા સમયથી પડતી મુશ્કેલી સામે આજે સ્થાનિકોએ એકત્ર થઇને વિરોધ નોંધાવ્યો છે. અને આ મામલાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે તંત્રને અપીલ કરવામાં આવી છે. ઉનાળાની શરૂઆતમાં જ જો આવી સમસ્યા સામે આવતી હોય, તો ભરઉનાળે સ્થિતી કેવી હશે તેની કલ્પના જ કરવી મુશ્કેલ છે.

સ્થાનિકોની ધીરજ ખુટી

વડોદરા પાસે પાણીનો જથ્થો પર્યાપ્ત માત્રામાં છે. પરંતુ પાલિકા તંત્ર છેવાડાના શહેરવાસી સુધી પાણી સમયસર અને સ્વચ્છ પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું છે. પાણીને લઇને અવાર-નવાર લોકોના મોરચા પાલિકાની કચેરીએ પહોંચે છે. વિરોધ પ્રદર્શન પણ થાય છે. છતાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં સ્માર્ટ સિટીનું તંત્ર નિષ્ફળ રહ્યું છે. આજે વડોદરાના વહીવટી વોર્ડ – 6 માં આવતા ઠેકરનાથ મહાદેવ મંદિર પાસેની સોસાયટીમાં પાણી લાંબા સમયથી નહિ આવતા સ્થાનિકોની ધીરજ ખુટી છે.

કોઇ નક્કર પરિણામ મળ્યું નથી

સ્થાનિકોએ એકત્ર થઇને પાલિકા દ્વારા પાણી આપવામાં નહિ આવવાની વાતનો વિરોધ નોંધાવ્યો છે. અને પોતાને રોજબરોજ પડતી મુશ્કેલી મીડિયા સમક્ષ ઠાલવી છે. સ્થાનિકો જણાવે છે કે, પાણી કેટલાય સમયથી પુરતુ અને સ્વચ્છ નથી આવતું. આ અંગે પાલિકા દ્વારા ખાડો ખોદવામાં આવ્યો છે. પરંતુ તે બાદ પણ કોઇ નક્કર પરિણામ મળ્યું નથી. જેથી સ્થાનિકોને સમસ્યાને લઇ કોઇ રાહત મળી નથી.

ત્રણ દિવસથી ખાડા ખોદીને મુકી રાખ્યા

સ્થાનિકો સર્વે એકત્ર થઇને જણાવે છે કે, એક મહિનાથી પાણીની સમસ્યા છે. આવે છે તો ગંદુ અને ઓછુ આવે છે, હાલ તો આવતું નથી. અમારી સોસાયટીમાં 72 મકાનો છે. પાણી બહારથી લાવવું પડી રહ્યું છે. પાણી ઓછા સમય માટે જ આવે છે. પાલિકા દ્વારા કોઇ સેમ્પલ લેવામાં આવતું નથી. ઘણી તકલીફ પડી રહી છે. નાના બાળકો પણ મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. ત્રણ દિવસથી ખાડા ખોદીને મુકી રાખ્યા છે. બાળકોને શાળાઓ જવા પણ નાહ્યા વગર મોકલવા પડી રહ્યા છે.

અમે ક્યાં જઇએ !

સ્થાનિક મહિલા જણાવે છે કે, મારા પુત્રનું ઓપરેશન કરાવ્યું છે. આ સ્થિતીમાં પાણીની મુશ્કેલી પડી રહી છે. પાણી ક્યાંકથી લાવ્યા બાદ જ તેનો નિત્યક્રમ આગળ વધારી શકાય છે. પૈસા હોય તો બહારથી પાણી લાવીએ. પણ અમે ક્યાં જઇએ !

આ પણ વાંચો — VADODARA : રજાના દિવસે પણ પાલિકાની કચેરી જઇ વેરો ભરી શકાશે, વ્યાજ માફી યોજના 31 માર્ચ સુધી લાગુ

Whatsapp share
facebook twitter