+

VADODARA : બોગસ પાવતી કૌભાંડમાં VMC કર્મી સામે પોલીસ ફરિયાદ

VADODARA : વડોદરા પાલિકા (VADODARA – VMC) ના પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના કર્મચારી અને કોન્ટ્રાક્ટરો દ્વારા એકબીજાના મેળાપીપણામાં આજવા સ્થિત બાગમાં એન્ટ્રી ફી અને પાર્કિંગના ફીની ડૂપ્લીકેટ પાવતીઓ બનાવીને રૂ.…

VADODARA : વડોદરા પાલિકા (VADODARA – VMC) ના પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના કર્મચારી અને કોન્ટ્રાક્ટરો દ્વારા એકબીજાના મેળાપીપણામાં આજવા સ્થિત બાગમાં એન્ટ્રી ફી અને પાર્કિંગના ફીની ડૂપ્લીકેટ પાવતીઓ બનાવીને રૂ. 90 લાખની ઉચાપત કરી હોવાનો કિસ્સો સામે આવતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા તેની તપાસ સોંપવામાં આવી હતી. જે બાદ પાલિકાની ઓડિટ શાખા અને વિજીલન્સ શાખા દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેના અંતે ઉચાપતનો આંક રૂ. 1.36 કરોડ પર પહોંચ્યો હોવાનું સામે આવ્યું હતું. આખરે આ મામલે પાલિકાના જુનિયર ક્લાર્ક દિલીપ ચૌહાણ સામે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી છે. જે બાદ પોલીસે આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રૂ. 90 લાખની ડૂપ્લીકેટ પાવતીઓ બનાવી

સમગ્ર ઘટનાક્રમ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, પાલિકા દ્વારા આજવા ગાર્ડન ખાતે એન્ટ્રી અને પાર્કિંગ ફી ની વસુલાત માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. વર્ષ 2013 – 2014 સુધી રૂ. 53.21 લાખનો કોન્ટ્રાક્ટ દેસાઇ એસોશિયેટ્સને સોંપાયો હતો. વર્ષ 2014 – 2015 સુધીનો કોન્ટ્રાક્ટ રૂ. 60.11 લાખમાં આપવામાં આવ્યો હતો. 2015 – 2016 નો કોન્ટ્રાક્ટ રૂ. 65.91 માં પટેલ સન્સને આપ્યો હતો. દરમિયાન કોન્ટ્રાક્ટરો અને પાર્કસ એન્ડ ગાર્ડન શાખાના કર્મચારી દિલીપ ચૌહાણે એકબીજાના મેળાપીપણામાં રૂ. 90 લાખની ડૂપ્લીકેટ પાવતીઓ બનાવી હતી. અને પાલિકાને ચૂનો ચોપડ્યો હતો.

માહિતી કોમ્પ્યુટરમાં નાંખવામાં આવી

દિલીપ ચૌહાણે કોમ્પ્યુટર સિસ્ટમમાં ગોટાળા કરીને માત્ર સામાન્ય રકમ રૂ. 200 – 500 જમા કરાવીને એક સરખા નંબરવાળી પાવતીઓ બનાવી હતી. સામે કોન્ટ્રાક્ટર દ્વારા રૂ. 4 – 5 લાખ અવાર નવાર જમા કરી હોવાની માહિતી કોમ્પ્યુટરમાં નાંખવામાં આવી હતી. આ રૂપિયા જમા કરાવ્યા બાદ ડૂપ્લીકેટ પાવતી કોન્ટ્રાક્ટર દેસાઇ એસોશિયેટ અને પટેલ સેલ્સને પધરાવી દેવામાં આવી હતી. આટલું મોટું ઉચાપતનું કૌભાંડ સામે આવ્યા બાદ પાલિકાના કર્મચારી દિલીપ ચૌહાણની માત્ર બદલી કરવામાં આવી હતી.

ફરિયાદ અપાઇ

આ સુવ્યવસ્થીત કૌભાંડ સામે આવતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. જેમાં ઓડિટ અને વિજીલન્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આખરે આ અંગે સયાજીગંજ પોલીસ મથકમાં દિલીપ ચૌહાણ (રહે. ચૌહાણ ફળિયુ, દશરથ) સામે લેખિત ફરિયાદ આપવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો — ISRO જાસૂસી કેસમાં પૂર્વ વૈજ્ઞાનિક નમ્બી નારાયણને ફસાવાનું કાવતરું…

Whatsapp share
facebook twitter