+

VADODARA : શિક્ષણ સમિતિમાં સ્થાન જમાવવા લોબિંગ શરૂ

VADODARA : વડોદરા પાલિકા (VADODARA – VMC) ની શિક્ષણ સમિતિના હાલના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ટર્મ 25 જુલાઇના રોજ પૂર્ણ થનાર છે. ત્યારે નવા ચેરમેન અને ઉપાધ્યક્ષ બનવા માટે હાલ ઇચ્છુક…

VADODARA : વડોદરા પાલિકા (VADODARA – VMC) ની શિક્ષણ સમિતિના હાલના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ટર્મ 25 જુલાઇના રોજ પૂર્ણ થનાર છે. ત્યારે નવા ચેરમેન અને ઉપાધ્યક્ષ બનવા માટે હાલ ઇચ્છુક ઉમેદવારોએ લોબિંગ શરૂ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં ત્રણ ઉમેદવારોના નામ મોખરે ચાલી રહ્યા છે. જે પૈકી એક શહેર પ્રમુખની નીકટના અને સંગઠનનું સમર્થન પ્રાપ્ત ઉમેદવાર છે. તો બીજા ઉમેદવારને સાંસદ ડો. હેમાંગ જોશીના અત્યંત નીકટના માનવામાં આવી રહ્યા છે. તો ત્રીજા સભ્ય સંગઠન અને ચૂંટાયેલી પાંખ બંનેનું સમર્થન મેળવી શકે તેવા હોવાનું હાલ પ્રબળ ચર્ચામાં છે. આ સભ્યોની વરણી માટેના ઉમેદવારી ફોર્મનું આજથી વિતરણ કરવામાં આવનાર છે.

ફોર્મનું આજથી વિતરણ

વડોદરા પાલિકાની શિક્ષણ સમિતિનું વર્ષ 2024 – 25 નું બજેટ રૂ. 231 કરોડ મંજુર કરવામાં આવ્યું છે. બજેટમાંથી વિદ્યાર્થીઓની જરૂરીયાતની વસ્તુઓથી લઇને શાળાના મરામત સુધીના કાર્યો કરવાના હોય છે. જેનો નિર્ણય અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ હસ્તગત હોય છે. ત્યારે હાલના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ટર્મ 25 જુલાઇના રોજ પૂર્ણ થનાર છે. ત્યારે નવી ટર્મ માટે શિક્ષણ સમિતિમાં પોતાનું મજબુત સ્થાન જમાવવા માટે ઇચ્છુક ઉમેદવારો દ્વારા લોબિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવવા પામ્યું છે. શિક્ષણ સમિતિના સભ્યની વરણી માટે ઉમેદવારી પત્રોના ફોર્મનું આજથી વિતરણ કરવામાં આવનાર છે.  તો બીજી તરફ ઇચ્છુક ઉમેદવારોએ તેમના માનીતા નેતા સુધી તેમના મનની વાત પહોંચાડવાનું શરૂ કરી દીધું છે.

રાજનિતીની ઇનીંગ માટે અગત્યનું

હાલ શિક્ષણ સમિતિમાં ટોચના પદ માટેની રેસમાં ત્રણ નામો પ્રબળ ચર્ચામાં છે. તે પૈકી એક મેહુલ લાખાણીનું છે, મેહુલ લાખાણી ભાજપના સાંસદ ડો. હેમાંગ જોશીના અત્યંત નિકટના ગણાય છે. અને તેઓ સાંસદની ચૂંટણીમાં, ચૂંટણી એજન્ટ પણ હતા. તો બીજુ નામ શહેરના સંગઠન મહામંત્રી સત્યેન કુલાબકરનુ નામ પણ તેજ ચાલી રહ્યું છે. તે શહેર ભાજપ પ્રમુખના ખુબ જ નિકટના ગણાય છે. ત્રીજું નામ શર્મિષ્ઠા સોલંકીનું છે. તેમને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠન બંનેનો ટેકો મળી શકે તેવું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. આ સાથે અશોક ચૌધરી, જીગ્નેશ શાહ, દિપક પઢીયારના નામો પણ ચર્ચામાં છે. વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, હાલના ધારાસભ્ય કેયુર રોકડિયા, હાલના સાંસદ ડો. હેમાંગ જોશીનું શિક્ષણ સમિતિ સાથે જોડાઇ ચુક્યા છે. ત્યાર બાદ તેઓ હાલના પદ પર આવ્યા છે. એટલે રાજનિતીની ઇનીંગ શરૂ કરવા માટે શિક્ષણ સમિતિનું સભ્ય પદ અથવા તો ટોચનું પદ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો — VADODARA : MSU માં લોકપાલ નિમણૂંકની જાહેરાત 15 દિવસ બાદ કરાઇ

Whatsapp share
facebook twitter