VADODARA : વડોદરા પાસે સલાલીમાં આવેલા દુર્ગેશ્વર મહાદેવના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અજાણ્યો શખ્સ કમ્પાઉન્ડની દિવાલ કુદીને પ્રવેશ્યો હતો. જે બાદ તેણે મંદિરના ઘંટ, દાનપેટી અને આરતી ગાયબ કરી હતી. આખરે સવારે મંદિર ખોલતા આ ઘટના સેવા પુજા કરનાર પુજારીના ધ્ચાને આવી હતી. જે બાદ અજાણ્યા શખ્સના વિરૂદ્ધમાં સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
સવારે અને સાંજે મંદિરની આરતી
સાવલી પોલીસ મથકમાં જગદીશચંદ્ર હીરાલાલ જોશી (રહે. જશોદા નગર, સાવલી) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે રેસ્ટોરેન્ટ ચલાવીનો પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. સાથે જ ચોર્યાસી બ્રાહ્મણ સમાજના ટ્રસ્ટનું દુર્ગેશ્વર મહાદેવ મંદિર આવેલું છે ત્યાં સેવા પુજા કરે છે. તેમના વડીલો આ મંદિરની સેવા પુજા કરતા હતા. તેઓ સવારે અને સાંજે મંદિરની આરતી કરે છે. દિવલ દરમિયાન મંદિર દર્શનાર્થે ખુલ્લુ રાખવામાં આવે છે. સાંજે આરતી કર્યા બાદ મંદિરના દરવાજે તાળુ મારીને બંધ કરી દેવામાં આવે છે. જેની ચાવી તેમની પાસે રહે છે.
બધો સામાન વિખેરાયેલો
16, મે ના રોજ સાંજે દુર્ગેશ્વર મહાદેવ મંદિરની સાંજની આરતી પૂર્ણ કરીને મંદિરને તાળુ મારીને તેઓ દુકાને જતા રહ્યા હતા. અને બીજા દિવસે સવારે નિયમ મુજબ તેઓ મંદિર પહોંચ્યા હતા. મંદિરના કમ્પાઉન્ડના અને મંદિરના દરવાજાનું તાળુ ખોલીને અંદર જઇને જોતા બધો સામાન વિખેરાયેલો પડેલો હતો. મંદિરમાં મુકવામાં આવેલી દાનપેટી તુટેલી મળી આવી હતી. જે બાદ મંદિરમાં જઇને તપાસ કરતા પીત્તળના ઘંટ, પીત્તળની આરતી સહિતનો સામાન ગાયબ થયેલો હોવાનું ધ્યાને આવ્યું હતું.
અજાણ્યા શખ્સના વિરૂદ્ધમાં ફરિયાદ
દુર્ગેશ્વર મહાદેવ મંદિરના કમ્પાઉન્ડની દિવાલ કુદીને કોઇ ચોર ઇસમે મંદિરમાં પ્રવેશ મેળવી ઘંટ, આરપી તેમજ દાનપેટીના રૂપિયાની ચોરી કરી હોવાથી ઉપરોક્ત મામલે સાવલી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સના વિરૂદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો — VADODARA : વાછરડા જોડે ખોટું થતા પહેલા જ બચાવ