+

VADODARA : ખર્ચ ઘટે અને જમીનની ફળદ્રુપતા વધે તેવો ઉપાય અજમાવતા ખેડૂત

VADODARA : ખેડુતો માટે અસરકારક કૃષિ વ્યવસ્થાપન, કૃષિ ઉત્પાદનની અનિશ્ચિતતા તથા કૃષિ ખર્ચમાં ઘટાડો થાય અને ખેડુત પ્રાકૃતિક સામગ્રી દ્વારા જાતે જ પાક વૃધ્ધિ તરફ ઝોક દાખવે તે માટે રાજય…

VADODARA : ખેડુતો માટે અસરકારક કૃષિ વ્યવસ્થાપન, કૃષિ ઉત્પાદનની અનિશ્ચિતતા તથા કૃષિ ખર્ચમાં ઘટાડો થાય અને ખેડુત પ્રાકૃતિક સામગ્રી દ્વારા જાતે જ પાક વૃધ્ધિ તરફ ઝોક દાખવે તે માટે રાજય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. પ્રાકૃતિક ખેતીથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો, નહિવત ઉત્પાદન ખર્ચ, પાણીની બચત સાથે પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ તથા સંવર્ધનની બાબતો સહિત કૃષિ યાંત્રિકીકરણ જેવી બાબતોને પણ આ યોજના અન્વયે આવરી લેવામાં આવી છે.

ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અમલમાં

દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અંતર્ગત ખેડુતો દેશી ગાય રાખે અને એ થકી પ્રાકૃતિક ખેતી પધ્ધતિ અપનાવી ખેતી ખર્ચમાં ઘટાડો કરી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય તે હેતુથી દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરવા માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે.

શરૂઆતમાં મુશ્કેલી હતી

વડોદરા (VADODARA – SAVLI) પાસે સાવલીના વાંકાનેરના ધર્મેશભાઇએ કહે છે કે, કૃષિ ઋષિ સુભાષ પાલેકર અને રાજયપાલના પ્રાકૃતિક કૃષિ માટેના પગલાઓ સરાહનીય છે. દરેક ખેડુતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવવી જોઇએ. પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત બેઝ છે અને તે ઝીરો કોસ્ટીંગ છે. જીવામૃત બનાવવા અને તેના ઉપયોગથી અનેક ફાયદાઓ થાય છે. છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરું છું ત્યારે શરૂઆતમાં મારા માટે મુશ્કેલી હતી,મને એમ લાગતું હતુ કે આ ખરેખર શક્ય છે ખરું?

જમીનને ઘણો ફાયદો

ઝેરમુક્ત ખાધાન્ન માટે પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે. દેશી ગાયના છાણ, મૂત્ર સાથે કઠોળ અને ગોળના સંમિશ્રણ થકી જમીનને ઘણો ફાયદો થાય છે. વળી જીવામૃત વાપરવાથી ખેડુતોના મિત્ર અળસિયાની ઉત્પતિ મારા ખેતરમાં જોવા મળી છે. આ જીવામૃતના ઉપયોગના કારણથી મારા ખેતરની જમીનમાં ખાતર પહોંચે છે. સુક્ષ્મ જીવો છોડ સુધી ખાતર પહોંચાડી ખેતી માટે ઉપયોગી થઇ ફાયદાકારક કામ કરે છે.

અત્યારના સમયની જરૂરિયાત

ધર્મેશભાઇ પટેલે કહ્યુ હતુ કે, રાસાયણિક ખાતરના ઉપયોગથી આગલી પેઢીઓને નુકશાન થયું છે. પરંતુ હવે આગામી પેઢી માટે આપણે કંઇક કરી શકીએ તો ખૂબ ફાયદાકારક છે. પ્રાકૃતિક કૃષિ અત્યારના સમયની જરૂરિયાત છે. પ્રકૃતિ બચાવવા માટે પ્રાકૃતિક કૃષિ ભવિષ્યમાં સારા દિવસો આવે તે માટે પ્રાકૃતિક કૃષિ કરવી જ પડશે અને કેન્સર જેવા મહારોગો સામે લડત આપવા પ્રાકૃતિક કૃષિ વધુ સારી ભૂમિકા ભજવશે.

પૈસા પોતાના ખિસ્સામાં રાખે

પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે, પ્રાકૃતિક ખેતી પધ્ધતિ અપનાવવાથી ખેતી ખર્ચમાં ઘટાડો થવા સાથે જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. મેં મારાથી બનતા તમામ નાના-મોટા ખેડુતોને પ્રાકૃતિક ખેતી પધ્ધતિ અપનાવવા ભલામણ અને માર્ગદર્શન આપી માહિતગાર કર્યા છે. યુરિયા અને સલ્ફેટ સહિતના ખર્ચમાં ઘટતાં ખેતી ખર્ચ ઘટે છે, લાંબાગાળે ઉત્પાદન વધે છે, સારું ઉત્પાદન મેળવી શકાય છે. સારું ઉત્પાદન મેળવી ખેડુત પોતાના પૈસા પોતાના ખિસ્સામાં રાખે તેવું થઇ શકે છે.

પ્રાકૃતિક કૃષિ કરવી આવશ્યક

આમ, પ્રાકૃતિક કૃષિ કરવાથી ખેતી ખર્ચના નાણાની બચત થાય તે મોટો ફાયદો છે. ખેડુતોની આવક બમણી કરવાનો કેન્દ્ર અને રાજય સરકારનો ઉદ્દેશ્ય સાકાર થશે અને પ્રાકૃતિક કૃષિ કરતા ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન મળતા ગાયની સેવા કરવાની તક પણ મળશે. પ્રાકૃતિક કૃષિ થકી ખેતી, ખેડુત, ગામ, તાલુકો, જિલ્લો , રાજય અને દેશ સમૃધ્ધ થશે. જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરયુંકત ખેતીને બદલે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરવી આવશ્યક છે.

આ પણ વાંચો — VADODARA : MSU ના 200 વિદ્યાર્થીઓ પર ફરિયાદ મામલે સાંસદે કહ્યું, “આ યોગ્ય નથી”

Whatsapp share
facebook twitter