+

VADODARA : ખેતરના શેઢે ઉછેરેલા પોમેલો વૃક્ષો બેઠી આવકનું સ્ત્રોત બન્યા

VADODARA : સાવલી (VADODARA – SAVLI) તાલુકાના વાંકાનેરના અને ગાય આધારિત ખેતીને, પ્રાકૃતિક ખેતીને વરેલા ખેડૂત ધર્મેશ પટેલ કહે છે એમણે ખેતર શેઢાની નકામી પડી રહેતી જમીનમાં વિટામિનો થી સમૃદ્ધ…

VADODARA : સાવલી (VADODARA – SAVLI) તાલુકાના વાંકાનેરના અને ગાય આધારિત ખેતીને, પ્રાકૃતિક ખેતીને વરેલા ખેડૂત ધર્મેશ પટેલ કહે છે એમણે ખેતર શેઢાની નકામી પડી રહેતી જમીનમાં વિટામિનો થી સમૃદ્ધ પોમેલો ફળના સાત વૃક્ષો વાવ્યા છે જે તેમને નિયમિત બેઠી આવક આપે છે જેને અંગ્રેજી માં ગ્રેપ ફ્રૂટ તરીકે ઓળખવામાં આવે છે.

પ્રાકૃતિક ખેતીની પાઠશાળા

ગુજરાતના વર્તમાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું અનુસરણ કરનારા અને હિમાયતી છે. રાજ્ય સરકારે ગાય આધારિત ખેતી માટે ગૌ પાલન ને પ્રોત્સાહિત કરતી યોજના અમલમાં મૂકી છે જેના થી સાવલી તાલુકાના ભાદરવા અને વાંકાનેર વિસ્તારના ધર્મેશભાઈ પટેલ સહિત ખેડૂત મિત્રોનો ઉત્સાહ ખૂબ વધ્યો છે.તેઓ ગાય આધારિત ખેતીના વિવિધ પ્રયોગો કરી રહ્યાં છે અને જાણે કે તેમણે આ વિસ્તારને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની પાઠશાળા બનાવવાનો સંકલ્પ કર્યો છે.

૭ પોમેલો વૃક્ષો ઉછેર્યા

હવે આપણે વાત કરીએ ધર્મેશભાઈ એ ખેતરના શેઢે ઉછેરેલા પૉમેલો ફળના સાત વૃક્ષો એમના માટે બેઠી આવક આપતા કેવી રીતે બની ગયા એ જાણીએ, બેંગ્લોરથી આવેલા તેમના ઘરે મહેમાન એમના ઘેર પોમેલો ફળ લાવ્યા હતા.ગણેશ ઉત્સવ ચાલી રહ્યો હોવાથી મોટા કદની મોસંબી જેવા અને લીંબુ કુળની આ વનસ્પતિના ફળનો તેમણે ગણપતિ દાદાને ભોગ ધર્યો અને આ ફળમાં થી મળેલા બીજમાં થી એમણે ખેતર શેઢાની અને બિન ઉપયોગી પડી રહેતી જમીનમાં ૭ પોમેલો વૃક્ષો ઉછેર્યા.આજે ઘટાટોપ ઉગી નીકળેલા આ વિરાટ વૃક્ષો લગભગ ચોમાસાની શરૂઆત થી શિયાળા સુધી મહાકાય કહી શકાય એવા ફળ આપે છે.

અમદાવાદથી લોકો ફળ લઈ જાય

તેઓ કહે છે મોસમમાં એક વૃક્ષ સરેરાશ ૫૦૦ થી ૬૦૦ જેટલા પોમેલો ફળ આપે છે જેના વેચાણ થી એમને વૃક્ષ દીઠ વાર્ષિક ૫૦ હજાર થી વધુ આવક થાય છે. તેઓએ આ વર્ષે પોમેલોના ત્રણ છોડ વેચીને રૂ.૧૫૫૦૦ની આવક મેળવી હતી. તેના ઉછેર થી બિન ઉપયોગી પડી રહેતી જમીન નો આવક આપતો વપરાશ શક્ય બન્યો છે.તેમના કહેવા મુજબ છેક અમદાવાદ થી લોકો આ ફળ લઈ જાય છે,ઘેર બેઠાં વેચાણ થાય છે.

સાત્વિક ખેતીની તાલીમ લીધી

આ વૃક્ષના ફળને તમે નારિયેળ જેવડું લીંબુ કે મોસંબી ગણાવી શકો.ખૂબ જાડી દળદાર છાલ વચ્ચે દડા જેવી રસભર પેશીઓ આ ફળની ખાસિયત છે.એના ફળ અને છાલના વિવિધ ઔષધીય ઉપયોગો છે. ધર્મેશભાઈ કહે છે કે ખેતરના શેઢાપાળા ની જમીન બિન વપરાશી પડી રહે છે ત્યારે આ ફળની વૃક્ષ ખેતી કરવા જેવી છે.તેનાથી વધારાની આવક થાય છે અને આ ફળના સેવન થી પરિવારની તંદુરસ્તી ની કાળજી લઈ શકાય છે. ધર્મેશભાઈ તેમના ખેડૂતમિત્રો સાથે છેક વડતાલ જઈને પ્રાકૃતિક ખેતીના હિમાયતી સુભાષ પાલેકરજી ની શિબિરમાં ગાય આધારિત સાત્વિક ખેતીની તાલીમ લીધી હતી અને આ સહુ મિત્રો આજે સમર્પિત થઈને તેમની ખેતીમાં ગાયના છાણ,મૂત્રનો વિવિધ રીતે ઉપયોગ કરી રહ્યાં છે.રસાયણો થી ખેતરો ને મુક્ત રાખવા અને શુદ્ધ ખેતી કરવી એ એમનું ધ્યેય છે.

ગુજરાતના ખેડૂતો પ્રયોગશીલ

ધર્મેશભાઈ ગાય પાળે છે અને એમના ખેતરમાં ગાયના મૂત્ર અને ગાયના દૂધમાં થી બનાવેલી ખાટી છાશ ના પિપડા ભરેલા પડ્યા છે.તેઓ કહે છે કે મોંઘા યુરિયાનો સસ્તો વિકલ્પ આ ખાટી છાસ અને ગૌ મૂત્રમાં થી બનાવેલું જીવામૃત છે.તેઓ એટલે સુધી દાવો કરે છે કે ગ્લોબલ વોર્મિંગ ને લોકલ લેવલે ટાળવાનો ઉત્તમ ઉપાય ગાય આધારિત ખેતી બની શકે છે. ભારતના ,ગુજરાતના ખેડૂતો હંમેશા પ્રયોગશીલ રહ્યાં છે. તેમના પ્રયોગો મોટેભાગે દેશ અને રાજ્ય માટે, ખેતી અને ખેડૂતો માટે લાભપ્રદ અને દિશા સૂચવનાર બની રહ્યાં છે. તેવા સમયે ધર્મેશભાઈ અને તેમના સાથી ખેડૂતોની ગાય આધારિત ખેતીના પ્રયોગોની અન્ય ખેડૂતો પરખ કરે, થોડી જમીનમાં એનો પ્રયોગ કરી જુવે એ લાભકારક બની શકે એવું લાગે છે.

આ પણ વાંચો — VADODARA : જિલ્લા કલેકટર સમક્ષ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ અનેક પ્રશ્નો મુક્યા

Whatsapp share
facebook twitter