+

VADODARA : બે શહેરની પોલીસે મળી અંતિમ પગલું ભરવા જતી યુવતિ બચાવી

VADODARA : ગત બપોરે વડોદરા શહેર પોલીસના કંટ્રોલ રૂમ ((VADODARA POLICE CONTROL ROOM)) માં એક યુવતિનો ફોન આવ્યો હતો. યુવતિ બસમાં બેસીને આત્મહત્યા કરવા માટે જઇ રહી હોવાનું તેણે જણાવ્યું…

VADODARA : ગત બપોરે વડોદરા શહેર પોલીસના કંટ્રોલ રૂમ ((VADODARA POLICE CONTROL ROOM)) માં એક યુવતિનો ફોન આવ્યો હતો. યુવતિ બસમાં બેસીને આત્મહત્યા કરવા માટે જઇ રહી હોવાનું તેણે જણાવ્યું હતું. જે બાદ પોલીસ એક્શનમાં આવી હતી. અને સતત પ્રયત્નો કરી વિગતો મેળવીને અમદાવાદ પોલીસ સાથે સંકલન હાથ ધર્યું હતું. મહેનતના અંગે બે શહેરની પોલીસ દ્વારા યુવતિને બચાવી લેવામાં આવી હતી. તેનું અસરકારક કાઉન્સિલીંગ કરવામાં આવતા તેણે અઘટીત પગલું નહી ભરે તેમ જણાવ્યું હતું.

ફોન કટ કરી નાંખ્યો

ગતરોજ બપોરના સમયે વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમ (VADODARA POLICE CONTROL ROOM) માં એક ફોન કોલ આવ્યો હતો. જેમાં 100 નંબર પર ફોન કરીને યુવતિએ જણાવ્યું કે, એક છોકરાએ મને ફસાવી છે. તે મને સાથે લઇ જતો નથી. તેના મા-બાપે છોકરાને ઘરમાંથી કાઢી મુક્યો છે. હાલ હું વડોદરાથી એસટી બસમાં બેસીને આત્મહત્યા કરવા માટે જાઉં છું. ગમે ત્યાં હું આત્મહત્યા કરી લઇશ. તેમ કહીને તેણીએ ફોન કટ કરી નાંખ્યો હતો.

પોલીસનો એક ફોન તેણે ઉપાડ્યો

ફોન કરનાર યુવતિ કઇ બસમાં બેઠી છે, ક્યાં ઉતરવાનું છે, તે અંગે કોઇ જાણકારી આપી ન્હતી. મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને કંટ્રોલ રૂમના એસીપી એ. એમ. સૈયદ એક્શનમાં આવ્યા હતા. અને ટીમ વર્ક થકી આ મામલો ઉકેલવા કામે લાગ્યા હતા. પોલીસ દ્વારા યુવતિને વારંવાર ફોન કરતા તે કટ કરતી હતી. બાદમાં તેણીએ ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું હતું. આખરે પોલીસનો એક ફોન તેણે ઉપાડ્યો હતો. જેમાં પોલીસે તેને અઘટીત પગલું નહી ભરવા માટે જણાવ્યું હતું. અને પોલીસ તેની સાથે છે, અને પુરેપુરી મદદ કરશે તેવું આશ્વાસન આપ્યું હતું. તેમ સમજાવતા તેણીને વિશ્વાસ આવ્યો હતો.

કંડક્ટરના સંપર્કમાં પોલીસ

બાદમાં યુવતિને સમજાવીને બસ કંડક્ટર જોડે તેના ફોન પર વાત કરવામાં આવી હતી. તેમજ બસના રૂટની વિગત જાણવામાં આવી હતી. બસ કંડક્ટરે એસટી બસનો રૂટ નિઝર દહેગામ હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે કંડક્ટરનો ફોન નંબર મેળવીને સતત તેમના સંપર્કમાં રહ્યા હતા. અને યુવતિ બસમાંથી ઉતરીને કોઇ અઘટીત પગલું ન ભરે તે માટે તાકીદ કરવામાં આવી હતી.

સીટીએમ ખાતે પોલીસ મોકલી

બીજી તરફ પોલીસની એક ટીમે અમદાવાદ પોલીસના કંટ્રોલ રૂમ જોડે સંપર્કમાં રહીને માહિતી આપી હતી. જે બાદ અમદાવાદ સીટીએમ ખાતે પોલીસ મોકલી આપવામાં આવી હતી. રામોલ પોલીસ મથકની પીસીઆર વાન તાત્કાલીક સ્થળે પહોંચી હતી. અને યુવતિને સહી સલામત મેળવીને પોલીસ મથકમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેનું અસરકારક કાઉન્સિલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આમ, વડોદરા પોલીસ અને અમદાવાદ પોલીસે મળીને અંતિમ પગલું ભરવા જતી યુવતિને બચાવી લીધી હતી.

આ પણ વાંચો — VADODARA : રોંગ સાઇડ જતા વાહનો વિરૂદ્ધ વિશેષ ડ્રાઇવથી ફફડાટ

Whatsapp share
facebook twitter