+

VADODARA : પઝેશન નહી મળતા લોકોના પોલીસ મથકમાં ધામા

VADODARA : વડોદરાના ગોત્રી સેવાસી રોડ પર કિશન એમ્બ્રોસિયા (KISHAN AMBROSIA – VADODARA) નામની સાઇટ પર દુકાનો અને મકાનોની મોટાભાગની ચુકવણી કર્યા બાદ પણ પઝેશન નહિ મળતા લોકો ગોત્રી પોલીસ…

VADODARA : વડોદરાના ગોત્રી સેવાસી રોડ પર કિશન એમ્બ્રોસિયા (KISHAN AMBROSIA – VADODARA) નામની સાઇટ પર દુકાનો અને મકાનોની મોટાભાગની ચુકવણી કર્યા બાદ પણ પઝેશન નહિ મળતા લોકો ગોત્રી પોલીસ મથક એકઠા થયા હતા. અને પોલીસને ફરિયાદ નોંધવા માટે રજુઆત કરી હતી. દરમિયાન પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ સ્થાનિકો દ્વારા મુકવામાં આવ્યો હતો. રજુઆત કરવા પહોંચેલા લોકો પૈકી એક મહિલાની તબિયત બગડતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા.

રકમ ચુકવી પણ દીધી

વડોદરાના ગોત્રી સેવાસી રોડ પર બિલ્ડર ભીખુ કારીયા દ્વારા કિશન એમ્બ્રોસિયા નામની સાઇટ મુકવામાં આવી હતી. જેમાં દુકાન અને મકાન લેનાર ઇચ્છુક લોકો દ્વારા બુકીંગ કરીને નિયત રકમ ચુકવી પણ દીધી હતી. છતાં બિલ્ડર દ્વારા પઝેશન આપવા બાબતે ગલ્લા-તલ્લા કરવામાં આવતા આખરે છેતરપીંડિ થયાનો અહેસાસ અનુભવનારા લોકો ગતરાત્રો ગોત્રી પોલીસ મથક પહોંચ્યા હતા. અને આ મામલે ફરિયાદ નોંધાવવા રજુઆત કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, આ સાઇટમાં છેતરપીંડિનો આંક કરોડોમાં પહોંચે તેમ છે.

ફરિયાદ સ્વિકારતા નથી

રજૂઆત કરનાર મહિલા ઇલા બારીયા જણાવે છે કે, કિશન એમ્બ્રોસિયા કરીને સાઇટ છે ત્યાં ફ્લેટ લીધો છે. મારે ફ્લેટ લીધાને 6 વર્ષ લીધા થયા મારા બુકીંગ કરાવ્યાને, ડિસેમ્બરમાં પઝેશન આપવાની વાત હતી. 70 ટકા પૈસા અપાઇ ચુક્યા છે. આજે-કાલે વાયદા કર્યા કરે છે. પૈસા પરત આપતા નથી. અમે પોલીસ સ્ટેશનમાં આવ્યા તો, તે ફરિયાદ સ્વિકારતા નથી. બિલ્ડરને ગઇ કાલ સાંજથી અહિંયા રાખવામાં આવ્યા છે. 150 લોકોએ મકાન બુક કરાવ્યા છે. પઝેશન આપીશું તેમ કહે છે, પણ કોઇ ઠેકાણું નથી.

તમામ જરૂરી પુરાવા પણ આપ્યા

વકીલ હર્ષદ પરમાર જણાવે છે કે, અમારા અસીલે બે દુકાનો લીધી છે. તેણે રૂ. 55 લાખની કિંમત બિલ્ડર ભીખાજીભાઇ કોરિયાને ચુકવી છે. આના દસ્તાવેજો કરવા માટે એપોઈન્ટમેન્ટ પણ લીધી હતી. પરંતુ દસ્તાવેજના દિવસે તેઓ આવ્યા ન્હતા. અને દસ્તાવેજ રોકાઇ ગયો હતો. અસીલ સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવ્યો ત્યારે અનેક લોકો સાથે બિલ્ડરે છેતરપીંડિ કર્યાની ફરિયાદ કરી હોવાનું જાણ્યું હતું. પૈસા લીધા છતાં પણ પઝેશન આપ્યું નથી, અને તે વિદેશ ભાગી જવાની પૈરવીમાં છે. ત્યારે આ અંગે પીઆઇને રજૂઆત કરી છે. તેમને તમામ જરૂરી પુરાવા પણ આપ્યા છે. પીઆઇ દ્વારા તપાસ કરીએ છીએ જેવી અનેક વાતો કરી હતી. અત્યાર સુધી ફરિયાદ નોંધાઇ નથી.

આ પણ વાંચો — VADODARA : સ્પામાં ધમધમતા દેહવેપારના ધંધા પર દરોડા, જાણો કેટલી કિંમત વસુલાતી

Whatsapp share
facebook twitter