+

VADODARA : વિજ કંપનીએ સેંકડો લોકોની નિંદર બગાડી

VADODARA : વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી વિજ કચેરીએ મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો મધરાત્રે એકત્ર થયા હતા. અને વિસ્તારમાં 9 વાગ્યા બાદ લાઇટ જતી રહેતી હોવાનું જણાવીને વિજ કચેરીએ હલ્લાબોલ કર્યો…

VADODARA : વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી વિજ કચેરીએ મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો મધરાત્રે એકત્ર થયા હતા. અને વિસ્તારમાં 9 વાગ્યા બાદ લાઇટ જતી રહેતી હોવાનું જણાવીને વિજ કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, વિજ કંપનીના જવાબદાર અધિકારીઓ દ્વારા રાત્રીના સમયે ફોન સ્વીચ ઓફ કરી દેવામાં આવતો હોય છે. અને કચેરીએ માત્ર લાઇન મેન હોય છે, તેની પાસે કોઇ સવાલોના નક્કર જવાબ નથી હોતા.

કચેરીએ મધરાત્રે વિસ્તારના લોકો પહોંચ્યા

વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોથી વિજ કંપનીનો કકળાટ સામે આવી રહ્યો છે. ક્યાંક સ્માર્ટ વિજ મીટરને લઇને બુમો ઉઠી રહી છે, તો ક્યાંક રાત્રે લાંબા સમય સુધી વિજળી ગુલ થઇ રહી છે. આ કારણોસર લોકોએ સ્થાનિક વિજ કચેરીએ હલ્લાબોલ કર્યાની ઘટનાઓ અગાઉ આવી ચુકી છે. ત્યારે ગતરાત્રે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી વિજ કંપનીની કચેરીએ મધરાત્રે વિસ્તારના લોકો પહોંચ્યા હતા. અને છેલ્લા કેટલાય દિવસોથી સતત રાત્રે 9 વાગ્યા બાદ વિજળી ગુલ થવાની ફરિયાદ કરી હતી.

સમસ્યાનો કોઇ નિવેડો આવ્યો નથી

સ્થાનિકો સર્વે જણાવે છે કે, કોઇ પણ પ્રકારની જાણકારી કર્યા વગર લાઇટ બંધ કરી દેવાનું કારણ શું, પહેલા ચોક્કસ સમય સાથે લાઇટ જવાની જાણકારી આપવામાં આવતી હતી. પરંતુ હવે તેવું કંઇ થતું નથી. 15 દિવસ પહેલા પણ આ જ રીતે અમે વિરોધ કરવા પહોંચ્યા હતા. પરંતુ હજી સુધી અમારી સમસ્યાનો કોઇ નિવેડો આવ્યો નથી. નાના છોકરાથી લઇને પરિવારના વૃદ્ધો મુશ્કેલીમાં મુકાયા છે. અમારા વિસ્તારમાં રોજ રાત્રીના સમયમાં જ સમસ્યા આવી રહી છે. વડોદરામાં એક જ વિજ કંપની વિજળી પહોંચાડી રહી છે, એટલે આ લોકોને કોઇ પડી નથી. હમણાં કોઇ સામે ખાનગી કંપની સ્પર્ધામાં હોય તો આ લોકોને ખબર પડત.

તેની સામે કેમ કંઇ નહિ !

વધુમાં ઉમેર્યું કે, જ્યારે આપણે બીલ ભરવામાં મોડું થાય તો પેનલ્ટી સાથે વસુલે છે, પરંતુ તે લોકો વિજળીના અભાવે જે સમસ્યા ભોગવવા મજબુર કરે છે તેની સામે કેમ કંઇ નહિ ! તેવામાં વિજ કચેરીની હેલ્પ લાઇન પર બેઠેલા કર્મીએ જણાવ્યું કે, અમારા ઉપરી અધિકારીને લાઇટ જવા અંગેની જાણ કરી હતી. સુત્રો જણાવી રહ્યા છે કે, વિજની મુખ્ય લાઇનમાં ક્ષતી સર્જાતા અને 10 થી વધુ ફિડરોનો વિજ પ્રવાહ ખોરવાયો હતો. જેને મોડી રાત્રે દુરસ્ત કરવામાં સફળતા મળી હતી.

આ પણ વાંચો —VADODARA : સોનીએ આધેડના હાથમાં ચપ્પુ પકડાવી વિડીયો ઉતાર્યો, કારણ ચોંકાવી દેશે

Whatsapp share
facebook twitter