+

VADODARA : 60 થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી છોડી સાંકરદા પ્રાથમિક શાળા પસંદ કરી

VADODARA : સરકારી શાળાઓમાં માળખાગત સુવિધા વધારો થતાં અને આધુનિકીકરણ થતાં લોકોનો સરકારી શાળા તરફનો અભિગમ બદલાય રહ્યો છે. જે સંદર્ભે આજે વાત કરવી છે વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં…

VADODARA : સરકારી શાળાઓમાં માળખાગત સુવિધા વધારો થતાં અને આધુનિકીકરણ થતાં લોકોનો સરકારી શાળા તરફનો અભિગમ બદલાય રહ્યો છે. જે સંદર્ભે આજે વાત કરવી છે વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં આવેલી પી.એમ.શ્રી યોજના અંતર્ગતની આદર્શ એવી સાંકરદા પ્રાથમિક શાળાની. આ એક એવી શાળા છે કે જેમાં ૭૯૦ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભણી રહ્યા છે અને સરકારી શાળા હોવા છતાં દર વર્ષે વિદ્યાર્થીઓના પ્રમાણમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.

જ્ઞાનની સમજણ પર વધુ ધ્યાન

વડોદરા તાલુકાની સાંકરદા પ્રાથમિક શાળામાં અમલી શિક્ષણ પદ્ધતિ વધુ પ્રાયોગિક, સર્વગ્રાહી, સંકલિત, રમત સાથે જ્ઞાન, સંશોધન લક્ષી, વિદ્યાર્થી કેન્દ્રિત, ચર્ચા આધારિત અને ફ્લેક્સીબલ હોવાના કારણે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ આનંદ દાયક બન્યું છે. આ શાળામાં દરેક બાળકની નિપુણતા, વૈચારિક અને વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં જ્ઞાનની સમજણ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ સાથે સ્માર્ટ ક્લાસ, ICT લેબ, લાયબ્રેરી, મેથ્સ – સાયન્સ લેબ, રમત ગમતનું મેદાન, સુરક્ષા – સલામતીની સુવિધાઓ, ઇકો ક્લબ પ્રવૃત્તિ, પરંપરાગત દિવસોની ઉજવણી અને એના સાથે પર્યાવરણના ખોળે પક્ષીઓના કલરવ વચ્ચે રમતું બાળકોનું ઉલ્લાસ ભર્યું બાળપણ એ શાળાની ખાસિયત બની ગઈ છે.

વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય

વડોદરા જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી આ સરકારી શાળામાં બાળકોની સંખ્યા ઓછી થતી જતી હોવાની સામે વર્ષ ૨૦૨૪-૨૫ માં ૭૯૦ જેટલા વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય લખાઈ રહ્યું છે. આ શાળામાં બાળ વાટિકા થી ધોરણ-૫ માં કુલ ૪૩૯ બાળકો અભ્યાસ કરી રહ્યા છે જે પૈકી ૨૧૫ છોકરા અને ૧૨૪ છોકરીઓ છે. જ્યારે ધોરણ ૬ થી ૮ માં કુલ ૩૫૧ ભણી રહ્યા છે જેમાં ૧૮૨ છોકરાઓ અને ૧૬૯ છોકરીઓનો સમાવેશ થયો છે. આમ, આ શાળામાં આશરે ૨૯૩ જેટલી તો ફક્ત વિદ્યાર્થીનીઓ જ અભ્યાસ કરી રહી છે.

એક કલાક લાઇબ્રેરીમાં વાંચન

આ શાળામાં Learning By Doing અંતર્ગત ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોનું વર્ગખંડ સાથે સાથે વિજ્ઞાન – ગણિતની લેબમાં પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે. આ કોન્સેપ્ટ થી વિદ્યાર્થીઓ માટે ગણિત વિજ્ઞાન જેવા અઘરા વિષયો જ્ઞાન ગમ્મત અને ઉત્સાહના વિષયો બન્યા છે. બીજી તરફ પુસ્તક પ્રેમી વિદ્યાર્થીઓ માટે વિવિધ પુસ્તકો વાંચન માટે બેઠક વ્યવસ્થા સાથેની લાયબ્રેરી સાથે અઠવાડિયામાં એક કલાક લાઇબ્રેરીમાં વાંચનના ક્લાસની પણ સુવિધા છે.

છોડને સાચવવાની જવાબદારી સોંપાય

શાળામાં તમે પ્રવેશ કરીએ એટલે વિકસિત ગામના કોલાહલથી દૂર પ્રકૃતિની વચ્ચોવચ હોય તેવી અનુભૂતિ થાય. શાળાના પ્રવેશ દ્વાર થી લઈને લોબી અને ક્લાસ રૂમ સુધી બાળકોએ પ્રેમ થી જતન કરેલા છોડના રંગબેરંગી કુંડાઓ અને બાળકો એજ બનાવેલ ચકલી ઘર જોવા મળે. અલગ અલગ છોડ અને પક્ષીઓના કલરવના સુમધુર વાતાવરણમાં બાળકોમાં પર્યાવરણ પ્રેમનું પણ સિંચન કરવામાં આવી રહ્યું છે. એમાંય શાળામાં પરંપરા અનુસાર જે વિદ્યાર્થીનો જન્મદિન હોય તેના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવે અને એજ છોડને સાચવવાની જવાબદારી સોંપવામાં આવે છે.

પોલીસ સ્ટેશનમાં મુલાકાત

આ શાળાના દરેક ક્લાસ રૂમ એલસીડી પ્રોજેક્ટર, સ્પીકર, UPS વગેરે જેવી અદ્યતન સુવિધાથી સજ્જ સ્માર્ટ ક્લાસ રૂમ છે. આ સાથે શાળા બાળ સાંસદ, જ્ઞાનકુંજ, જ્ઞાન સંગમ જેવી સરકારની પહેલમાં પણ ખુબજ ઉત્સાહ પૂર્વક કામગીરી થઇ રહી છે. દરેક વસ્તુ ક્લાસરૂમમાં ન શીખી શકાય એ વાત ને ખુબજ સારી રીતે સમજતા વિદ્યાર્થીઓને દરવર્ષે પોસ્ટ ઓફિસ, ગ્રામ પંચાયત, બેંક, સરકારી દવાખાનું, દૂધ ડેરી અને પોલીસ સ્ટેશનોમાં મુલાકાત માટે લઈ જવામાં આવે છે.

60 વિદ્યાર્થીઓએ શાળા બદલી

અચરજની વાત તો એ છે કે ૬૦ કરતા વધુ વિદ્યાર્થીઓ એવા છે કે જે પહેલા કોઈ ખાનગી શાળામાં અભ્યાસ કરતા હતા. સરકારી શાળામાં દિવસે અને દિવસે વધતી જતી સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ લોકોને આંખે આવીને વળગતા ઘણા વાલીઓએ પોતાના બાળકોને ખાનગી શાળાઓથી નીકળીને સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો છે.

ગ્રીન સ્કૂલ તરીકે પણ વિકસિત

અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં આવી કુલ ૨૭૪ શાળાઓ છે જે પૈકી ૨૩૬ પ્રાથમિક શાળાઓ અને ૩૮ માધ્યમિક શાળાઓની સમાવેશ થાય છે. અને ખાસ કરીને વડોદરાની વાત કરીએ તો, જિલ્લામાં માળખાગત સુવિધાઓથી સજ્જ ૯ ઉદાહરણરૂપ આદર્શ શાળાઓ છે. આ શાળાઓમાં જલ સંરક્ષણ, રિસાયકલ, ઊર્જા કાર્યક્ષમ ઈન્ફ્રાસ્ટ્રકચર અને ઓર્ગેનિક જીવન શૈલીના સંકલન સાથે ગ્રીન સ્કૂલ તરીકે પણ વિકસિત થઈ રહી છે.

સુવર્ણ પથના નિર્માણમાં મહત્વની ભૂમિકા

આમ આવનાર સમયમાં વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરનાર ભાવિ પેઢીના નિર્માણ માટે સાંકરદા પ્રાથમિક શાળા જેવી અનેક શાળાઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૪ના સફળ અમલીકરણની ઉદાહરણરૂપ શાળાઓ પ્રસ્થાપિત થઈને સુવર્ણ પથના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

આ પણ વાંચો — VADODARA : રથયાત્રા મોટી સ્ક્રીન પર જોઇ શકાય તેવું આયોજન, જાણો સંપૂર્ણ તૈયારી

Whatsapp share
facebook twitter