+

Gift City : વિદેશી દારૂ પેગમાં મળશે અને મોંઘો મળશે

Gift City માં વિદેશી દારૂ (Liquor) પીવો સામાન્ય પ્યાસીઓ માટે નહીં હોય આસાન. ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી વિભાગે (Prohibition and Excise Department Gujarat) જાહેર કરેલી પ્રેસનોટ બાદ ગાંધીના ગુજરાતમાં…

Gift City માં વિદેશી દારૂ (Liquor) પીવો સામાન્ય પ્યાસીઓ માટે નહીં હોય આસાન. ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી વિભાગે (Prohibition and Excise Department Gujarat) જાહેર કરેલી પ્રેસનોટ બાદ ગાંધીના ગુજરાતમાં દારૂ પીવાની છૂટને લઈને અનેક અભિપ્રાયો આપે વાંચ્યા-સાંભળ્યા જ હશે. જો કે, હજી સુધી ગુજરાત સરકાર (Government of Gujarat) દ્વારા સંપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. Gujarat First પાસે પ્રાપ્ત માહિતી અનુસાર વિદેશ અને અન્ય રાજ્યોમાંથી આવતા લોકોને તેમજ ગિફ્ટ સિટીમાં ઓફિસ ધરાવતા માલિકો અને કર્મચારીઓ નિર્ધારિત સ્થળે વિદેશી તેમજ ભારતમાં નિર્મિત વિદેશી દારૂ પી શકશે. સરકારે અમલમાં મુકેલી નીતિ અનુસાર ગિફ્ટ સિટીમાં જઈને વિદેશી દારૂ પીવો જરા સરખો પણ આસાન નહીં હોય.

શું છે છૂટછાટ ? : નશાબંધી અને આબકારી વિભાગના નિયામક એલ એમ ડિંડોડ (L M Dindod IAS) ની સહીથી જાહેર થયેલી પ્રેસનોટમાં લગભગ તમામ બાબતો જણાવી દેવાઈ છે. ગિફ્ટ સિટી ખાતે કાર્યરત દેશ તેમજ વિદેશની અનેક કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઈકો સિસ્ટમ (Global Business Ecosystem) ઉપલબ્ધ કરાવવાના હેતુથી સરકારમાં ઉચ્ચ કક્ષાએ આ નિર્ણય લેવાયો છે.

> ગિફ્ટ સિટીમાં ઓફિસ ધરાવતા માલિકો અને તેમના કર્મચારીઓ લીકર એકસેસ પરમીટ (Liquor Access Permit) આપવામાં આવશે. જેના આધારે તેઓ Gift City માં આવેલી હોટેલ્સ-રેસ્ટોરેન્ટસ-કલબ (Hotel Restaurant Club) માં દારૂ પી શકશે.

> ગિફ્ટ સિટીમાં કામ અર્થે આવતા અને અધિકૃત કરાયેલા મુલાકાતી (Authorised Visitor) ને ટેમ્પરરી પરમીટ (Temporary Permit) થી હોટેલ્સ-રેસ્ટોરેન્ટસ-કલબમાં કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં વિદેશી દારૂ પીવા દેવામાં આવશે.

> ગિફ્ટ સિટી ખાતે આવેલી હોટેલ્સ-રેસ્ટોરેન્ટસ-કલબ વાઈન એન્ડ ડાઈન (Wine and Dine) સર્વિસ આપવા એફ.એલ.3 (FL 3 Permit) પરમીટ મેળવી શકશે.

> ગિફ્ટ સિટી ખાતે આવેલી હોટેલ્સ-રેસ્ટોરેન્ટસ-કલબ વિદેશી દારૂ (Foreign Liquor) અને ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) ની બોટલ વેચી નહીં શકે.

શું છે એક્સેસ, ટેમ્પરરી અને FL 3 પરમીટ ? : પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના ઈતિહાસ (History of Gujarat) માં પ્રથમ વખત એફ.એલ.3 પરમીટ આપવામાં આવશે. દારૂની છૂટછાટવાળા અન્ય રાજ્યોમાં આ પરમીટ હોટેલ્સ-રેસ્ટોરેન્ટસ-કલબને અપાય છે. ભોજનની સાથે દારૂ પીરસનારી હોટેલ્સ-રેસ્ટોરેન્ટસ-કલબને આ પરમીટ મેળવવાની હોય છે. લીકર એક્સેસ પરમીટ આ પણ એક નવી પરમીટ હોવાનું જાણવા મળ્યું છે. આ પરમીટ મેળવવા માટે ગિફ્ટ સિટીમાં કાર્યરત કંપનીના માલિકો અને તેમના કર્મચારીઓને મળશે. આ પરમીટ મેળવવા માટે તેમની ઓળખના દસ્તાવેજો, ફોટો, વિદેશી હોય તો પાસપોર્ટ (Passport) ની નકલ અને અન્ય રાજ્યના હોય તો આધારકાર્ડ (Aadhar Card) સહિતના પૂરાવા તેમજ કંપનીના પૂરાવા નશાબંધી અને આબકારી વિભાગને આપવા પડશે. જયારે ટેમ્પરરી પરમીટ તો પહેલેથી જ ઉપલબ્ધ છે. અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવતા પરપ્રાંતિય નાગરિકને 7 દિવસ માટે નશાબંધી વિભાગ (Prohibition Department) કામચલાઉ પરવાનો આપે છે. જેના માટે બે સરકાર માન્ય ઓળખપત્ર, ફોટો, સ્થાનિક રહેઠાણનો પૂરાવો અને બોર્ડિંગ પાસ-ટ્રેન ટિકિટ-બસ ટિકિટ-હાઈવે ટોલ રસીદમાંથી કોઈ એકનો પૂરાવો જરૂરી છે.

ગુજરાતી કર્મચારીને પીવા મળશે ? : ગિફ્ટ સિટીમાં કોઈ ગુજરાત રાજ્યનો કર્મચારી કાર્યરત હશે તો તેને વિદેશી દારૂ પીવા મળશે કે નહીં તેને લઈને સવાલ છે. ટેમ્પરરી પરમીટ પરપ્રાંતિય નાગરિકને મળે છે તો શું ગુજરાતીને એક્સેસ પરમીટ મળશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ પીવાની મંજૂરી માત્રને માત્ર તે લોકોને અપાશે કે જેઓ દારૂની છૂટછાટવાળા રાજ્યો અને વિદેશથી આવે છે.

પેગમાં મળશે દારૂ : ગિફ્ટ સિટીમાં મળતો દારૂ ખૂબ મોંઘો પિરસવામાં આવશે. વાઈન એન્ડ ડાઈન ફેસિલિટી હેઠળ પિરસવામાં આવતા Foreign Liquor અને IMFL (Indian-Made Foreign Liquor) પર એક્સાઈઝ ડ્યૂટી સિવાય વિશેષ કર લાગશે. આ ઉપરાંત હોટેલ્સ-રેસ્ટોરેન્ટસ-કલબ પણ પોતાનો સર્વિસ ચાર્જ વસૂલશે. અહીં પેગમાં દારૂ મળશે અને તેની કિંમત પણ પેગ દીઠ ચૂકવવાની રહેશે. હાલ ગિફ્ટ સિટીમાં એક હોટલ અને એક કલબ હાઉસ જ છે. ભલે તમારી પાસે અધિકૃત લીકર શોપ (Liquor Shop) માંથી ખરીદેલી દારૂની બોટલ હોય, પરંતુ તે તમે ગિફ્ટ સિટીની હોટલ અને કલબ હાઉસમાં પીવા માટે લઈ જઈ શકશો નહીં.

આ પણ વાંચો – સિરપકાંડની વચ્ચે નશાબંધી વિભાગના વર્ગ-3ના બદનામ કર્મચારીને વર્ગ-1નો ચાર્જ સોંપાયો

Whatsapp share
facebook twitter