+

Nirlipt Rai : ગુજરાત પોલીસ બેડામાં ચૂંટણી ટાણે કેમ છે ખુશીનો માહોલ ?

Nirlipt Rai : “ચૂંટણી આવી, દારૂ લાવી” આ જગ જાહેર સૂત્ર છે. ગુજરાતમાં દારૂબંધી (Prohibition of Alcohol) નો કડક કાયદો અમલમાં હોવા છતાં સામાન્ય દિવસોમાં પણ જોઈએ એટલો દેશી-વિદેશી દારૂ…

Nirlipt Rai : “ચૂંટણી આવી, દારૂ લાવી” આ જગ જાહેર સૂત્ર છે. ગુજરાતમાં દારૂબંધી (Prohibition of Alcohol) નો કડક કાયદો અમલમાં હોવા છતાં સામાન્ય દિવસોમાં પણ જોઈએ એટલો દેશી-વિદેશી દારૂ મળી રહે છે. છેલ્લાં બેએક વર્ષમાં SMC SP અને હાલ SMC DIG નિર્લિપ્ત રાયે (Nirlipt Rai IPS) અને તેમની ટીમે બુટલેગરો પર ધોંસ બોલાવી છે. દારૂના ધંધામાં ભાગ લેનારા કેટ-કેટલાંય ભ્રષ્ટાચારી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના સસ્પેન્શન તેમજ જિલ્લા બદલી કરાવવામાં Nirlipt Rai તેમજ ડીવાયએસપી કે. ટી. કામરીયા (K T Kamariya) ની મહત્વની ભૂમિકા રહી છે. અત્રે નોંધનીય છે કે, સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) ના કેટલાંક અધિકારીઓ દૂધના ધોયેલા નથી. લોકસભા ચૂંટણી (Loksabha Election) ટાણે ગુજરાત પોલીસ (Gujarat Police) માં ખુશીના માહોલ પાછળનું રસપ્રદ કારણ જાણવા વાંચો આ અહેવાલ…

 

નેતાઓનું ઋણ ચૂકવવાનો સમય

ગુજરાત પોલીસમાં છેલ્લાં દોઢેક દસકથી કામગીરીના આધારે નહીં, પરંતુ ભલામણથી નિમણૂક મળે છે. રાજકીય નેતાની ભલામણ ચિઠ્ઠીથી IPS થી લઈને PSI સુધીના અધિકારીઓને મનપસંદ જગ્યાએ નોકરી કરવાનો લાભ મળે છે. સામાન્ય દિવસો કરતાં ચૂંટણી ટાણે દેશી-વિદેશી દારૂની ભારે ખપ રહે છે અને તે પૂરી કરવા માટે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ બુટલેગરો અને નેતાઓ વચ્ચેની કડી બને છે. ભારે મતદાન કરાવવા માટે પ્યાસીઓ સૌથી સરળ શિકાર છે. ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ નેતા અને પક્ષના નામે ચૂંટણી ટાણે થતી વિદેશી દારૂની હેરફેરમાં પોતાના ફાયદા માટે ખુલ્લેઆમ મદદ કરતા હોય છે.

 

ચોર રસ્તાઓથી આવે છે ગુજરાતમાં દારૂ

આચારસંહિતા (Code of Conduct) લાગુ થતાંની સાથે જ ગુજરાત તેમજ આસપાસના રાજ્યોની સરહદ પર સર્વેલન્સ વધારી દેવામાં આવ્યું છે. બેનામી નાણા અને દારૂની હેરફેર અટકાવવા આખા રાજ્યમાં સવાસોથી વધુ ચેકપોસ્ટ કાર્યરત કરાઈ હોવા છતાં ગુજરાતમાં દેશી-વિદેશી દારૂ આસાનીથી મળી રહ્યો છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે જોડાયેલી સરહદ પર આવેલા ચોર રસ્તાઓનો ઉપયોગ કરીને નાના વાહનોમાં વિદેશી દારૂ (IMFL) ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે. ચૂંટણી માટે લવાતા દારૂની હેરફેર સામે સ્થાનિક પોલીસથી માંડીને એજન્સીઓને આંખ મીચામણા કરવાના આદેશ મળી ગયા છે.

કિંમતી મતની સામે હલકી કક્ષાનો દારૂ

ચંદીગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ દમણથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘૂસાડવામાં આવે છે. પ્યાસીઓની પ્યાસ બુજાવતા પરપ્રાંતીય દારૂના ઠેકેદારો અને બુટલેગરો ચૂંટણી ટાણે હલકી કક્ષાનો વિદેશી દારૂ ઠાલવતા હોય છે. રાજકીય પક્ષો અને નેતાઓ દ્વારા મફતમાં પિરસવામાં આવતા દારૂની જેવી કિંમત ચૂકવાય તેવી ગુણવત્તાવાળો માલ બુટલેગરો આપે છે. મતના બદલામાં અપાતો વિદેશી દારૂ સિંગલ ફિલ્ટર (નિમ્ન કક્ષાનો) હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. ચોક્કસ વિસ્તારોમાં દેશી દારૂ અને બાકી મોટાભાગે શહેર-જિલ્લાઓમાં વિદેશી દારૂની માગ રહે છે.

 

SMC ના સૌથી વધુ કેસ રનિંગ રેડના

ગુજરાતમાં પ્યાસીઓની માગ અને ચૂંટણી હોવાથી પ્રતિદિન ટ્રકો ભરીને વિદેશી દારૂ બુટલેગરો પોલીસના મેળાપીપણાથી ઠલવાઈ રહ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ તરફથી કરવામાં આવેલા દારૂના કેસોમાં મોટાભાગના એટલે કે, 80 ટકા જેટલાં રનિંગ રેડ (Running Raid) ના છે. રનિંગ રેડમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો જે-તે વિસ્તારમાંથી પકડાય તો નિયમાનુસાર સ્થાનિક પોલીસ અધિકારીને જવાબદાર ગણી શકાય નહીં. એસએમસી ટીમના (SMC Team) કેટલાંક અધિકારીઓ રનિંગ કેસ માટે કુખ્યાત છે. બેએક સપ્તાહ અગાઉ Nirlipt Rai એ બુટલેગર અને સ્થાનિક પોલીસ સાથે સાંઠગાંઠ ધરાવતા પોલીસ અધિકારીઓને Team SMC માંથી રવાના કરી દીધાં છે. નિર્લિપ્ત રાયની એસએમસીમાંથી અત્યાર સુધીમાં એક ડઝન જેટલાં ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ તેમજ રવાના કરી દેવાયાં છે.

 

ઘટી રહેલાં આંકડા પોલીસની જૂની રમત

ચૂંટણી પંચ (Election Commission) આચારસંહિતા દરમિયાન પકડાતો દારૂ, ડ્ર્ગ્સ અને બેનામી રોકડના ખેલથી પૂરેપૂરી રીતે વાકેફ છે. ગુજરાત પોલીસ દ્વારા ચૂંટણી પંચને કામગીરીના આંકડા રોજે રોજ મોકલવાના હોય છે અને તેથી જ પોલીસ ચૂંટણી ટાણે સક્રિય થઈ જાય છે. આચારસંહિતાનો અમલ શરૂ થવાના સમયે પકડાતો દારૂનો જથ્થો મતદાનના દિવસો નજીક આવતા ઓછો થવા લાગે છે. અસરકારક કામગીરીના બહાના હેઠળ ધીરે ધીરે આંકડાઓ ઘટાડવાની પોલીસની રમત વર્ષો જૂની છે. છેલ્લાં કેટલાંક દિવસોના આંકડા આ વાતને સમર્થન આપી રહ્યાં છે.

 

નિર્લિપ્ત રાયના કિસ્સામાં સંજોગ કે ગોઠવણ ?

દેશમાં લોકસભાની 543 બેઠકો માટે કુલ 7 તબક્કામાં મતદાન યોજવામાં આવ્યું છે. ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા નિષ્પક્ષ ઈલેકશન યોજાય તે માટે અન્ય રાજ્યમાંથી IAS અને IPS અધિકારીઓને જુદીજુદી બેઠકો પર ઓબર્ઝવર તરીકે મોકલવામાં આવે છે. ગુજરાતમાંથી આ વખતે 24 IPS અધિકારીઓને ઈલેકશન ઓબર્ઝવર (Election Observer) તરીકે પસંદ કરાયા છે. કેટલાંકે ગોઠવણ કરી EO તરીકેની કામગીરીમાંથી રાહત મેળવી લીધી છે. તો કેટલાંક અધિકારીઓ જવાબદારી પૂર્ણ કરીને પરત ફર્યા છે. નિર્લિપ્ત રાયની વાત કરીએ તો, તેમને ગુજરાતમાં એક તબક્કામાં યોજાનારી ચૂંટણી ટાણે મધ્યપ્રદેશ (Madhya Pradesh) મોકલવામાં આવ્યાં છે. 23 એપ્રિલના Nirlipt Rai મધ્યપ્રદેશ જવા રવાના થયેલા 20 દિવસ બાદ 14  મેના મતદાન પ્રક્રિયા પૂર્ણ કરાવી તેઓ ગુજરાત પરત ફરશે. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજાવાનું છે. ઈલેકશન ઓબર્ઝવર તરીકે નિર્લિપ્ત રાય માટે નક્કી કરવામાં આવેલો સમયગાળો સંજોગ છે કે ગોઠવણ ? તે ચૂંટણી પંચ જ કહી શકે. જે હોય તે, પરંતુ Gujarat Police ના ભ્રષ્ટ અધિકારીઓ અને દારૂ મંગાવવા ઉત્સુક નેતાઓમાં હાલ ખુશીનો માહોલ છે.

આ  પણ  વાંચો ACB Gujarat : એએસઆઈએ 5 લાખની લાંચ લેવા સગા ભાઇને મોકલ્યો

આ  પણ  વાંચો UAE લઈ જવાતાં સિમ કાર્ડનો જથ્થો પોલીસે પકડ્યો પણ કેસ ના કર્યો

આ  પણ  વાંચો – Kutch Police : આંદોલનમાં ક્ષત્રિયોની પડખે રહેનારા પર સરકારની નજર

Whatsapp share
facebook twitter