+

Dahod : દારૂની ખેપ મારતા યુવકનું મોત, બુટલેગરો સહિતના ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરી કોન્સ્ટેબલને માર્યો

પાડોશી રાજ્યમાંથી ગુજરાતના છેવાડાના જિલ્લાઓમાં વિદેશી દારૂ (IMFL) ઘૂસાડવાની પ્રવૃત્તિ વર્ષોથી ચાલતી આવે છે. દાહોદ જિલ્લા (Dahod District) માં છેલ્લાં કેટલાંક મહિનાઓથી પોલીસે દારૂના ગેરકાયેદસર ધંધા (Illegal Business of Liquor)…

પાડોશી રાજ્યમાંથી ગુજરાતના છેવાડાના જિલ્લાઓમાં વિદેશી દારૂ (IMFL) ઘૂસાડવાની પ્રવૃત્તિ વર્ષોથી ચાલતી આવે છે. દાહોદ જિલ્લા (Dahod District) માં છેલ્લાં કેટલાંક મહિનાઓથી પોલીસે દારૂના ગેરકાયેદસર ધંધા (Illegal Business of Liquor) પર તવાઈ બોલાવી છે. સાથે જ ગામડાઓ તેમજ જંગલમાંથી નાના વાહનોમાં દારૂ ઘૂસાડવાના નેટવર્કને તોડી પાડવા પોલીસ સતત પ્રયત્નશીલ રહે છે. આવા જ એક કિસ્સામાં ટુ વ્હીલર પર દારૂની ખેપ મારતા યુવાન બુટલેગરનું અકસ્માતમાં મોત થતાં તેના સાથીદારે પોલીસ પર હત્યાના આરોપ લગાવ્યા છે. બુટલેગરના મોત (Bootlegger’s Death) બાદ શરૂ થયેલા ઘટનાક્રમમાં દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન (Dahod Rural Police Station) માં મૃતદેહ મુકી એકઠાં થયેલા ટોળાએ પથ્થરમારો કરી પોલીસ કર્મચારીને નિશાન બનાવી માર માર્યો હોવાની ઘટના ઉમેરાઈ છે.

શું છે સમગ્ર મામલો : દિવાળીના તહેવારોમાં એટલે કે, 13 નવેમ્બરના રોજ દાહોદ રૂરલ પોલીસ રાજપુર ગામની સીમ પાસે મોટર સાયકલની આડાશ મુકીને ખેપીયાઓને પકડવા ઉભી હતી. આ સમયે સવારે 11.30 કલાકે એક બાઈક અને એક મોપેડ પર કેટલાંક લોકો દારૂના પોટલા લઈને દાહોદ તરફ આવી રહ્યાં હતા. બાદલ અમરસિંગ સાંસીની બાઈક પાછળ રવિ સિસોદીયા-સાંસી દારૂ ભરેલું પોટલું લઈને બેઠો હતો. જ્યારે નંબર પ્લેટ વિનાની મોપેડ ચલાવતા નિતીન અમરસિંગ સાંસીના પગ પાસે દારૂ ભરેલું પોટલું હતું. જ્યારે તેની પાછળ પ્રિન્સ તેરવા અને મિનેષ ડાંગી બેઠા હતા. પોલીસને જોઈને ભાગવા માટે બુટલેગરોએ રસ્તામાં આડશ માટે રાખેલી પોલીસની બાઈકને ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ બેલેન્સ ગુમાવી દેતા બંને ટુ વ્હીલર એકબીજા સાથે ટકરાયા બાદ નાળાની દિવાલમાં ટકરાયા હતા. અકસ્માત થતાં નિતીન સાંસી બર્ગમેન નીચે દબાઈ જતા તેને કપાળ અને હાથ-પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે બાદલને કપાળ તેમજ પગમાં, રવિને માથા તથા પગમાં ઈજા પહોંચી હતી. જ્યારે પ્રિન્સ અને મનિષ ખેતરમાં ફંગોળાઈને પટકાયા હતા. પ્રિન્સ તેરવાએ મોબાઈલ ફોનથી ઘટનાની જાણ તેના પરિવાર-સંબંધીઓને કરતા લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને ખાનગી વાહનોમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. નિતીન સાંસીને ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નિપજ્યું હતું. નિતીનના મોત બાદ પરિવારજનો અને સાંસી સમાજના આગેવાનો સહિતના લોકો લાશ લઈને દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે એકઠાં થયા. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશન, જીપ તેમજ ત્યાં ઉભેલી શબવાહીની પર પથ્થરમારો કરી કાચ તોડી નાંખ્યા હતા. સાંસી સમાજના આગેવાનોને સમજાવવા તેમજ ન્યાયિક કાર્યવાહીની ખાતરી આપવા ગયેલા પોલીસ કોન્સ્ટેબલ નિતેશ કનુભાઈને જાતિ વિષયક શબ્દો, ગાળો આપી હુમલો કર્યો હતો. તે જ દારૂના ધંધા બંધ કરાવ્યા છે તેમ કહી કોન્સ્ટેબલ નિતેશભાઈને પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાંથી ખેંચી જઈને ગડદાપાટુનો માર મારી કપડા ફાડી નાંખ્યા હતા. પોલીસ સ્ટેશનના અન્ય કર્મચારીઓએ હળવો લાઠીચાર્જ કરીને નિતેશભાઈને છોડાવ્યા હતા.પોલીસે શું કાર્યવાહી કરી : વિદેશી દારૂની ખેપ મારતા બુટલેગર યુવકના મોતને લઈને દાહોદ રૂરલ પોલીસે મૃતક નિતીન સાંસી અને તેના ભાઈ બાદલ સાંસી સામે બેદરકારીથી મૃત્યુ નિપજાવવાનો, પૂરઝડપે વાહન ચલાવવાનો તેમજ મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. મધ્યપ્રદેશ (Madhya Pradesh) થી ટુ વ્હીલર પર વિદેશી દારૂની બોટલ અને બીયરના 36 ટીન લઈને આવતા મૃતક નિતીન સાંસી, બાદલ સાંસી, રવિ સિસોદીયા-સાંસી, મિનેશ ડાંગી અને પ્રિન્સ તેરવા સામે દારૂબંધીના ગુના (Gujarat Prohibition Act) હેઠળ કેસ નોંધ્યો છે. આ ઉપરાંત પોલીસ સ્ટેશન, વાહન, શબવાહીની પર પથ્થરમારો તેમજ કોન્સ્ટેબલ પર હુમલો કરનારા 300થી 400 લોકોના ટોળા સામે રાયોટિંગ તેમજ સરકારી મિલકતને નુકશાન કરવાનો ગુનો નોંધ્યો છે.રાયોટિંગમાં 88 આરોપીના નામ ખોલ્યા : દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આતંક મચાવનારા બુટલેગરો સહિતના 300 થી 400 તત્વો સામે નોંધાયેલી ફરિયાદમાં  88 આરોપીઓના નામનો ઉલ્લેખ કરાયો છે. પોલીસ ફરિયાદમાં 68 આરોપીઓના નામ ઘટના સ્થળે ઉતારવામાં આવેલા મોબાઈલ ફોનમાં ઉતારેલા વીડિયો (Mobile Phone Video) ના આધારે ખોલવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં પોલીસે સ્થળ પરથી તેમજ કોમ્બીંગ કરીને કુલ 35 આરોપીની ધરપકડ કરી ચૂકી છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ જારી છે.મૃતકના ભાઈનો આરોપ : મૃતક નિતીન સાંસીના સગા ભાઈ બાદલ અમરસિંગ સાંસીના નામથી દાહોદ જિલ્લા પોલીસ વડા (Dahod DSP) ને લેખિત અરજી આપવામાં આવી છે. અરજીમાં બાદલે જણાવ્યું છે કે, નિતીન અને પોતે ટુ વ્હીલર પર માલ લઈને ભાઠીવાડા તરફથી આવતા હતા. ત્યારે દાહોદ રૂરલ ડી સ્ટાફે અમારા વાહનનો પીછો કરી ટક્કર મારતા અમે નીચે પડી ગયા હતા. અમને લાકડી વડે તેમજ ગડદાપાટુનો માર મારી તમામ ડી સ્ટાફના કર્મચારી ભાગી ગયા હતા. અરજીમાં નિતેશ કનુભાઈ, સુનિલ, ઈશ્વર, પંકજ, કમલેશ, સંજય તથા અન્ય તમામ પોલીસ કર્મચારીઓ સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે, અરજીમાં સહી ભાઈ સુનિલ અમરસિંગ સાંસીએ કરી છે.પોલીસને દબાવવાનો પ્રયાસ ? : દારૂનો જથ્થો લઈને ભાગવા જતાં બુટલેગર યુવકનું અકસ્માતમાં મોત થયા બાદ કેટલાક ચોક્કસ તત્વો સક્રિય થઈ ગયા છે. જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલા (Rajdeepsinh Zala IPS) એ મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ (Panel Postmortem) કરાવવા અને પોલીસ પર લાગેલા આરોપની તપાસ કરવાની ખાતરી આપી છે. આમ છતાં મૃતદેહને પોલીસ સ્ટેશન ખાતે લાવી ટોળાને ઉશ્કેરી કેટલાક તત્વોએ હુમલો કરાવ્યો છે. દારૂના ધંધા સાથે જોડાયેલા કેટલાંક તત્વો યુવાન બુટલેગરના મોત પર આરોપ લગાવી પોલીસનું નાક દબાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પર આરોપ લગાવનાર બાદલ સાંસી પર વર્ષ 2014થી 2023 દરમિયાન પ્રોહીબીશનના 8 કેસ અને સુનિલ સાંસી પર વર્ષ 2016થી 2022 દરમિયાન પ્રોહીબીશનના 11 કેસ છે. જ્યારે મૃતક નિતીન સાંસી પર વર્ષ 2021માં પ્રોહીબીશનના 3 કેસ નોંધાઈ ચૂક્યાં છે.

 

આ  પણ   વાંચો –હવે નહીં ચાલે ગુજરાત હાઈકોર્ટમાં ક્રમ બદલવાની રમત

 

Whatsapp share
facebook twitter