+

સંતાનને ઘડી શકાય પણ એ કેવું બનશે એની કોઈ ગેરન્ટી ન હોય શકે

કોઈ પણ પરિવાર હોય એ પછી ધનવાન હોય કે ગરીબ, એ કોઈ પણ જ્ઞાતિમાંથી આવતું હોય એ કેવા પ્રકારનો વ્યક્તિ બનશે એની ગેરન્ટી ક્યારેય કોઈ ન આપી શકે. દરેક જન્મતું બાળક સંસ્કારી બને, સારો નાગરિક બને એવી જ એના જન્મદાતાની મરજી હોય. કોઈ બાળક મોટું થઈને કેવું બનશે એની તમે ગેરન્ટી આપી શકો?  આપણે તરત જ જવાબ આપીએ કે, એ તો એનો ઉછેર કેવો છે એના ઉપર આધાર રાખે છે? શું ફક્ત ઉછેર જ મહત્ત્વનો છે? આ સવાલનો જવાબ છે ના
કોઈ પણ પરિવાર હોય એ પછી ધનવાન હોય કે ગરીબ, એ કોઈ પણ જ્ઞાતિમાંથી આવતું હોય એ કેવા પ્રકારનો વ્યક્તિ બનશે એની ગેરન્ટી ક્યારેય કોઈ ન આપી શકે. દરેક જન્મતું બાળક સંસ્કારી બને, સારો નાગરિક બને એવી જ એના જન્મદાતાની મરજી હોય. કોઈ બાળક મોટું થઈને કેવું બનશે એની તમે ગેરન્ટી આપી શકો?  
આપણે તરત જ જવાબ આપીએ કે, એ તો એનો ઉછેર કેવો છે એના ઉપર આધાર રાખે છે? શું ફક્ત ઉછેર જ મહત્ત્વનો છે? આ સવાલનો જવાબ છે ના. કોઈપણ બાળક કેવું બનશે એનો આધાર ઉછેર, કેળવણી, અભ્યાસ, સંગત, વાચન, માહોલથી માંડીને અનેક બાબતો પર રહેલો છે.  
એક નિઃસંતાન યુગલની વાત છે. એમના નજીકના ઓળખીતા પરિવારમાં બે બાળકો છે. એક દીકરી અને એક દીકરો એમ આ બે બાળકોના મા-બાપ એક અકસ્માતમાં અવસાન પામ્યા. એ યુગલને દીકરીને દત્તક લેવી છે. એમનું કહેવું એવું છે કે, આ દીકરી બહુ સંસ્કારી મા-બાપની છે. અમને એના રુટ્સ ખબર છે એટલે એને ખોળે લઈ લઈએ. એ ઉચ્ચ ખાનદાનની છે એટલે એ સારી માણસ જ બનશે. અનાથ આશ્રમમાં કોનું બાળક હોય એ ખબર ન પડે એટલે થોડું મન ન માને.  
આ યુગલની વાત સાંભળીને અનેક વિચારો આવ્યા. કુળ અને મૂળ સંસ્કારી હોય તો તમે સારા જ વ્યક્તિ બનો એની કોઈ ગેરન્ટી ખરી? બાળકની કેળવણી ઉચ્ચ કોટિની કરી હોય તેમ છતાં એ વ્યક્તિ તરીકે સારું ન બને તો વાંક કોનો? આ સવાલો વિચાર માગી લે તેવા છે.  
બહુ જ જાણીતા ફિલ્મ નિર્માતા અભિષેક જૈને એક મુલાકાતમાં વાત કહી હતી. એમને ગુજરાતથી મુંબઈ ભણવા જવું હતું. એમના પિતા એને કેમેય હા ન પાડે. પિતાને એવો ડર સતાવે રાખે કે, મુંબઈની હવામાં દીકરો બગડી જશે. સમાજમાં જવાબ આપવો અઘરો પડી જાયથી માંડીને તેમને દીકરો મોર્ડન માહોલમાં શરાબ અને ડ્રગ્સના રવાડે ચડી જશે કે છોકરીઓની બાબતમાં પણ એનું મન આડે પાટે ચડી જશે તો… દીકરાના બગડી જવાનો ડર એમના મનમાં એટલો પેસી ગયેલો કે એમની ના ની હા નહોતી પડતી.  
અભિષેક જૈને એ વાતને આગળ ધપાવતા કહેલું કે, એક વખત મારો જવાનો દિવસ નક્કી થઈ ગયેલો. મને મુંબઈની  કોલેજમાં એડમિશન મળી ગયેલું. પિતાનું મન દીકરાની બગડી જવાની ચિંતામાં લાગણીમાં આવી ગયું અને એને ના ભણી દીધી. મેં  અને મમ્મીએ ઉદાસ મન સાથે સામાન અનપેક કર્યો અને એ દિવસે સાંજે જ માતા-પિતા સાથે હું એક પાર્ટીમાં ગયો. રાત્રે પાર્ટીમાંથી આવીને એમણે પિતાને એક લેટર લખ્યો. એમાં એમણે લખ્યું કે, હું બગડી જઈશ એવી તમને ચિંતા છેને? મારે બગડી જવા માટે અહીં પૂરતા કારણો છે. ગઈકાલની પાર્ટીમાં યંગ જનરેશનને આકર્ષે એવું બધું જ હતું. જો મારે બગડવું હોય તો અહીં પણ બગડીશ અને નહીં બગડું તો મુંબઈમાં આ બધું અવેલેબલ હશે તો પણ નહીં બગડું. માટે મારી ઉપર ભરોસો રાખો અને મને જવા દો.  
આજના સમયમાં બાળકનો ઉછેર એ સૌથી કઠિન અને મહેનત માગી લે એવું કામ છે. દરેક મા-બાપને એવી ચિંતા હોય છે કે, એનું બાળક સારી સોબતમાં તો છે ને? નાની વયમાં બાળકને હાથમાં સ્માર્ટ ફોન આપતાં દરેક પેરેન્ટ્સને એક પ્રેશર સતત રહે છે કે, એ કંઈ આડુંઅવળું તો નહીં જોતું હોયને? આ ચિંતા વાજબી પણ છે.  
મા-બાપ પોતે વેલ સેટલ્ડ હોય. વ્યક્તિ તરીકે યુગલ તરીકે એમની સારી ઓળખ હોય. એ પછી સંતાન જો થોડુંક પણ સામે બોલે એવું કે ન માને એવું બને કે પછી ભણતરમાં ધ્યાન ન રાખે એવું બને તો મા-બાપ વિચારતા હોય છે કે, અમારી કેળવણીમાં ક્યાં ખામી રહી ગઈ? ઘણાં ઉચ્ચ ખાનદાન કે સારી નામના ધરાવતા પરિવારની આગલી પેઢી કોઈ ગુનામાં સંડોવાયેલી હોય ત્યારે પણ સમાજમાં સવાલ થતો હોય  છે કે, આ પરિવારનું સંતાન આવું કેવી રીતે હોય શકે?  
સંતાન કેવું દેખાશે એ તમારા ડીએનએ નક્કી કરી શકે. પણ સંતાન વ્યક્તિ તરીકે કેવું બનશે એ છાતી ઠોકીને કોઈ ન કહી શકે. માણસ વ્યક્તિ તરીકે કેવો બને એનો આધાર અનેક પરિબળો પર રહેલો છે. માત્ર સંસ્કારી  વાતાવરણ કે શ્રેષ્ઠ કેળવણી આપી દેવાથી વ્યક્તિ સારી બને એની કોઈ ગેરન્ટી નથી હોતી.  
બાળક અનાથ આશ્રમમાંથી દત્તક લીધું હોય કે પછી તમારાં લોહીમાંથી જન્મેલું હોય એના સારા વ્યક્તિત્વ માટે તમે પ્રયત્ન કરી શકો. સારી કેળવણી, સંસ્કાર, યોગ્ય નાગરિક બનવાની તાલીમ, વાચન, ભણતર વગેરે તમે એને આપી શકો. પરંતુ, વ્યક્તિત્વ તો એની ખુદની ઓળખ છે. બાળક યુવાન બનીને કેવો માણસ બનશે કે કેવો વ્યક્તિ બનશે એનો આધાર કોઈ એક વાત, વર્તન, વિચાર કે સોબત ન હોય શકે. ઘણું બધું ઝીલીને, જોઈને, વિચારીને વ્યક્તિત્વ ઘડાતું હોય છે. હા ઘણાં કિસ્સાઓમાં નસીબ અને સંજોગો ઉપર છોડી દેવાતું હોય છે. પરંતુ, ફક્ત નસીબ અને સંજોગો જ જવાબદાર છે એવું કહેવું પણ યોગ્ય તો ન ગણાય. સંતાન કેવું બનશે એ દરેક મા-બાપ માટે બ્લાઈન્ડ બાજી કે સરપ્રાઈઝ  જ રહેવાની છે.
Whatsapp share
facebook twitter