Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગીરનારની ભવનાથ તળેટીમાં ઐલૌકિક મહાશિવરાત્રીના મેળાનો થશે પ્રારંભ, જૂનાગઢમાં ગુંજશે હર હર મહાદેવનો નાદ

09:21 PM Apr 14, 2023 | Vipul Pandya

જૂનાગઢની ભવનાથ તળેટીમાં આવતીકાલથી મહાશિવરાત્રીના મેળાનો વિધિવત રીતે પ્રારંભ થશે, મેળામાં દર વર્ષની જેમ લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે ત્યારે મેળાને લઈને સાધુ સંતો, વહીવટી તંત્ર, મહાનગરપાલિકા, પોલીસ તંત્ર, એસ.ટી. વિભાગ, મંદિરો અને આશ્રમોના મહંતો તથા નાના મોટા ધંધાર્થીઓ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મંદિરો અને આશ્રમોમાં સાફ સફાઈ કરીને શણગારવામાં આવ્યા છે અને સાધુસંતો માટે મંડપો બાંધવામાં આવ્યા છે, સાધુ સંતોનું આગમન થઈ ગયું છે, ધૂણાઓ લાગી ગયા છે અને સંતોએ આસન જમાવ્યા છે અને સમગ્ર ભવનાથ વિસ્તાર શિવમય અને મેળામય બની ગયું છે.

જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં મહા વદ નોમ થી ચતુર્દશી સુધી મહાશિવરાત્રીનો મેળો ભરાય છે, નોમના દિવસે ધજા ચઢે છે અને ત્યારથી જ ભવનાથમાં સાધુસંતોનું આગમન થઈ જતું હોય છે, મહા માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી એટલે મહાશિવરાત્રી, મહાશિવરાત્રીના દિવસે રાત્રીના ભવનાથમાં નાગા સાધુની રવાડી નીકળે છે અને મધ્યરાત્રીએ નાગા સાધુના મૃગીકુંડમાં શાહી સ્નાન બાદ ભવનાથ મહાદેવની મહાઆરતી સાથે મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ થાય છે  આ સાધુસંતો ભવનાથમાં પાચ દિવસ સુધી ધૂણો લગાવે છે જેના માટે ભવનાથ વિસ્તારમાં ભવનાથ મંદિર આસપાસ સાધુના ધૂણા તૈયાર કરવામાં આવે છે.

મનપા તંત્ર દ્વારા મહાશિવરાત્રીના મેળા દરમિયાન ખાસ કરીને સફાઈ તથા પાણીની વ્યવસ્થા જોવામાં આવે છે, તો પીજીવીસીએલ દ્વારા લાઈટ તથા વાહન વ્યવહાર માટે એસ.ટી. તંત્ર વ્યવસ્થા જૂએ છે, ખાસ કરીને જ્યારે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોય ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની જવાબદારી મહત્વની બની જાય છે, મહાશિવરાત્રીના મેળાને લઈને જૂનાગઢ પોલીસ દ્વારા અઢી હજાર જેટલા પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવનાર ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પોલીસ તત્પર છે ત્યારે મેળામાં કોઈ ખોટી રીતે અફવા ન ફેલાવે તેના માટે પણ પોલીસે લોકોને અપીલ કરી છે, મેળા દરમિયાન ખીસ્સા કાતરૂ, પાકીટ, મોબાઈલ ચોરી જેવી ઘટના બનતી હોય છે ત્યારે આ અંગે પણ પોલીસ દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે અને સીસીટીવી તથા ડ્રોનની મદદથી મોનિટરીંગની વ્યવસ્થા કરવામાં આવી છે, મેળાની સુરક્ષા માટે ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, સ્કેનર વગેરે સાધનો દ્વારા ચેકીંગ થશે તથા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ કરવામાં આવશે, પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સતત ફુટ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. આમ મેળો સુરક્ષિત રીતે સમ્પન્ન થાય તે માટે તકેદારી લેવામાં આવી છે.

આ વખતે મહાશિવરાત્રીના મેળામાં એક મોટો શંખ આકર્ષણનું કેન્દ્ર રહેશે, ભવનાથ મહાદેવ મંદિર ખાતે અંદાજે 300 કીલોનો મોટો આર્ટીફીશ્યલ શંખ મુકવામાં આવ્યો છે, શંખની વિધિવત રીતે પૂજા કરીને તેને પ્રસ્થાપિત કરવામાં આવશે, આ શંખ મુબઈના આર્ટીસ્ટ કૃપા શાહ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, કૃપા શાહ દ્વારા અગાઉ પણ આ પ્રકારના શંખ જ્યોતિર્લીંગ ઉપરાંત હરીદ્વાર હર કી પૈડી અને મુંબઈમાં તારદેવ સર્કલ, બાબુલનાથ મંદિર, મુંબાદેવી ખાતે મુકવામાં આવ્યા છે, શંખ દેવોનું વાદ્ય છે અને શંખ ધ્વનિ તેનો નાદ એક પોઝીટીવ ઉર્જાનો સંચાર કરે છે, તેમાં પણ શિવ મંદિરમાં શંખનું મહાત્મ્ય વધી જાય છે, લોકોમાં શંખ માટે જાગૃતિ આવે અને લોકોને શંખની મહત્વતા સમજાય તે હેતુ એક મોટા આકારનો શંખ આ વખતે જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં જોવા મળશે.

મહાશિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો આવતાં હોય છે, તેથી એસ.ટી. વિભાગ દ્વારા ભવનાથ માટે ખાસ બસ સેવા શરૂ કરવામાં આવે છે, સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી ધારાસભ્ય સંજય કોરડીયાએ ભવનાથ માટેની બસને પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા એસ.ટી. નિગમને નવી 151 બસો ફાળવવામાં આવી છે જે પૈકી જૂનાગઢ ડિવિઝનને 14 નવી બસો આપવામાં આવી છે જેમાં 4 સ્લીપર કોચ અને 10 ટુ બાય ટુ લકઝરી બસનો સમાવેશ થાય છે, આ સાથે જૂનાગઢ ડિવીઝનમાં બે નવા રૂટની પણ શરૂઆત કરવામાં આવી, જેમાં સોમનાથ ગાંધીનગર અને કેશોદ નાથદ્વારા બસનો પ્રારંભ કરવામાં આવ્યો, મહાશિવરાત્રીના મેળામાં જવા માટે 56 બસો ફાળવવામાં આવી છે જેનું ભાડું વીસ રૂપીયા રાખવામાં આવ્યું છે, આ તમામ બસોને ધારાસભ્ય સંજય કોરડીયા અને મેયર ગીતાબેન પરમારે શ્રીફળ વધેરી લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.