+

શા માટે સવારના સમયમાં પુરૂષોની સરખામણીએ સ્ત્રીઓનો મૂડ ખરાબ હોય છે ?

શા માટે સવારના સમયમાં પુરૂષોની સરખામણીએ સ્ત્રીઓનો મૂડ ખરાબ હોય છે ?! સાવ સીધો જવાબ છે… સ્ત્રીઓને સવારના પહોરમાં ઉઠાવવી પડતી જવાબદારીઓ. પુરૂષો સવારના પહોરમાં ઉઠીને તૈયાર ચાની ચૂસકીઓ સાથે…

શા માટે સવારના સમયમાં પુરૂષોની સરખામણીએ સ્ત્રીઓનો મૂડ ખરાબ હોય છે ?! સાવ સીધો જવાબ છે… સ્ત્રીઓને સવારના પહોરમાં ઉઠાવવી પડતી જવાબદારીઓ. પુરૂષો સવારના પહોરમાં ઉઠીને તૈયાર ચાની ચૂસકીઓ સાથે છાપા ફંફોળે છે કે ફોન પર વાતો કરે છે. જ્યારે સ્ત્રીઓને શ્વાસ લેવાની ફુરસદ નથી હોતી. (સવારના સ્ત્રીઓને કરવા પડતા કામો જો ગણાવવા બેસીશ તો આખો લેખ એમાં જ પૂરો થઈ જાય તેમ છે.) સ્વાભાવિક છે ‘બોરિંગ’ અને ‘થેન્કલેસ’ દિનચર્યા સાથે ઉઠતી સ્ત્રી કેવી રીતે મૂડમાં હોઈ શકે ? વેકેશન પર જતી સ્ત્રીઓ માટે સૌથી આનંદદાયક વાત સવારની આ ધમાચકડીમાંથી મળતી મુક્તિ હોય છે.

સ્ત્રીની  અપૂરતી ઊંઘ

આ ઉપરાંત ખરાબ મૂડનું બીજું કારણ અપૂરતી ઉંઘ અથવા ઊંઘની સમસ્યા છે. ઘણી સ્ત્રીઓની ઉંઘ જ પૂરી નથી થતી હોતી. રાત્રે મોડે સુધી જાગવું પડે તો’ય સવારે તો ઉઠવાનો સમય નક્કી જ હોય. પુરૂષોની સરખામણીએ સ્ત્રીઓને અનિંદ્રા જેવી ઊંઘની સમસ્યાઓ પણ વઘુ પ્રમાણમાં સતાવતી હોય છે. સ્વાભાવિક છે અપૂરતો આરામ લઈને ઉઠેલી વ્યક્તિ જવાબદારીઓની ઘરેડમાં જોડાય અને એ’ય તાજગી સાથે – અપેક્ષા જરા વધારે પડતી નથી ?!

આ ઉપરાંત ગૃહિણીઓને દરેક સવાર પોતે બહાર કામ નથી કરતી તેની આડકતરી યાદ તેના સુષુપ્ત મનમાં કરાવે છે, તો બહાર કામ કરતી સ્ત્રીઓને રીતસર દોડાવે છે, બાળકોને મુકીને જવામાં ગીલ્ટ પણ ક્યારેક સતાવે છે… વગેરે પરિબળો પણ પોતાનો વત્તો-ઓછો ભાગ ભજવે છે.

પુરૂષ ઘરકામમાં મદદ નથી કરતો

‘એક તો સવારના કામમાં કશી’ય મદદ કરવી નહીં પછી પાછું કહેવું કે સ્ત્રીઓ સવારના મૂડમાં નથી હોતી’ સ્વાભાવિક છે કોઈપણ સ્ત્રીને મજા આવે એવી આ વાત નથી. આનો ઉપાય શું ?! ઉપાય એટલો જ કે એને ઘરકામમાં મદદ ન કરો તો કંઈ નહીં, સવારના એનું કામ ન વધારો (છાપા ગમે તેમ ફેંકીને), ઓર્ડરો ન છોડો, સલાહ-સૂચનો ના આપો (એ આપવા આખો દિવસ પડ્યો છે – સવારે તો નહીં જ) અને બહાર વેકેશન પર ગયા હોવ તો એને એની રીતે સવાર માણવા દો. ફટાફટ ઉઠીને ‘સાઈટ સીઈંગ’ માટે તૈયાર ના થઈ જાવ. (સાલુ, આ તો ટૂર ઓપરેટરે વિચારવું જોઈએ !) સ્ત્રીને સવારના ત્વરિત મૂડમાં લાવવાની એક અસરકારક ટીપ આપું? એના કરતા પહેલા ઉઠીને ચા બનાવીને પછી એને ઉઠાડો. મને ખબર છે પુરુષો આ ટીપ બદલ મને કેટલી જોખશે એટલે બીજી ટીપ નહિ આપું. ચાલો, હવે આ છાપું વ્યવસ્થિત ગોઠવીને નાહવા જાવ એટલે એને બીજા કામની સૂઝ પડે…!(ના પાડવા છતાં’ય બીજી ટીપ આપી દીધી !!)

Whatsapp share
facebook twitter