+

આપણે વર્કના માણસ બનવાની જગ્યાએ, વર્ડ્સના માણસો બની ગયા છીએ

ભદ્રાયુ વચ્છરાજાની ગુજરાતના સાક્ષર અને કેળવણીકાર છે. શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રમાં તેઓ વર્ષોથી વિશિષ્ટ યોગદાન આપતા રહ્યા હતા અને એ પોતાની એ શબ્દ યાત્રાના માધ્યમથી હજારો લોકોના જીવનને નવું બળ પૂરું પાડી રહ્યા છે. અહીં તેમણે તેમના સુખ અને દુઃખની વાતો આલેખી છે. પ્રસ્તુત છે ડૉ. ભદ્રાયુ વચ્છરાજાનીની આનંદ અને પીડાની લાગણીઓ… તમારા માટે સુખની વ્યાખ્યા શું? સુખની વ્યાખ્યા બાંધવી થ

ભદ્રાયુ વચ્છરાજાની ગુજરાતના સાક્ષર અને કેળવણીકાર છે. શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રમાં તેઓ વર્ષોથી વિશિષ્ટ યોગદાન આપતા રહ્યા હતા અને એ પોતાની એ શબ્દ યાત્રાના માધ્યમથી હજારો લોકોના જીવનને નવું બળ પૂરું પાડી રહ્યા છે. અહીં તેમણે તેમના સુખ અને દુઃખની વાતો આલેખી છે. પ્રસ્તુત છે ડૉ. ભદ્રાયુ વચ્છરાજાનીની આનંદ અને પીડાની લાગણીઓ…

 

તમારા માટે સુખની વ્યાખ્યા શું?

 સુખની વ્યાખ્યા બાંધવી થોડી મુશ્કેલ છે. કારણ કે અંગ્રેજીમાં એક શબ્દ છે પર્સેપ્શન, ‘ટુ પર્સિવ’ પરથી આ શબ્દ આવ્યો છે. એટલે દરેક વ્યક્તિનું સુખ બાબતનું પર્સેપ્શન જૂદું હોઈ શકે. પણ સુખની મારી વ્યાખ્યા વિશે વાત કરું તો સુખ સર્વત્ર, ચોતરફ, જ્યાં નજર કરો ત્યાં હાજરાહજૂર છે. આવું કહેવા પાછળ મારો એક આધાર છે. કારણ કે ઈશોપનિષદનો જે પહેલો મંત્ર આપણે વારંવાર ઉચ્ચારીએ છીએ, એમાં ય કહેવાયું છે કે,

 

ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते।

पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥

 

એટલે કે ચારે તરફ જે કંઈ છે એ બધુ ય પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ નીકળી જાય પછી જે વધે તે પણ પૂર્ણ છે અને પૂર્ણમાં પૂર્ણને ઉમેરો તો પણ એ પૂર્ણ રહે છે. તો પછી જો સર્વત્ર પૂર્ણ હોય તો એનો અર્થ એવો છે કે પૂર્ણ એ જ સુખ છે. એટલે મારી નજરે તમને મેળવતા આવડે તો સુખ એટલે ચોતરફનો દરિયો.

 

 

તમને આનંદ કઈ કઈ બાબતોમાંથી મળે?

 હું મૂળે આનંદી સ્વભાવનો માણસ છું. હું ઘણીવાર મશ્કરીમાં કહેતો હોઉં છું કે મારું વજન અને કદ ખાસ્સું છે એનું કારણ એ કે આનંદ એ મારું ભોજન છે. આમેય મને કદાચ જમવાનું ન મળે તો ચાલે, પરંતુ દર પાંચ મિનિટે સ્મિત અથવા હાસ્ય ન મળે તો મને મુશ્કેલી પડે છે. આનંદ એ એવી બાબત છે, કે જેને પ્રાપ્ત કરવા માટે તમે મથો નહીં, પણ છતાં ય એ તમને પ્રાપ્ત થાય. કારણ કે કશું કર્યા પછી મળે એ તો ફળ છે. પરંતુ આનંદ એ કોઈ ફળ નથી, બલ્કે આનંદ એ સહજ પ્રક્રિયા છે. અને મારા કિસ્સામાં તો જીવન આખું જ આનંદ છે.

 

આપણું સુખ કોઈના પર આધારિત હોઈ શકે ખરું?

ઍબ્સ્યુલ્યૂટલી ન હોઈ શકે. આપણું સુખ એવું બોલીએ ત્યારે આપણે થોડીક સ્પષ્ટતા એ કરી લેવી પડે કે સુખ, આનંદ કે સંતોષ જેવી બાબતો આપણી અંદર રહેલી હોય છે. અનફોર્ચ્યુનેટલી બહારના ભાગમાં એટલા બધા આવરણો ચઢ્યા છે અને આપણે રોજ નવા આવરણો ચઢાવી રહ્યા છીએ કે આપણને આપણી અંદર જવાની વિચારસરણી ક્યારેય વિકાસ જ નથી પામી. હા, એક રીતે જોવા જઈએ તો આપણો આનંદ બીજા ઉપર આધારિત છે. આપણી પાસે એક સુંદર મજાનું સૂત્ર છે, જીવનની શરૂઆત પરાવલંબનથી થાય, તમે બીજા પર અવલંબિત હો છો. ત્યાંથી આપણો પ્રયાસ સ્વાલંબનનો હોય. પણ ધીરેધીરે કરતા આપણો પ્રયાસ પરસ્પરાવલંબનનો થવો જોઈએ. પણ પરસ્પર એટલે કોણ? મારી આજુબાજુ કોણ હશે? મારા ગમતીલા માણસો હશે. પણ જો મારી આજુબાજુ મારા ગમતીલા માણસો નહીં હોય તો હું એમને દૂર નહીં કરું, પરંતુ હું ત્યાંથી ઊભો થઈને એમને હાથ જોડીને વિવેકથી હું નીકળી જઈશ. મારી આજુબાજુ સરસ મજાના માણસો હશે, આનંદના માણસો હશે, સ્મિતના માણસો હશે, હળવાશના માણસો હશે તો નેચરલી મારું અવલંબન એ પરસ્પરાવલંબન થઈ જશે. આમ આનંદ કે સુખ એ બીજા પર આધારિત નથી, પણ આપણા પર આધારિત છે.

 

આસપાસના માણસો કે સંબંધોથી કંટાળીને ભાગી છૂટવાનું મન થયું છે ક્યારેય?

 આસપાસના માણસો કે સંબંધોથી કંટાળીને ભાગી જવાનું મન તો ઘણી વાર થયું છે. એમ નહીં કહું કે મન નથી થયું. પણ અગાઉ કહ્યું એમ મારો એક સ્વભાવ છે કે જ્યાં સર્જનાત્મક્તાની વાત ન હોય અથવા સુખ- સારપની વાત ન હોય ત્યાં ઝાઝો વખત ઉપસ્થિત ન રહેવું. એટલે આ સંજોગમાં એમ પણ કહી શકાય કે મેં ભાગી જવા કરતા કેટલીક સ્થિતિ કે લોકોથી દૂર થઈ જવાનું વધુ પસંદ કર્યું છે. આખરે આપણે અન્યને સુધારવા અહીં આવ્યા નથી. એટલે કોઈની સાથે દલીલમાં ઉતરવાનું હું પસંદ નથી કરતો. પરંતુ સરસ રીતે પ્રણામ કરીને હું ત્યાંથી ખસી જઉં એવું ઘણીવાર બને છે. આજકાલ તો એવું બહુ બને છે. કારણ કે બીનજરૂરી ચર્ચાઓમાં આપણે સમય બહુ વ્યય કરીએ છીએ. હવે ભારત દેશ એ વાતુડિયો દેશ બની ગયો છે. સૌ પોતાની દલીલો વ્યક્ત કર્યા કરે છે. અનફોર્ચ્યુનેટલી આપણે વર્ડ્સના માણસો બની ગયા છીએ અને વર્કના માણસો રહ્યાં નથી. અને એમાંથી બધા પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે. એટલે એ સ્થિતિમાંથી ભાગી છૂટવાનું એવું નહીં, પરંતુ આપણી જાતને એમાંથી અલિપ્ત કરી લેવાની મને પસંદ પડે છે.

 

તમારા જીવનના કોઈ કપરા સમય વિશે વાત કરશો?

 જીવનમાં ઘણાં કપરા સમય આવ્યા છે, પરંતુ કપરા સમયનો આનંદ પણ છે. કારણ કે કપરો સમય પૂરો થાય ત્યારે એક આગવી મજા આવતી હોય છે. ખૂબ તરસ લાગી હોય, ખૂબ ચાલ્યા હોઈએ, પસીનો નીતરતો હોય અને પાણી ક્યાંય ન હોય એ વખતે આપણને વ્યથા છે. પણ આટલું બધુ ચાલ્યા પછી, થાક્યા પછી કોઈ શેરડીના રસનો એક ગ્લાસ ધરી દે કે કોઈ એક લિંબુ શરબતનો ધરી દે તો એ પીધા પછી જે પ્રાપ્ત થાય છે એ આગળના બધા થાક ઉડાડી દે છે. એટલે જીવનમાં કપરા પ્રસંગો અનેક આવ્યા છે, પરંતુ એમાંથી ઘણું શીખવા મળ્યું છે અને શીખીને આગળ વધ્યો છું. પણ એ બધામાં જે અતિકપરો સમય આવ્યો એ મારા પ્રિય આત્મીય સ્વજનની વિદાય હતી. હું જાણતો હતો અને સૌ કોઈ જાણતાં હતાં કે હવે શું થવાનું છે. પણ જાણેલું પણ જ્યારે બને છે ત્યારે ધક્કો તો વાગે જ. આખરે આપણે પણ જીવ છીએ તો આપણને આઘાત તો લાગે. પરંતુ આઘાત લાગે ત્યારે જો સહેજ શાંતિથી વિચારીએ કે આ ઘટનામાં હું જવાબદાર નથી કે જનાર જવાબદાર નથી, પણ આ તો ઈશ્વરની પ્રક્રિયાનો એક ભાગ છે. તો ધીમેધીમે આપણામાં સહન કરવાની શક્તિ આવે છે.

 

તમે જો દુઃખી થાઓ તો તમારી પીડામાંથી બહાર નીકળવા માટે તમે કયા પ્રયત્નો કરો?

 આ ઉંમરે હવે મારી એવી મનઃસ્થિતિ થઈ ગઈ છે કે જો હું દુઃખી થાઉં તો એમાંથી બહાર નીકળવા માટે મારે કોઈ પ્રયત્નો કરવા પડે. પણ જો દુઃખી થાઉં તો મને જાત સાથે વાત કરાવાની ટેવ છે. તો હું ભગવાન સાથે પણ અત્યંત લાઉડલી વાત કરતો હોઉં છું. મારા આત્મીય સ્વજનની વિદાય પછી મારી આજુબાજુના લોકો મારા કુટુંબીજનોને ફોન કરીને કહે છે કે ભદ્રાયુભાઈ ઘરમાં કંઈ બોલ્યા બહુ કરે છે! આ કોઈ કલ્પિત બાબત નથી, પરંતુ આ સત્ય ઘટના છે.

 

અત્યાર સુધીના જીવનમાં સુખ અને દુઃખ બાબતે તમે શું શીખ્યા?

 એ બંને બાબતોએ અત્યાર સુધીમાં ઘણું શીખવા મળ્યું છે. આખરે લાઈફ ઈઝ અ સેલ્ફ લર્નિંગ જર્ની. આપણી યાત્રા જ એક અધ્યયનની યાત્રા છે. તમે ધારો તો દરેક પગલે તમે કંઈક ને કંઈક શીખી શકો છો. સરદાર અંજુમનો એક શેર છે,

 

हर क़दम पर गिरे मगर सीखा

कैसे गिरतों को थाम लेते हैं

 

આપણને ઠેસ વાગે ત્યારે પણ સામે એક માણસ હાથ લંબાવીને ઊભો હોય છે. આ વાત એવું શીખવે છે કે ઠેસ પણ વાગે અને કોઈ સહાય માટે ઊભું પણ હોય! તો ઠેસની ચિંતા ન કરીએ અને સામે હાથ લંબાયો એને ઈશ્વરની કૃપા ગણીએ. એવું હું સુખ અને દુઃખની બાબતે શીખ્યો છું.

 

તમારા મતે આ દુનિયાનો સૌથી સુખી માણસ કોણ? અને સૌથી દુઃખી માણસ કોણ?

 મારા મતે આ દુનિયાનો સૌથી સુખી માણસ હું છું. કેમ હું છું? કારણ કે ચોતરફથી મને સુખ જ મળ્યું છે, સુખ જ મળે છે અને સુખ જ મળતું રહેવાનું છે. એ વાતમાં મને પૂરેપૂરી શ્રદ્ધા છે. આપણે શાંતિમંત્રમાં ત્રણ વાર શાંતિઃ શાંતિઃ શાંતિઃ બોલીએ છીએ. એમાં પહેલીવાર જ્યારે આપણે શાંતિઃ બોલીએ છીએ ત્યારે આપણે શ્રદ્ધાથી બોલતા હોઈએ છીએ, પરંતુ છેલ્લી વાર આપણે સંતોષથી શાંતિ બોલતા હોઈએ છીએ. આ શ્રદ્ધા અને સંતોષ વચ્ચેની જે યાત્રા છે એને જીવન કહેવાય. અને મારી એવી માન્યતા છે કે હું આ શ્રદ્ધા અને સંતોષની વચ્ચે જીવતો રહ્યો છું એટલે સુખીમાં સુખી માણસ હું છું.  આવા અનેક લોકો હશે, જેઓ નિજાનંદમાં મસ્ત હશે.

 

તો દુઃખી કોણ છે? એ થોડો અઘરો પ્રશ્ન છે. પણ હું એવું માનું છું કે જે ખેતરની વચ્ચે વસે છે અને તેની ચોતરફ જાતજાતના પક્ષીઓ ટહૂકા કરે છે અને જેની ચારેતરફ કુદરત સીવાય કશું નથી અને છતાં જે માણસ પોતાના આંખ, કાન બંધ રાખીને બેસે છે. એ દુઃખીમાં દુઃખી માણસ છે.

 

અમારા વાચકોને આનંદમાં રહેવાની કે સુખી રહેવાની કોઈ ટિપ્સ આપશો?

આમ તો સુખી રહેવાની ટિપ્સ અંદરથી મળવી જોઈએ. પરંતુ આપે પ્રશ્ન કર્યો છે તો હું જવાબ આપું. મને એવું લાગે છે કે દિવસમાં ત્રણ વસ્તુ કરવી જોઈએ. સૌથી પહેલાં આપણે ઊઠીએ ત્યારે ઈશ્વરનો હાથ જોડીને આભાર માનીએ. આપણા શાસ્ત્રોએ પણ એ જ કહ્યું છે કે આપણે ઊઠીએ ત્યારે પહેલા ધરતીને પગે લાગવું કે, હવે હું તારા પર ભાર વધારવાનો છું, મને માફ કરજે! એટલે આપણે સૌએ એક પરમ તત્ત્વનો આભાર માનવો જોઈએ.

 

એ પછી દિવસમાં બે એક વાર પંદરેક મિનિટ આપણે શાંતિથી આંખો મીંચીને બેસવું. હું ધ્યાનની વાત નથી કરતો. માત્ર પંદર મિનિટ એમ જ આંખો મીંચીને બેસવું. અને ત્રીજી વાત સવારે ઊઠો ત્યારે આજનો દિવસ અત્યંત મહત્ત્વનો છે એવું માનીને ઊઠવું, અને જે કંઈ કામ કરવાનું છે એ આજે જ પૂરું કરવાનો નિશ્ચય કરો અને રોજનું કામ રોજ પૂરું કરો. આજનું કામ આવતીકાલ પર ન ટાળો, એ આજે જ પૂર્ણ કરો, જેથી આવતીકાલે તમારી પાસે એક નવું ગ્રાઉન્ડ ખૂલ્લું હશે અને તમને તમારી રમત ખેલવાની મજા આવશે.

Whatsapp share
facebook twitter