Gujarat-વિકાસ સપ્તાહ, વિકાસ ગાથા: ગુજરાતમાં જ્યોતિ ગ્રામ યોજનાથી ગામડાં ઝગમગી ઉઠ્યા
**
1 હજાર દિવસના અભિયાનમાં 17 લાખ નવા વીજળીના થાંભલા અને 78 હજાર કિ. મી કેબલ નાખવામાં આવ્યા
**
જ્યોતિ ગ્રામ યોજનાથી રાજ્યના ગામડાઓમાં ઉદ્યોગોનો વિકાસ થયો, શિક્ષણની નવી તકો પહોંચી
**
Gujarat: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 7 ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ગુજરાતના વિકાસની જે વણથંભી યાત્રા શરૂ થઈ તેને તા. 7 ઓક્ટોબર 2024ના 23 વર્ષ પૂર્ણ થયા છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી લઈને અત્યાર સુધીની ગ્લોબલ ગુજરાતની સંકલ્પ સિદ્ધિની આ બહુવિધ વિકાસ યાત્રા અને જનહિતકારી સુશાસનની ગાથા જન જન સુધી ઉજાગર કરવા તા. 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે.
Gujarat માં જે રીતે તેમણે દૂરંદેશી વિઝન સાથે સમસ્યાઓને દૂર કરવા માટે એક આયોજનપૂર્વક વ્યૂહરચના અપનાવી એ તેમને એક સક્ષમ લીડર તરીકે પ્રસ્થાપિત કરે છે. મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ તેમણે જે સૌથી મહત્વનું કાર્ય પૂર્ણ કર્યું, તે ગામડા સુધી 24 કલાક વીજળી પહોંચાડવાનું હતું. તેના માટે તેમણે જ્યોતિ ગ્રામ યોજનાની જાહેરાત કરી હતી. ખુબ જ મુશ્કેલ જણાતા આ કાર્યને દૂરંદેશી વિઝન અને આયોજનપૂર્વકની કામગીરીથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું અને આજે ગુજરાતના ગામડાઓ 24 કલાક વીજળીથી ઝગમગી રહ્યા છે.
“સાંજે જમવા ટાઇમે વીજળી મળે એટલું તો કરો”
જ્યોતિ ગ્રામ યોજનાની સફળતા અંગે એક કાર્યક્રમમાં જણાવતા શ્રી મોદીએ કહ્યું હતું કે, “મને જ્યારે ગુજરાતની જવાબદારી ઓક્ટોબર 2001માં મળી, ત્યારે ઘણા લોકો મને મળવા આવતા અને કહેતા કે કમ સે કમ સાંજે જમવા ટાઇમે અમને વીજળી મળે એટલું તો કરો. આવી તેમની માંગણી હતી.
પછી અમે જ્યોતિ ગ્રામ યોજનાનું અભિયાન ચલાવ્યું અને લોકોની ભાગીદારીથી ચલાવ્યું. 1 હજાર દિવસ સુધી આ અભિયાન ચલાવ્યું અને મેં નક્કી કર્યું કે દરેક ગામડાને ચોવીસ કલાક વીજળી મળવી જોઇએ. તેના માટે જે ટેક્નિકલ સમાધાન લાવવા પડશે, તે શોધીશું. તમારા માટે એ આશ્વર્યજનક હશે કે એ જ સરકાર, એ જ કર્મચારીઓ, એજ ફાઇલો અને એજ પ્રક્રિયાઓ અને એ જ આદતો. એ તમામ લોકોમાં અમે પ્રેરણા જગાવી. આપણું રાજ્ય આવું નહીં, આ પ્રકારનું હોવું જોઇએ તેવો વિશ્વાસ પેદા કર્યો. એક હજાર દિવસમાં અમે કામ પૂર્ણ કર્યું અને આજે ગુજરાતના ગામડાઓમાં થ્રી ફેઝ વીજપુરવઠો 24 કલાક માટે ઉપલબ્ધ છે.”
18 હજારથી વધુ ગામોમાં 24 કલાક વીજ પુરવઠો પૂરો પાડવા ₹1,290 કરોડનું રોકાણ
જ્યોતિ ગ્રામ યોજના લાગુ થઇ તે પહેલા ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ઘરો, વ્યાપારી અને શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ખેડૂતોને માત્ર 8 થી 14 કલાક સુધી વીજ પુરવઠો મળતો હતો. તેના લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થાના વિકાસમાં અવરોધ પેદા થતો હતો અને નાગરિકોના મનમાં અસંતોષ હતો.
સપ્ટેમ્બર 2003થી જ્યોતિ ગ્રામ યોજનાના અમલીકરણ પછી, બિન-ખેતી ગ્રાહકોને અલગ ફીડર્સ દ્વારા 24 કલાકના વીજ પુરવઠા સાથે જોડવામાં આવ્યા હતા.
આ યોજનાએ ગ્રામીણ ગુજરાતમાં વ્યાપારી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગ આપ્યો છે.
અત્યાર સુધીમાં 2,495 જ્યોતિ ગ્રામ ફીડર્સ સ્થાપિત કરવામાં આવ્યા છે.
આ યોજનામાં 17 લાખ નવા વીજળીના થાંભલા, 78,454 કિલોમીટર નવી લાઈનો અને 18,724 નવા ટ્રાન્સફોર્મર કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે, જે કૃષિ માટેના વપરાશને અસર કર્યા વિના અન્ય ગ્રાહકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠા પૂરો પાડવા માટેની સુવિધા આપે છે.
18,065 ગામોમાં 24 કલાક વીજ પુરવઠો પૂરો પાડવા અને કૃષિ માટે ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ₹ 1290 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.
ખેડૂતમિત્રો માટે વીજ પુરવઠો
ખેતરોમાં રહેતા ખેડૂતોને એગ્રીકલ્ચર ડોમીનન્ટ ફીડર્સ દ્વારા ઓછામાં ઓછા 8 કલાક માટે સતત ત્રણ ફેઝનો વીજ પુરવઠો મળે છે. ત્યારબાદ, વિતરણ કંપનીઑ દ્વારા બનાવવામાં આવેલા ખાસ ડિઝાઇન કરેલા ટ્રાન્સફોર્મર્સ દ્વારા, બાકીના સમયગાળામાં સિંગલ ફેઝ વીજળી આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 4,615 SDT સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી ખેડૂતોને બિન-કૃષિ હેતુઓ માટે પણ 24 કલાક વીજ પુરવઠો મળે છે.
યોજનાના લાભ
– ગ્રામીણથી શહેરી વિસ્તારોમાં સ્થળાંતરમાં ઘટાડો.
– સ્થાનિક રોજગારીના વૃદ્ધિ માટે નવા અવસરો.
– કુટીર/ગૃહ ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ.
– વધુ સારી આરોગ્ય સેવાઓ અને પાયાની સુવિધાઓની ઉપલબ્ધતા.
– સવારે અને સાંજના સમયે ગામડાઓને જરૂરિયાત અનુસાર વીજ પુરવઠો.
– વિદ્યાર્થીઓને શિક્ષણ માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન.
– ટીવી અને અન્ય ઉપકરણો દ્વારા મનોરંજન ઉપલબ્ધ.
– સ્થાનિક ડેરી અને દૂધ પરીક્ષણ પ્રક્રિયાઓમાં સહાય.
– જાળવણી ખર્ચની બચત, ખેડૂતોના મોટર પંપની નિષ્ફળતામાં ઘટાડો.
– ગામડાઓમાં કામના કલાકોમાં વધારો.
રાષ્ટ્રીય સ્તરે જ્યોતિ ગ્રામ યોજનાથી પ્રેરણા
Gujarat માં આ યોજનાના સફળ અમલીકરણને પ્રેરણા તરીકે લેતા, ભારત સરકાર દ્વારા “DDUGJY” (દીન દયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના) નામની સમાન પહેલને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે. આ વ્યૂહાત્મક પગલાનો હેતુ ગુજરાતમાં પ્રાપ્ત થયેલા લાભો અને સકારાત્મક પરિણામોને સમગ્ર દેશમાં વિસ્તારવાનો છે, જે રાષ્ટ્રીય સ્તરે ગ્રામીણ વિદ્યુતીકરણ અને ટકાઉ ઉર્જા વિકાસના મહત્વને દર્શાવે છે.
આ પણ વાંચો–VADODARA : ડિજીટલ એરેસ્ટ કૌભાંડમાં બે ઝબ્બે, ડરાવીને લાખો રૂપિયા પડાવ્યા